કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) માંડવીમાં નેપાળી યુવકને લાકડી વડે નિર્દયતાપૂર્વક માર મારનારાં નરાધમોને છાવરવા માટે ખુદ પોલીસે કાયદાની ઉપરવટ જઈને જે ગેરકાયદે કરતૂત આચર્યું છે તે જાણીને આપ ચોંકી ઉઠશો. પાંચમી એપ્રિલે નેપાળી યુવકને માર મરાયો તે રાત્રિથી જ પીડિત યુવક પોલીસના કબજામાં હોવા છતાં પોલીસે આ યુવક કોણ છે અને ક્યાં છે? તે અંગે ઈરાદાપૂર્વક અજ્ઞાનતા દર્શાવી હતી.
તેને માર મારતો વીડિયો વાયરલ થયાં બાદ નછૂટકે ૯ એપ્રિલે દાખલ કરેલી ફરિયાદમાં પણ પોલીસે પીડિત યુવકને ‘અજાણ્યો યુવક’ દર્શાવીને તેનો કોઈ અતોપત્તો ના હોવાનું જણાવેલું!
ચોરીછૂપે પીડિતને ભુજની સંસ્થામાં મૂકી દેવાયો
હકીકતે ફરિયાદ નોંધી તે દિવસે એટલે કે નવ એપ્રિલે પોલીસ જ પીડિત યુવકને ભુજની ભાગોળે આવેલી એક સેવાભાવી સંસ્થામાં ચોરીછૂપે મૂકી ગઈ હતી! સંસ્થાના સંચાલકોએ પોલીસ પાસે યુવકનો કબજો સુપ્રત કરવા અંગેનું લખાણ માગેલું પરંતુ પોલીસ ખોટાં વાયદા કરવા માંડેલી. જેથી સંચાલકોને શંકા ગયેલી.
લખાણનો આગ્રહ રાખ્યો પીડિતને પરત લઈ જવાયો
પોલીસ લખાણ આપવામાં વાયદા કરતી હોઈ સંસ્થાના અનુભવી સંચાલકની શંકા ઘેરી બનેલી. તેમણે યુવકના કબજા અંગેનું લખાણ ના મળે તો તેને પરત પોલીસ સ્ટેશનમાં મૂકી જવાની ચીમકી આપતાં આજે સાંજે પોલીસ તેને સંસ્થામાંથી લઈ ગઈ છે.
સંસ્થાના સંચાલકે જણાવ્યું કે પોલીસ કશું ખોટું નહોતી કરતી તો લખાણ કેમ આપતી નહોતી?
પોલીસ આ યુવકને હવે ક્યાં લઈ ગઈ છે તેની કોઈને ખબર નથી.
પીડિત કેવી રીતે પોલીસ પાસે પહોંચેલો?
આરોપીઓને બચાવવા ખુદ પોલીસે શરૂઆતથી જ જે રીતે કાયદાની ઐસીતૈસી કરતી કાર્યવાહી કરી છે તે ગંભીર છે. પાંચમી એપ્રિલની રાતે ઢોર માર મરાયાં બાદ પીડિત માંડવી પોલીસના કબજામાં હતો. પીડિત યુવક ફરિયાદ નોંધાવવા સામેથી પોલીસ મથકે ગયેલો કે નરાધમો તેને પોલીસ મથકે મૂકી ગયેલાં? આ એક ગંભીર સવાલ છે.
૯ દિવસથી નિર્દોષ યુવક છે પોલીસ કબજામાં
કોઈની સામે સાત વર્ષથી વધુની સજાને પાત્ર ગંભીર ગુનો નોંધાય તો કાયદાની જોગવાઈ મુજબ પોલીસ તેની અટક કરી કબજો લઈ શકે છે. આ કિસ્સામાં તો ઘાયલ યુવક ખુદ પીડિત છે. તેની સામે કોઈ ગુનો નોંધાયો નથી. ત્યારે પોલીસે કયા ગુના અને કાયદા હેઠળ તેને નવ દિવસથી પોતાના કબજામાં રાખ્યો છે?
ઘાયલ યુવકની MLC પણ નથી નોંધાવી
કોઈપણ વ્યક્તિ ઘાયલ હાલતમાં મળે તો પોલીસે તત્કાળ તેની શરીરસ્થિતિનું પંચનામું કરી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી મેડિકો લિગલ કેસ (MLC) નોંધવો પડે તેવું કાયદો કહે છે. પરંતુ, આ કિસ્સામાં પોલીસે આવું કોઈ પંચનામું કર્યું નથી કે ઘાયલ યુવકની કોઈ MLC પણ નોંધી નથી. અર્થાત્, આરોપીઓને બચાવવા માટે પોલીસે ઘાયલ યુવકની સરકારી હોસ્પિટલમાં કોઈ સારવાર કરાવી નથી. એ બનવાજોગ છે કે આરોપીઓને છાવરવા માટે પોલીસે ચોરીછૂપે કોઈ ખાનગી હોસ્પિટલમાં તેની પાટાપિંડી કરાવી હોય.
નરાધમ ત્રિપુટી તેને રોડ પર ધોકા મારતી મારતી આઝાદ ચોકમાં લઈ આવેલી.
૫૭ સેકન્ડના વાયરલ વીડિયોમાં ત્રિપુટી તેને જમીન પર ઊંધો સૂવડાવીને પગના સ્નાયુઓ પર ધોકા મારતાં જોવા મળી રહી છે. હકીકતે તેને માથા અને હાથમાં પણ ઈજાઓ થયેલી. ૯ એપ્રિલે પોલીસ તેને ભુજની સંસ્થામાં મૂકી ગયેલી ત્યારે તે પાટાપિંડી કરાયેલી હાલતમાં હતો.
આઘાતથી યુવકે માનસિક સંતુલન ગુમાવ્યાની શંકા
પીડિત યુવક હાલ શારીરિક રીતે પહેલી નજરે સ્વસ્થ જણાય છે. પરંતુ, માનસિક સંતુલન ના હોય તેમ જણાય છે. તે સતત પોતાનું નામ અલગ અલગ જણાવે છે. જે પ્રશ્નો પૂછાય તેના અસંબંધ્ધ જવાબો આપે છે. તબીબી વિજ્ઞાન કહે છે કે જ્યારે આ પ્રકારે હુમલો થાય બાદ ઘણીવાર સ્નાયુઓમાં રહેલાં ચરબીના કણો રક્તમાં ભળીને મગજમાં જમા થાય ત્યારે સેરેબ્રલ ફેટ એમ્બોલિઝમ Cerebral Fat Embolism થાય છે.
આવી વ્યક્તિમાં ચિત્તભ્રમ (Acute Confusion or Disorientation) સર્જાઈ શકે છે. ક્યારેક આવા હુમલાથી પીડિત એટલો માનસિક આઘાતમાં મૂકાઈ જાય છે કે તેનું મગજ હુમલાની પીડાદાયી દુઃખદ સ્મૃતિથી તુરંત અને સ્વતઃ વિમુખ થઈ જાય છે.
તબીબી પરિભાષામાં તેને Dissociative Amnesia or Fugue કહેવાય છે. તેના પરિણામે પણ પીડિત વ્યક્તિ આવું વર્તન કરતી જોવા મળી શકે છે.
પીડિતને બેવાર મેન્ટલ હોસ્પિટલ કેમ લવાયેલો?
કબજામાં રહેલા પીડિત યુવકની માનસિક હાલત અંગેનો અભિપ્રાય મેળવવા માટે તેને લઈને માંડવી પોલીસે ૬ઠ્ઠી અને ૭મી એપ્રિલે બે વખત ભુજની સરકારી માનસિક હોસ્પિટલના ધક્કા ખાધેલાં. જો કે, યુવક સાથે તેના કોઈ પરિચિત કે સગાં સંબંધી નહોતા. યુવકની પૂરતી હિસ્ટ્રી જાણ્યા વગર તેની માનસિક હાલત અંગે કોઈપણ અભિપ્રાય આપવાની હોસ્પિટલે અસમર્થતા દર્શાવતાં પોલીસ તેને પરત લઈ ગઈ હતી.
મેજિસ્ટ્રેટના હુકમ વગર મેન્ટલ લઈ જવાયો!
પોલીસને જો કોઈ વ્યક્તિની માનસિક અસ્વસ્થતા અંગે શંકા હોય તો તે વ્યક્તિને જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને તેમના હુકમથી માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ જવી ફરજિયાત છે. પોલીસે આ નિયત કાયદાકીય પ્રોસિઝરનો પણ સરેઆમ ભંગ કર્યો છે.
સમગ્ર ઘટના અંગે માંડવીના પીઆઈ ચેતક બારોટનો ફોન પર સંપર્ક કરવા કચ્છખબરે અનેકવાર પ્રયાસ કર્યો પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. તેમને મેસેજ પાઠવ્યો છતાં તેનો પણ કોઈ પ્રત્યુત્તર સાંપડ્યો નથી.
આરોપીઓને છાવરવા માટે માંડવી પોલીસ શરૂઆતથી જ જે રીતે નિશ્ચિત કાયદા અને વિધિના ધજાગરા ઉડાડીને એક નિર્દોષ પીડિત યુવકને ગેરકાયદે પોતાના કબજામાં રાખીને ગેરકાનૂની વર્તણૂકો આચરી રહી છે તે અતિ ગંભીર બાબત છે. ગુજરાતના પોલીસ વડા અને ગુજરાત હાઈકૉર્ટ આ ચોંકાવનારા ઘટનાક્રમ અંગે સ્વતઃ સંજ્ઞાન લઈ કડક કાર્યવાહી કરે તે આવશ્યક છે.
Share it on
|