click here to go to advertiser's link
Visitors :  
15-Jun-2026, Monday
Home -> Mandvi -> Youth Mercilessly Beaten by Trio in Mandvi Victim Goes Missing
Wednesday, 08-Apr-2026 - Mandvi 60505 views
માંડવીમાં બેફામ ત્રિપુટીએ નેપાળી યુવકને ઢોર માર મારી જંગાલિયત આચરીઃ પીડિત ગાયબ!
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ માંડવીના આઝાદ ચોકમાં લુખ્ખાં તત્વો પરપ્રાંતીય યુવકને લાકડી ધોકાથી ઢોર માર મારી રહ્યાં હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ખળભળાટ મચી ગયો છે.   વીડિયોમાં એક જણો યુવકને પકડી રાખે છે અને બીજો હાથમાં ધોકા સાથે ‘ક્યા કર રહા થા યહાં? કહીને ગાળો ભાંડતા ભાંડતા પૂરી તાકાતથી યુવકના પગ પર લાકડી મારી રહ્યો છે.

એટલું જ નહીં, માર મારતાં મારતાં લાકડી તૂટી જાય છે તો આ શખ્સ પાસે રહેલો મજબૂત ધોકો ઉપાડીને ફરી તૂટી પડે છે. માર ખાનારો યુવક અસહ્ય પીડાથી બુમો પાડતો કણસી રહેલો દેખાય છે. વીડિયોના અંતમાં અચાનક ત્રીજો યુવક આવીને જમીન પર પડેલાં યુવકને ધોકા મારવા મંડી પડે છે.

માંડવીના આઝાદ ચોકનો મધરાતનો વીડિયો

૫૭ સેકન્ડની આ વીડિયો ક્લિપ સાથે ઘટના માંડવીના આઝાદ ચોકની હોવાનું અને લુખ્ખા તત્વો કાયદો હાથમાં લઈને પોલીસનો કોઈ ભય ના રહ્યો હોય તેમ પરપ્રાંતીય યુવકને બેખૌફ મારી રહ્યાં છે તેવો સંદેશ લખેલો છે. ઘટના જોતાં મોડી રાત્રિની જણાય છે કારણ કે ટ્રાફિક અને માણસોની ચહલપહલથી ધમધમતો આઝાદ ચોક સાવ નિર્જન જણાય છે.

માંડવી પોલીસ અને પીઆઈ ઘટનાથી અજાણ!

યુવકને ઢોર માર મરાતો હોય છે તે સમયે એક ખાખી વર્દીધારી પણ થોડીકવાર માટે વીડિયોમાં દેખાય છે. આ વર્દીધારી પણ શાંતિથી યુવકને માર ખાતો જોઈ રહેલો જણાય છે. બનાવ અંગે કચ્છખબરે માંડવીના પીઆઈ ચેતક બારોટને પૂછ્યું તો તેમણે આ ઘટના અંગે સંપૂર્ણ અજાણતા દર્શાવી છે. ઘટના આઝાદ ચોકની છે કે કેમ તે પૂછવા છતાં બારોટે કોઈ પ્રત્યુત્તર આપ્યો નહોતો.

પોલીસ સત્ય છૂપાવતી હોવાનો સૂત્રોનો દાવો

કચ્છખબરે ઘટના અંગે માંડવીના સ્થાનિક જાણકારોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું કે ઘટના ચોથી એપ્રિલની મધરાતની છે. માર ખાનારો યુવક નેપાળનો છે અને ઘટના બાદ તેનો કોઈ અતોપત્તો મળ્યો નથી. માર મારનારના ચહેરાં વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે અને કોઈ સંગઠનના હોદ્દેદારો છે.

યુવકને માર માર્યાં બાદ ગુનાથી બચવા પોલીસ મથકે પણ લઈ જવાયેલો પરંતુ પોલીસે કોઈ એક્શન લીધાં નથી.

સમગ્ર બનાવ અંગે પોલીસ સુપેરે વાકેફ છે પરંતુ સંગઠનના હોદ્દેદારોને છાવરવા ખાતર પોલીસે નિર્લજ્જતાથી અજાણતા ધારણ કરી લીધી હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે. વીડિયોમાં દેખાતો યુનિફોર્મધારી શખ્સ જીઆરડીનો જવાન હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું છે.

ભારતીય બંધારણ અને કાયદા મુજબ કોઈને પણ અન્ય વ્યક્તિને ઢોર માર મારવાનો અધિકાર નથી, ખુદ પોલીસને પણ નહીં. વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે કાયદો અને વ્યવસ્થાના પાઠ ભણાવતી પોલીસ આવી જંગાલિયત આચરનારાં સામે કોઈ પગલાં લે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.
Share it on
   

Recent News  
અંજારઃ ભાવિ પતિની જાસૂસી કરાવવી મોંઘી પડી! યુવકે બળજબરીથી ૭.૫૦ લાખ પડાવ્યાં
 
એશિયાના સૌથી સમૃધ્ધ માધાપર ગામમાં ‘ઓપરેશન વંડી’ સરપંચ પર ભલામણોનો મારો!
 
ટપ્પરની વાડીમાં કટિંગ ટાણે ત્રાટકી LCBએ ૭૯.૫૨ લાખનો દારૂ બિયરનો જથ્થો જપ્ત કર્યો