click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Mandvi -> Police Register Complaint Against Three Villains for Assaulting Youth in Mandvi
Thursday, 09-Apr-2026 - Mandvi 64836 views
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના આઝાદ ચોકમાં મધરાત્રે નેપાળી યુવકને ક્રૂરતાપૂર્વક લાકડી ધોકાથી ઢોર માર મારતાં ત્રણ નિર્દયી શખ્સોનો વીડિયો વાયરલ થયાં બાદ માંડવી પોલીસે ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયોને આધાર બનાવીને માંડવીના હેડ કોન્સ્ટેબલ વશરામ પટેલે ત્રણ શખ્સો વિરુધ્ધ ગાળો ભાંડીને જાહેરમાં માર મારવા સબબ સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે.

આ ગુનામાં ત્રણે લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫ (૧) (કોઈને માર મારી ઈજા પહોંચાડવી) ૨૯૬ (બી) (જાહેરમાં ગાળો ભાંડવી) ૫૪ (ગુનામાં મદદગારી, બનાવ સમયે હાજરી) અને ગુજરાત પોલીસ એક્ટની સેક્શન ૧૩૫ (હથિયારબંધીના જાહેરનામાનો ભંગ)ની કલમો લગાડાઈ છે.

પોલીસે હાજર હોમગાર્ડને રીતસર છાવર્યો

નેપાળી યુવકને ઢોર માર મારતાં હોવાની ૫૭ સેકન્ડની વીડિયો ક્લિપમાં સ્પષ્ટ રીતે ત્યાં એક ખાખી વર્દીધારી હાજર હોવાનું દેખાય છે. પરંતુ, માંડવી પોલીસે ધરાર બેશર્મી દાખવીને આ ખાખી વર્દીધારીને આરોપી બનાવ્યો નથી.

કચ્છખબરે આ અંગે માંડવીના પીઆઈ ચેતક બારોટને પૂછ્યું તો ખુદ તેમણે કબૂલ્યું કે વીડિયોમાં દેખાતો ખાખી વર્દીધારી હોમગાર્ડનો જવાન છે!

બનાવ સમયે ત્યાં હાજર હોમગાર્ડનો જવાન ચૂપચાપ તમાશો જોતો હતો, તેની ફરજ હતી કે નરાધમોને કોઈ યુવક પર ક્રૂરતા આચરતાં અટકાવી પોલીસને જાણ કરે છતાં ઉલટાનું તેણે મદદગારી કરી! છતાં માંડવી પોલીસે આ હોમગાર્ડને આરોપી નથી બનાવ્યો! ખરેખર તો હોમગાર્ડને પણ આરોપી બનાવી ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૮ તળે ગુનો નોંધવો જોઈએ તેમ કાયદાના જાણકાર વિદ્વાનોનો મત છે.

પોલીસ આ હોમગાર્ડને પૂછીને ઘટના ક્યારે ઘટી, માર ખાનાર યુવક કોણ છે, હાલ તે ક્યાં છે, તેને ક્રૂરતાથી માર મારનારાં નરાધમો કોણ છે તેની પ્રાથમિક પૂછપરછ કરીને આરોપીઓ સામે નામજોગ ગુનો દાખલ કરી શકી હોત.

હદ તો થાય છે કે આ નરાધમો કોણ છે અને તેમનો આકા કોણ છે તેમના ફોટો અને નામો પણ સોશિયલ મીડિયા પર ફરે છે પરંતુ માંડવી પોલીસે સરેઆમ નિર્લજ્જતા દાખવીને હોમગાર્ડને બચાવી લીધો છે અને ત્રણે નરાધમોને ચોપડા પર અજાણ્યા આરોપી તરીકે દર્શાવી ગુનો નોંધ્યો છે.

વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરનારને પણ છાવર્યો

નેપાળી યુવકને ક્રૂરતાથી માર મારતી વખતે ચોથો નરાધમ મોબાઈલમાં મસ્તીથી વીડિયો ઉતારતો હતો. આ નરાધમે વીડિયો રેકોર્ડ કરીને તેને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. પરંતુ, પોલીસે વીડિયો રેકોર્ડ કરી વાયરલ કરનાર શખ્સને પણ ધરાર આરોપી નથી બનાવ્યો. હદ તો ત્યાં થાય છે કે ફરિયાદનો આધાર ‘સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો’ દર્શાવાયો છે છતાં માંડવીના ખૂબ જ હોંશિયાર અને અતિ તટસ્થ પીઆઈ બારોટને તેમાં આઈટી એક્ટની કલમો લગાડવાનું સૂઝ્યું નથી.

નછૂટકે કામગીરી બતાડવા FIR કરાઈ

ઘટનાની ભીતરના દાવા અને તથ્યો નિર્દેશ આપી રહ્યાં છે કે માંડવી પોલીસે પહેલાંથી જ આ બનાવમાં ઈરાદાપૂર્વક કોઈ  કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું. કોઈને ઢોર મરાયો હોય, હોમગાર્ડ હાજર હોય છતાં પોલીસ ચાર પાંચ દિવસ સુધી બેખબર રહે? વીડિયો વાયરલ થાય ત્યારે ખબર પડે? આઝાદ ચોકમાં નેત્રમ કેમેરા શેના માટે રાખ્યાં છે? ઘટનાની વીડિયો ક્લિપ દેશભરમાં વાયરલ થતાં નછૂટકે પોતાની કામગીરી બતાડવા ફરિયાદ દાખલ કરાઈ હોવાનું અને તેમાં પણ આરોપીઓને છાવરવામાં આવ્યાં હોવાનું સ્પષ્ટ વર્તાઈ આવે છે.

માનસિક અસ્થિર યુવક ગંભીર રીતે ઘાયલ

જેને માર મરાયો તે યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું અને ગંભીર રીતે ઘાયલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. તે કોણ છે, હાલ ક્યાં છે તે અંગે બધું જાણતી પોલીસ ઈરાદાપૂર્વક મૌન સેવી રહી છે.

સજા આપવાનું કામ કૉર્ટનું છે

ભારતનો કાયદો અને બંધારણ સ્પષ્ટ છે. કોઈ ગમે તેવો ગંભીર ગુનો આચરે તેને સજા આપવાનું કામ કૉર્ટનું છે. ખુદ પોલીસને પણ માર મારવાનો અધિકાર નથી. એટલે જ જ્યારે કોઈ પણ આરોપીને કૉર્ટમાં રજૂ કરાય ત્યારે મેજિસ્ટ્રેટ ફરજિયાતપણે તેને એક પ્રશ્ન પૂછતાં હોય છે કે ‘તમને પોલીસે હેરાનગતિ તો નથી કરી ને? માર માર્યો નથી ને?’

નેપાળ સાથેના સંબંધો પર અસર પડી શકે છે

આ રીતે જાહેર રોડ પર નરાધમો દ્વારા તાલિબાની ન્યાય તોળવાનું શરૂ થાય તે હરગીઝ સાંખી ના શકાય. જેને માર મરાયો છે તે નેપાળનો એટલે કે વિદેશનો નાગરિક છે. આ ઘટના ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ખટાશ લાવી શકે છે. આવી ગંભીર બાબત એસપી અને આઈજી સ્તરના આઈપીએસ અધિકારીઓને સમજમાં નહીં આવતી હોય?

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?