કચ્છખબરડૉટકોમ, રાપરઃ રાપર તાલુકાના ગાગોદર પોલીસ મથકની હદમાં આવેલા એક ગામમાં સાવકા પુત્રએ ઓરમાન માતા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. ડરી ગયેલી ૩૫ વર્ષિય મહિલાએ પિયરમાં જઈ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી ગાગોદરમાં ટ્રાન્સફર કરી છે. દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ વીસ વર્ષ અગાઉ આગલા પતિથી છૂટાછેડાં લીધેલા. ત્યારબાદ ગાગોદર નજીક આવેલા ગામમાં રહેતા સમાજના અન્ય યુવક જોડે લગ્ન કરી તેની બીજી પત્ની તરીકે રહેવાનું પસંદ કર્યું હતું.
આ યુવકની પહેલી પત્ની ખેતરની ઓરડીમાં ત્રણ પુત્રો અને બે દીકરી સાથે રહે છે.
ફરિયાદી મહિલા ગામમાં આવેલા ઘરમાં સગીર વયના ત્રણ સંતાનો સાથે રહે છે. પતિ વારાફરતી બેઉ પત્નીઓ જોડે રહેવા આવે છે.
માસી મારે અહીં સૂઈ જવું છે કહી દુષ્કર્મ આચર્યું
બુધવારે રાત્રે મહિલા તેના ત્રણ બાળકો સાથે ઘરમાં સૂતી હતી ત્યારે પતિની પહેલી પત્નીનો પુત્ર ૧૧ વાગ્યે ઘરે આવેલો અને ‘માસી મારે જમવું છે’ કહીને જમવાનું માગેલું. જમ્યા બાદ સાવકા પુત્રે ત્યાં જ સૂઈ જવાનું કહેતા મહિલા બીજા રૂમમાં ખાટલો ઢાળી પથારી તૈયાર કરવા ગઈ હતી. તે સમયે આરોપીએ રૂમમાં આવીને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
મહિલાએ બચવા માટે રાડારાડ કરેલી પરંતુ આસપાસમાં કોઈ વસતિ ના હોઈ કશી મદદ મળી નહોતી.
બૂમાબૂમથી તેના સંતાનો જાગી ગયેલા પરંતુ ખૂબ ડરી ગયા હતા.
પિયર દોડી જઈ નોંધાવી ફરિયાદ
ઘટના બાદ અત્યંત ડરી ગયેલી અને વિચલિત થઈ ગયેલી મહિલા બીજા દિવસે સવારે રાધનપુરમાં આવેલા પિયરના ગામ દોડી આવી હતી. તેણે માતા પિતા અને કૌટુંબિક ભાઈને વાત કરતાં તેઓ તેને રાધનપુર રેફરલ હોસ્પિટલ લઈ ગયેલા. હોસ્પિટલના મહિલા સહાયતા કેન્દ્રમાં આ મામલે વાત કરતાં ફરિયાદ નોંધાવવા સલાહ આપીને તેઓ મહિલાને રાધનપુર પોલીસ મથકે લઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ બનાવે ગત માર્ચ માસમાં અંજારમાં સગાં પુત્રએ ૮૦ વર્ષની અશક્ત માતા પર કરેલા બળાત્કાર અને હત્યાની ઘટનાની યાદ અપાવી દીધી છે.
Share it on
|