|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દહેજનો દાનવ વધુ એક કોડભરી પરિણીતાને ભરખી ગયો છે. કાળજાના કટકાં જેવી એકની એક દીકરીને સાસરે વળાવતી વખતે પિતાએ દસ લાખ રૂપિયા સાથે ઘરવખરી દહેજમાં આપેલી પરંતુ જમાઈને તે ઓછી પડતી હતી. લગ્ન કરીને પહેલીવાર ઘરમાં કંકુ પગલાં કરનારી નવવધૂ આગળ ‘દહેજ ઓછું મળ્યું’ હોવાની નારાજગી વ્યક્ત કરનારા પતિનો ત્રાસ એટલો વધ્યો કે લગ્નના ૫ માસ ૨૩ દિવસની અંદર દીકરી ગળેફાંસો ખાઈ લટકી ગઈ. ઘટના છે ગઢશીશા પાસે આવેલા જીએમડીસી સ્ટાફ ક્વાર્ટરની. જીએમડીસીમાં નોકરી કરતા અર્જુનસિંહ કરણસિંહ પરિહારની પત્ની સાલુએ ગત શુક્રવાર ૨૨ મેના રોજ પતિ નોકરી ગયો હતો ત્યારે સ્ટાફ ક્વાર્ટરને અંદરથી બંધ કરીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મરણ જનાર સાલુના પિતા અશોકસિંગ રાજપૂત (હાલ રહે. અમદાવાદ. મૂળ રહે. રાયબરેલી)એ દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ જમાઈ અર્જુન વિરુધ્ધ ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
લગ્નના ૬ માસમાં પરિણીતાને દહેજનો દાનવ ભરખી ગયો
ફરિયાદીએ જણાવ્યું કે ગત ૨૯-૧૧-૨૦૨૫ના રોજ તેમણે સામાજિક રીત રિવાજ મુજબ ૨૮ વર્ષની સૌથી મોટી દીકરી સાલુના લગ્ન અર્જુન જોડે કરેલાં. અર્જુનનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના તિકમગઢનો છે અને વર્ષોથી અમદાવાદ સ્થાયી થયેલો છે. સામાજિક રિવાજ મુજબ ફરિયાદીએ દીકરીને દહેજમાં દસ લાખ રૂપિયા સાથે ઘરવખરીની વિવિધ ચીજવસ્તુ આપેલી.
લગ્ન કરીને સાસરિયે ગયેલી દીકરી ચાર દિવસ બાદ પિયર પરત ફરી ત્યારે ઉદાસ હતી. દીકરીએ પિતાને જણાવેલું કે જમાઈને દહેજ ઓછું પડ્યું છે. મને મહેણાં ટોણાં મારીને હેરાન કરી છે.
દહેજ મુદ્દે જમાઈનો ત્રાસ જારી રહેલો. પંદરેક દિવસ અગાઉ પતિની હેરાનગતિથી કંટાળીને સાલુએ પિતાને વાત કરતાં પિતાએ જમાઈને કહીને દીકરીને અમદાવાદ પરત બોલાવી લીધી હતી. ત્યારબાદ જમાઈ અને તેના ભાઈએ સસરાંને મળીને ફરી હેરાનગતિ નહીં થાય તેવી ખાતરી આપતા દીકરીનો ઘર સંસાર ના બગડે તે ખાતર પિતાએ તેને પરત સાસરિયે મોકલી આપેલી. સાલુને લઈ તે જ તારીખ ૨૧ મેની રાત્રે અર્જુન કચ્છ આવવા રવાના થયેલો.
બીજા દિવસે સવારે ગઢશીશા પહોંચીને સાલુએ માતાને ફોન કરી જણાવેલું કે અર્જુન એવો ને એવો જ રહ્યો છે. આખી રાત તેણે મને હેરાન કરી છે.
સવારે આઠ વાગ્યે અર્જુન નોકરી પર જવા રવાના થયેલો. સાંજે પાંચ વાગ્યે નોકરી પરથી ઘરે પરત ફર્યો ત્યારે ઘર અંદરથી બંધ હતું. સાલુએ સીલીંગ ફેન સાથે દુપટ્ટાથી ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
Share it on
|