કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના વવાર ગામે પિતાની મરજી વિરુધ્ધ દીકરીને ભગાડીને લગ્ન કરી લેનારા જમાઈ પર સસરાએ ગોળીબાર કરી હત્યા કરવા પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. આજે બપોરે સાડા બારથી એક વાગ્યાના અરસામાં વવાર ગામે આવેલી ચારણ સમાજવાડી બહાર ફાયરીંગનો બનાવ બન્યો હતો. ત્રણ માસ અગાઉ ઘાયલ યુવકે પ્રેમલગ્ન કરેલાં
પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ઘાયલ યુવક ભીમાભાઈ રામભાઈ મોવર (ગઢવી) (ઉ.વ. અંદાજે ૨૮ વર્ષ)એ ત્રણેક માસ અગાઉ ગામમાં રહેતા પ્રતાપ ઊર્ફે પતુ ગઢવીની દીકરીને ભગાડીને લઈ જઈ તેની સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. આ પ્રેમલગ્નથી સસરો પ્રતાપ ગઢવી ખૂબ નારાજ હતો.
ભોજન સમારોહમાંથી જમીને નીકળતાં જમાઈ પર ગોળીબાર
આજે ગામની સમાજવાડીમાં ધાર્મિક પ્રસંગે આયોજીત ભોજન સમારોહ સમયે સસરા પતુ ગઢવીએ જમાઈ પર દેશી તમંચા (કટ્ટા)થી એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. ભીમો જમીને હાથ ધોઈને બાઈક તરફ જઈ રહ્યો હતો ત્યારે પતુ ગઢવીએ ગોળી મારવાના હેતુથી તેની સામે દેશી કટ્ટો તાકતાં ભીમાએ જીવ બચાવવા નાસી જવા પ્રયાસ કરેલો. દેશી તમંચામાંથી છૂટેલી ગોળી તેની પીઠમાં જમણી બાજુ ઘૂસી જતાં લોહીલુહાણ થઈ તે ઢળી પડેલો.
યુવક ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
બંદૂકના ભડાકાનો અવાજ સાંભળીને લોકો એકઠાં થઈ ગયેલાં અને ઘાયલ યુવકને અદાણી હોસ્પિટલે ખસેડ્યો હતો. બપોર બાદ તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. બનાવની તપાસ કરી રહેલા પ્રાગપર પોલીસ મથકના ઈન્સ્પેક્ટર ધવલ ડી. શિમ્પીએ જણાવ્યું કે યુવક પર સર્જરી હાથ ધરવામાં આવી હતી અને હાલ તેને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ફરિયાદ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે.
Share it on
|