મડદાંને જીવતું કરી ૫૦ કરોડની જમીન વેચનાર મુખ્ય આરોપીનો અંજારમાં નીકળ્યો વરઘોડો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ વરસામેડીમાં કંડલા એરપોર્ટને અડીને આવેલી વેલસ્પન કંપની પાસેની સર્વે નંબર ૬૪૨ની અંદાજે પચાસ કરોડની જમીન મૃત માલિકને જીવતો દર્શાવી બારોબાર વેચી મારવાના કૌભાંડમાં વધુ બે જણના નામ બહાર આવ્યા છે.
Video :
કૌભાંડમાં વપરાયેલાં નકલી આધાર કાર્ડ અને જમીનના મૃત માલિકના નામનું બોગસ પાવરનામું ગાંધીધામના સંજય પ્રતાપભાઈ ઠક્કર (રહે. ભાનુદર્શન એપાર્ટમેન્ટ, ગાંધીધામ) અને મુંબઈના પ્રકાશ પ્રેમજીભાઈ દૈયાએ બનાવ્યું હોવાનું મુખ્ય આરોપી દિનમામદે કબૂલ્યું છે.
લગડી જેવી જમીન બારોબાર વેચી ખાવાનું કાવતરું રચનારા મુખ્ય સૂત્રધાર આરોપી દિનમામદ કાસમ રાયમા (રહે. બાયડ ફળિયું, દેવળિયા નાકા, અંજાર)ને આજે પોલીસે કૉર્ટમાં રજૂ કરીને વધુ ચાર દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. દિનમામદ મૂળ અમદાવાદનો પંકજ વાણિયા નામનો હિંદુ યુવક છે. ધર્મ પરિવર્તન કરાવીને તે વર્ષોથી અંજારમાં સ્થાયી થયો છે.
દિનમામદનો જાહેરમાં નીકળ્યો વરઘોડો
આજે પોલીસે દિનમામદનો જાહેરમાં વરઘોડો કાઢીને તેના ઘેર લઈ જઈ ઘરમાં ઝડતી કરી હતી. ઝડતી દરમિયાન ઘરમાંથી આ કૌભાંડ માટે તૈયાર કરાયેલા પાન કાર્ડ, આધાર કાર્ડ, ઓરિજિનલ દસ્તાવેજ વગેરે મળી આવતા ગુનાના પુરાવા કામે કબજે કર્યા હતા. પોલીસે દિનમામદની સ્કોર્પિયો કાર પણ કબજે કરી છે.
મુંબઈના શંકરે ધોળામાં ધૂળ નાખી
કરોડોના આ જમીન કૌભાંડમાં અગાઉ પોલીસ દિનમામદ ઉપરાંત જમીન ખરીદનાર પચાણ સુરા રબારી, ખોટા વેચાણ દસ્તાવેજમાં સાક્ષી બનીને સહી કરનાર સુલતાન અભુભખર ખલીફા, જમીનનો મૃત મૂળ માલિક શામજી શિવજીભાઈ ચાચાણી બનીને બોગસ પાવરનામું લખી આપનાર મુંબઈના ૬૯ વર્ષિય શંકરભાઈ કેશવજી ચંદ્રા તથા જેની તરફેણમાં પાવરનામું લખી આપેલું તે તેના પુત્ર મહેશ ચંદ્રાની ધરપકડ કરી ચૂકી છે. મહેશે આ જમીન ધાણેટીના પચાણ રબારીને વેચી હતી. તપાસમાં ખૂલ્યું છે કે પાવરનામામાં જેમણે સહીઓ કરેલી તે શખ્સો પણ બોગસ છે!
પાંચ ઝડપાયાં, હજુ ચાર હાથ લાગ્યાં નથી
ગુનામાં કુલ પાંચ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, હજુ ચાર આરોપી હાથ લાગ્યા નથી. અંજાર પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું કે તમામ આરોપીઓએ કરોડોની જમીન હડપ કરી લેવા માટે એકદમ સુનિયોજિત રીતે કાવતરું રચ્યું હતું. આ ગેંગે અંજાર પંથકમાં અન્ય સ્થળે પણ આ રીતે કરોડોની જમીનોમાં કૌભાંડ આચર્યો હોવાની ફરિયાદોનો પોલીસ સ્ટેશનમાં ઢગલો થયો છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ફરિયાદો દાખલ થાય તેવી શક્યતા છે.
PSI બચી જશે કે કડક SP એક્શન લેવડાવશે?
આ કૌભાંડમાં જે-તે સમયે વરસામેડી બીટ સંભાળનાર એક પીએસઆઈની ભૂમિકા પણ બહાર આવી છે. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાર આ પ્રકારની ગેરરીતિ આચરતાં કે તેમાં સંડોવણી હોય તેવા ગમે તેવા પોલીસ કર્મચારી કે અધિકારી સામે કડક એક્શન લેતાં ખચકાતાં નથી. જે પીએસઆઈનું નામ બહાર આવ્યું છે તેનો ભૂતકાળ પણ ખરડાયેલો હોવાનું સામે આવ્યું છે. ત્યારે, આ પીએસઆઈ સામે તટસ્થ રીતે કાર્યવાહી થાય છે કે કેમ તેના પર પણ સૌની નજર મંડાઈ છે.