click here to go to advertiser's link
Visitors :  
18-Feb-2026, Wednesday
Home -> Anjar -> Worker Commits Suicide Due to Torture by Colleague over Unpaid Debt In Anjar
Tuesday, 17-Feb-2026 - Anjar 1071 views
ઉછીના ૨૨ હજાર પરત મેળવવા સહકર્મી પર એવો ત્રાસ ગુજાર્યો કે તેણે આપઘાત કર્યો
કચ્છખબરૉટકોમ, અંજારઃ એક મહિના અગાઉ અંજારના ભીમાસર રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનારા યુવકના અપમૃત્યુના કેસમાં નવો વળાંક આવ્યો છે. મરતાં અગાઉ યુવકે સાથી કર્મચારીએ આપેલાં માનસિક ત્રાસનું વર્ણન કરીને પોતાને કંઈપણ થાય તો તેને જવાબદાર ગણવાની અલગ અલગ દિવસે ૬ ચિઠ્ઠીઓ લખેલી.

આ સ્યુસાઈડ નોટ્સના આધારે અંજાર પોલીસે સહ કર્મચારી ભંવરદાન ગઢવી વિરુધ્ધ આત્મહત્યા માટે મરવા મજબૂર કરવાની કલમ તળે ગુનો દાખલ કર્યો છે.  

ઉત્તરાયણની આગલી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકેલું

મરણ જનાર અમિત રાધેશ્યામ ઉપાધ્યાય મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરનો વતની હતો. અભ્યાસમાં ગ્રેજ્યુએટ અમિત ભીમાસર નજીક આવેલી રત્મનમણિ કંપનીના ડિસ્પેચ વિભાગમાં નોકરી કરતો હતો. ૧૩ જાન્યુઆરીની રાત્રે અમિતે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરવા પ્રયાસ કરેલો. અમિતને બ્રેઈન હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ પહોંચેલી. બનાવ અંગે અમિતના સહકર્મચારી ભંવરદાને કાનપુર રહેતી તેની નાની બહેન નૂપુરને ફોન કરી જાણ કરેલી. ગંભીર રીતે ઘાયલ અમિતને ભુજ જી.કે. જનરલથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો અને ૧૭ જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો હતો.

ભંવરે ચેકબૂક,મોબાઈલ, એટીએમ છીનવી લીધેલાં

અમિતે સહકર્મચારી ભંવરદાન ગઢવી (રહે. મૂળ રાજસ્થાન) પાસેથી ઉછીના ૨૨ હજાર રૂપિયા મેળવ્યાં હતા. આ રૂપિયા પાછાં મેળવવા માટે ભંવરે તેનું એટીએમ કાર્ડ, ચેકબૂક અને મોબાઈલ છીનવી લીધાં હતા. ભંવરના ત્રાસ વિશે નાની બહેનને વાત કરીને અમિતે કાનપુરમાં બીજી કોઈ નોકરી શોધવાનું શરૂ કરેલું. કાનપુરની એક કંપનીમાં તેનો ઈન્ટરવ્યૂ પણ ગોઠવાયો હતો પરંતુ ભંવર તેને વતન પરત જવા દેતો ના હોવાનું નૂપુરને જણાવેલું.

નૂપુરે ભાઈને બધું છોડીને કાનપુર આવી જવા જણાવી અમિતના બીજા એક મિત્ર મનીષ યાદવના નંબર પર ટ્રેનની ટિકિટ બૂક કરાવવા માટે ૧૨૦૦ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યાં હતા. પરંતુ, ભંવરના ત્રાસ અને દબાણથી અમિત કાનપુર ગયો નહોતો.

અમિતને પરિવારજનો જોડે વાત કરવી હોય તો તે ભંવરના મોબાઈલ ફોનથી વાતો કરતો. પરિવાર પણ અમિતનું કામ હોય તો ભંવરના ફોન પર કૉલ કરતો.

અમિતના ખિસ્સામાંથી જુદી જુદી ૬ સ્યુસાઈડ નોટ્સ નીકળેલી

અમિતના ખિસ્સામાંથી પોલીસને ડિસેમ્બર માસમાં જુદાં જુદાં દિવસે લખેલી ૬ સ્યુસાઈડ નોટ મળી આવેલી. જેમાં તેણે ભંવરદાને પોતાનું એટીએમ, ચેકબૂક, મોબાઈલ છીનવી લીધાં હોવાનું, વતન પરત જવા દેતો ના હોવાનું, ભંવર પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું અને પોતાને કોઈ પણ હાનિ પહોંચે તો તેના માટે ભંવરદાન જવાબદાર હોવાનું લખાણ લખેલું હતું.

ભંવરદાન અમિતની બહેન જોડે પણ વાતો કરતો હતો

નૂપુરે પોલીસને જણાવ્યું કે અમિતે જે રાત્રે ટ્રેન નીચે પડતું મૂક્યું તે રાત્રે સાડા દસ વાગ્યે ભંવરે તેને ફોન કરીને જાણ કરેલી કે અમિતનો એક્સિડેન્ટ થઈ ગયો છે અને તેને એમ્બ્યુલન્સ મારફત જી.કે. જનરલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો છે. અમિતને પોતે કાનપુરની કંપનીમાં ઈન્ટરવ્યૂ આપવા ગમે તે રીતે આવી જવા સૂચના આપેલી તે સમયે ભંવરે નૂપુરને ફોન અને મેસેજ કરીને જણાવેલું કે ‘અમિતને તમે ઘરે કેમ બોલાવો છો? તેની પાસે પૈસા તો છે નહીં. મારી પાસેથી તેણે ૨૨ હજાર રૂપિયા લીધાં છે, થોડાં દિવસ કામ કરવા દો, ૭મી જાન્યુઆરી સુધીમાં અમિતનું પેમેન્ટ આવી જશે’

અમિતના મૃત્યુના બે દિવસ બાદ ભંવરે ખબર પૂછવાના બહાને નૂપુરને ફોન કરેલો.

ગુનાની નોંધણી અને તપાસ કરનાર પો.સ.ઈ. જે.એસ. ચુડાસમાએ જણાવ્યું કે ઈલેક્ટ્રોનિક એવિડેન્સ સહિતના મજબૂત પુરાવાઓના આધારે ગુનો દાખલ કરાયો છે.

Share it on
   

Recent News  
દુકાને રાખેલા સોફાનું ભાડું ના ચૂકવાયું ને ૧૮૨ કરોડનું સાયબર ફ્રોડ બહાર આવ્યું!
 
અંતરિયાળ બાલાસર પોલીસ સ્ટેશનમાં UPના રાજ્યપાલ આનંદીબેન પટેલની અચાનક એન્ટ્રી!
 
મુંદરામાં કિંમતી જમીનના વિખવાદમાં બુખારી પર હુમલોઃ ડરેલાં બુખારીએ ફિનાઈલ પીધું