કચ્છખબરડૉટકોમ, ભુજઃ દક્ષિણ રાજસ્થાન પર સર્જાયેલો હવાના હળવા દબાણનો પટ્ટો ગઈકાલે ડીપ્રેશનમાં તબદીલ થયા બાદ આજે ડીપ ડીપ્રેશનમાં ફેરવાઈને પ્રતિ કલાકે ૧૩ કિલોમીટરની ગતિએ ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ ધપી રહ્યો છે. ડીપ ડીપ્રેશનના કારણે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લા અને ખાસ કરીને તેને અડીને આવેલા વાગડમાં સતત મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ડીપ ડીપ્રેશન હવે સાયક્લોન (વાવાઝોડાં)માં તબદીલ થાય છે કે કેમ તેના પર હવામાન વિભાગની ચાંપતી નજર છે. વાગડમાં બારે મેઘ ખાંગા
આજે સવારે પૂરાં થતા ૨૪ કલાક દરમિયાન (શનિવારે સવારે ૬થી આજે સવારે ૬ વાગ્યા દરમિયાન) રાપરમાં ૫૮ મિ.મી., ભચાઉમાં ૯૦ મિ.મી, અંજારમાં ૧૭ મિ.મી., ભુજમાં ૧૬ મિ.મી. અને ગાંધીધામમાં ૨૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
આજે સવારના ૬થી અત્યારે રાત્રિના ૧૦ વાગ્યા સુધીમાં સર્વાધિક ૧૬૬ મિ.મી. એટલે કે સાત ઈંચ જેટલો વરસાદ એકલા રાપર શહેર અને તાલુકામાં વરસ્યો છે. ખાસ કરીને, આજે રાત્રિના આઠથી દસ વાગ્યાના બે કલાકમાં જ અંદાજે ચાર ઈંચ વરસાદ વરસી જતાં સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે.
રાપરને બાદ કરતાં અન્ય તાલુકા અંજાર, ગાંધીધામ, ભુજ અને નખત્રાણામાં સરેરાશ એક ઈંચ વરસાદ વરસ્યો છે. અબડાસા, લખપત અને મુંદરામાં ઝરમર ઝાપટાં વરસ્યા છે.
સોમવારે રેડ એલર્ટઃ શાળાઓમાં રજા જેવો માહોલ રહેશે
ડીપ ડીપ્રેશન કચ્છ પાકિસ્તાન તરફ આગળ ધપી રહ્યું છે. તે જોતા હવામાન વિભાગે સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યું છે. આ જિલ્લાઓમાં વેગીલા વાયરા અને ગાજવીજ સાથે અતિ ભારેથી અત્યાધિક ભારે વર્ષાની આગાહી છે. મંગળવારે ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી જારી કરાઈ છે. શાળાઓના આચાર્યોને વરસાદની પરિસ્થિતિમાં વિવેકબુધ્ધિ મુજબ શિક્ષણ કાર્ય ચાલુ રાખવું કે નહીં તેનો નિર્ણય કરી લેવા જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. જો કે, અનેક ખાનગી સ્કુલોએ આજે જ આવતીકાલ માટે શાળાઓમાં રજા જાહેર કરી દીધી છે.
Share it on
|