કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના યશ તોમરના અપહરણ અને હત્યા કેસમાં ઝડપાયેલાં બે આરોપીના કૉર્ટે એક સપ્તાહના રીમાન્ડ મંજૂર કર્યાં છે. આરોપી રાજેન્દ્ર ઊર્ફે રાજુ કાલરીયા (પટેલ) અને કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી)ને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંજારની ચીફ કૉર્ટમાં રજૂ કરાયાં હતાં. પોલીસે ૧૦ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસે રજૂ કરેલાં રીમાન્ડ માટેના ગ્રાઉન્ડના આધારે કૉર્ટે બેઉ આરોપીને ૨૭ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.
રાજુએ યશની હત્યા કર્યાં બાદ તેનું મોપેડ, મોબાઈલ ફોન, કૉલેજ બેગ વગેરે ચીજવસ્તુ ક્યાં છૂપાવ્યાં છે અથવા ક્યાં અને કેવી રીતે તેનો નાશ કર્યો છે, હત્યા બાદ ખાડો દાટવામાં વાપરેલાં પાવડા, હત્યા માટે ઉપયોગમાં લેવાયેલી લોખંડની પાઈપ, રસ્સો ક્યારે અને ક્યાંથી ખરીદેલાં, હત્યા બાદ તે ક્યાં છૂપાવ્યાં છે, હત્યા કર્યાં બાદ બેઉ આરોપીઓએ બે સપ્તાહ સુધી શું કર્યું હતું, રાજુએ અમદાવાદ જઈને શું કરેલું તે સહિતની વિવિધ બાબતો અંગે તપાસ અને પૂરાવા એકઠાં કરવાના આધાર પર પોલીસે રીમાન્ડની માગ કરી હતી. હત્યા કેસમાં નિષ્ણાતોને સાથે રાખીને સમગ્ર ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરવાનું પણ આયોજન છે.
Share it on
|