click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Kutch -> NHRC Takes Serious Note of Torture of Nepali Youth in Mandvi
Friday, 08-May-2026 - Bhuj 37299 views
માંડવીમાં નેપાળી યુવક પર અત્યાચારના બનાવને NHRCએ ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ માંડવીમાં નિર્દોષ નેપાળી યુવકને લાકડી ધોકાથી ઢોર માર મારી, આ અત્યાચારનો વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરવાના અને સમગ્ર બનાવમાં પોલીસે ભજવેલી ભૂંડી ભૂમિકાની ઘટનાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે ગંભીરતાથી લીધી છે. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને આ ઘટનાનું સંજ્ઞાન લઈને તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાશે.

ગત મહિને ૮ એપ્રિલના રોજ સૌપ્રથમ કચ્છખબરે વાયરલ વીડિયોના આધારે સમાચાર પ્રગટ કરેલાં. માંડવીના આઝાદ ચોકમાં હોમગાર્ડ જવાનની હાજરીમાં એક નિર્દોષ નેપાળી યુવકને ત્રણ શખ્સો લાકડી વડે નિર્દયતાપૂર્વક ઢોર માર મારતાં હતા. કચ્છખબરના અહેવાલના બીજા દિવસે માંડવી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો અજાણ્યા યુવકને અજ્ઞાત કારણોસર માર મારતાં હોવાની સરકાર તરફે ફરિયાદ નોંધી હતી.

પીડિત પોલીસના કબજામાં જ હતો

હકીકતમાં આ બનાવ પાંચમી એપ્રિલની રાત્રિનો હતો અને બનાવ બન્યા બાદથી પીડિત યુવક માંડવી પોલીસના કબજામાં હોવાનું બહાર આવેલું. એટલું જ નહીં, માંડવી પોલીસ ગુપચૂપ રીતે પીડિત યુવકને જાપ્તા સાથે ૬ઠ્ઠી અને ૭મી એપ્રિલે ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેના માનસિક આરોગ્યનો અભિપ્રાય જાણવા લઈ આવેલી. હોસ્પિટલે યુવકના સગાં-સંબંધીને મળ્યાં વગર તથા મેજિસ્ટ્રેટના હુકમ વગર કોઈ અભિપ્રાય આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

પોલીસ યુવકને ચોરી-છૂપે ૯ એપ્રિલની મધરાતે ભુજની ભાગોળે આવેલી રખડતાં ભટકતાં નિરાધાર લોકોની સેવા કરતી સંસ્થામાં મૂકી ગયેલી.

સંસ્થાના સંચાલકોએ પોલીસ પાસે યુવકનો કબજો સુપ્રત કર્યાનું વિધિવત્ લખાણ આપવાનો આગ્રહ કરતાં ૧૩મી એપ્રિલે પોલીસની સૂચનાથી કેટલાંક લોકો આ યુવકને સંસ્થામાંથી પરત લઈ ગયાં હતા. આ યુવક કોણ છે અને ક્યાં છે તે અંગે શરૂઆતથી જ પોલીસ મૌન છે.

આરોપીઓને છાવરવા માટે કાયદાની ઉપરવટ જઈને માંડવી પોલીસે જે કરતૂત આચરેલું તે અંગે કચ્છખબરે સતત સિલસિલાબધ્ધ અહેવાલો પ્રગટ કરેલાં.

કચ્છખબરના સમાચારોના પગલે કચ્છ અને ગુજરાતના અનેક જાગૃત નાગરિકો, એડવોકેટસ, પૂર્વ જજીસ, નિવૃત્ત આઈપીએસ ઑફિસર્સ સહિતના સુજ્ઞ નાગરિકોએ આ મામલે ગુજરાત હાઈકૉર્ટ, સુપ્રીમ કૉર્ટ, નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન, નેપાળ એમ્બેસી, માનવાધિકાર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ સહિત વિવિધ સ્તરે રજૂઆતો કરેલી. આમાંના એક રજૂઆતકર્તા હતા ભુજના એડવોકેટ હેનરી જેમ્સ ચાકો. હેનરી ચાકોએ આ અંગે જરૂરી પૂરાવા સાથે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને સવિસ્તર રજૂઆત કરી હતી. જેને ગંભીરતાથી લઈ આયોગે કેસનો નંબર પાડીને તપાસ હાથ ધરી છે.

કચ્છખબરે પ્રગટ કરેલાં અગાઉના અહેવાલોની લિન્ક અહીં આપી છે, તેને ટચ કરવાથી લિન્ક ખૂલી જશે.

https://www.kutchkhabar.com/vishesh/mandvi-police-accused-of-illegal-detention-to-shield-attackers-of-nepali-youth-15436

https://www.kutchkhabar.com/vishesh/victim-mercilessly-thrashed-with-sticks-allegedly-held-by-mandvi-police-from-last-week-15430

https://www.kutchkhabar.com/mandvi/police-register-complaint-against-three-villains-for-assaulting-youth-in-mandvi-15427

https://www.kutchkhabar.com/mandvi/youth-mercilessly-beaten-by-trio-in-mandvi-victim-goes-missing-15424

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત