|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ‘નો ડ્રગ્ઝ ઈન ઈસ્ટ કચ્છ’ કેમ્પેઈન જારી રાખીને સામખિયાળી પોલીસે ૪.૪૫ લાખનું હેરોઈન, આડેસર પોલીસે ૨.૯૬ લાખનું મેફેડ્રોન અને અંજાર પોલીસે ૪૧ હજારનો ગાંજો ઝડપ્યો છે. પંજાબથી ટ્રેનમાં બેસીને સામખિયાળીમાં હેરોઈન વેચવા આવેલા બે યુવકોને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યાં છે. સામખિયાળીમાં ૪.૪૫ લાખનું હેરોઈન જપ્ત
પોલીસે સામખિયાળી ટોલ પ્લાઝાથી અડધો કિલોમીટર દૂર વૉચ રાખીને સર્વિસ રોડ પર પગપાળા જઈ રહેલા બે યુવકોને પકડીને તલાશી લેતાં એક જણના હાથમાં ‘અમૂલ ઘી’ લખેલાં ડબ્બામાંથી અથાણાં સાથે રાખેલું પ્લાસ્ટિકની કોથળી મળી આવી હતી. કોથળીમાંથી ૪ લાખ ૪૫ હજાર ૬૦૦ રૂપિયાના મૂલ્યનું ૨૨.૨૮૦ ગ્રામ હેરોઈન મળી આવ્યું હતું.
ઝડપાયેલાં યુવકોમાં દલિપસિંઘ રસલસિંઘ અને અક્ષય અશોક શર્મા (બંને રહે. ગુરદાસપુર, પઠાણકોટ, પંજાબ)ના રહેવાસી છે. અક્ષયની અંગઝડતીમાંથી પાલનપુર જંક્શનથી સામખિયાળી સુધીની બે ટ્રેઈન ટિકિટ મળી આવી હતી.
બેઉ જણે અમૃતસરના વિક્કી નામના શખ્સ પાસેથી હેરોઈન ખરીદીને કચ્છમાં છૂટક વેચાણ કરવા આવ્યા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે. સામખિયાળી પીઆઈ જે.એમ. ઝાલાના માર્ગદર્શનમાં સ્ટાફે સફળ કાર્યવાહી કરી છે.
એમડી ડ્રગ્ઝની ખેપ મારતી ત્રિપુટી ઝડપાઈ
રાજસ્થાનથી મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્ઝ લઈને ભુજના યુવકને આપવા આવી રહેલાં ત્રણ જણાં આડેસર ચેક પોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન પકડાઈ ગયાં છે. ગત રાત્રે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે કચ્છમાં આવી રહેલી સ્વિફ્ટ કારને અટકાવી તલાશી લેતા તેમાં બેઠેલા ત્રણ પૈકી એક યુવક પાસેથી ૨ લાખ ૯૬ હજાર ૬૭૦ રૂપિયાની કિંમતનું ૯૮.૮૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્ઝ મળી આવ્યું હતું.
પોલીસે એમડી સાથે હૈદરઅલી હયાતખાન રાજડ (ઉ.વ. ૨૮), અકબર અલી મોહમ્મદખાન રાજડ (૨૫) (બંને રહે. બાડમેર, રાજસ્થાન) અને મિતેશ ભરતભાઈ જંગમ (બાવાજી) (ઉ.વ. ૩૨, રહે. ઓસવાળ શેરી, દેરાસર સામે, મુંદરા)ની ધરપકડ કરી છે. ત્રણે જણ મુંદરામાં કારની કંપનીમાં કામ કરે છે.
જેની પાસેથી ડ્રગ્ઝ પકડાયું તે હૈદરઅલીએ પોલીસને જણાવ્યું કે મિતેશને એમડી ખરીદવું હોઈ તેણે બાડમેરમાં તેના ગામમાં રહેતા ગોવિંદ બિશ્નોઈને આ અંગે વાત કરેલી. ગોવિંદે તેમને સાંચોર નજીક ખારા ગામે આવી ફોન કરવા જણાવેલું. ત્રણે જણ મુંદરાથી ભાડાની કાર લઈને સાંચોર ગયેલાં. ગોવિંદને ફોન કરતાં ગોવિંદનો માણસ આવીને એક લાખ રોકડાં રૂપિયા લઈને માલ આપી ગયેલો.
ભુજના કીર્તિ બાવાજીને એમડી આપવા ખેપ મારેલી
મિતેશે પ્રાથમિક પૂછપરછમાં કબૂલ્યું કે એમડીનો માલ ભુજમાં રહેતા કીર્તિ બાવાજીને જોઈતો હતો. જેથી તેના કહેવાથી તે એમડી લેવા ગયેલો.
બાડમેરથી એમડી લઈ આવવાના બદલામાં કમિશનપેટે બેઉને વીસ હજાર રૂપિયા મળવાના હતા. અકબર અલી અમસ્તો જ તેમની ટ્રીપમાં કંપની આપવા માટે જોડાયો હતો.
આડેસર પોલીસે ઝડપાયેલાં ત્રણે યુવક ઉપરાંત નહીં પકડાયેલાં ગોવિંદ બિશ્નોઈ, તેણે મોકલેલાં માણસ તથા ભુજના કીર્તિ બાવાજી વિરુધ્ધ NDPS Act તળે ગુનો દાખલ કર્યો છે. ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ કરી રહેલા કંડલા એરપોર્ટ પીએસઆઈ ટી.એસ. વાઘેલા, આડેસરના પીઆઈ જે.બી. આચાર્ય વગેરે જોડાયાં હતા.
અંજાર પોલીસે ૪૧ હજારનો ગાંજો ઝડપ્યો
અંજાર પોલીસે રેલવે ટ્રેક નજીક નવાનગરના રહેણાક મકાનમાં રેઈડ કરીને ૪૧ હજાર ૪૫૦ રૂપિયાની કિંમતના ૮૨૯ ગ્રામ ગાંજા સાથે અબ્દુલ ભચુ બાફણ (ઉ.વ. ૩૭) નામના યુવકની ધરપકડ કરી છે. અબ્દુલ તેના મકાનમાં ગાંજાનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડેલો.
અબ્દુલે સ્ટીલના થાળમાં ગાંજો રાખીને ઉપર બીજો થાળ ઢાંકી રાખેલો. પ્રાથમિક પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેનો નાનો ભાઈ અલ્તાફ (રહે. ગંગા નાકા પાસે, અંજાર) ગાંજો આપી ગયો હતો.
પીઆઈ હકુમતસિંહ જાડેજાએ બેઉ ભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|