કચ્છખબરડૉટકોમ, ભુજઃ એક વર્ષ અગાઉ મુંદરાના પત્રી ગામે પિતરાઈ ભાઈને મધરાત્રે નિદ્રાધીન હાલતમાં કુહાડીથી ગળું કાપી મોતને ઘાટ ઉતારનારા યુવકને ભુજ સેશન્સ કૉર્ટે આજીવન સખ્ત કારાવાસની સજા સાથે દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. હત્યાનો બનાવ ૧૩ માસ અગાઉ ૨૭-૦૭-૨૦૨૪ની મધરાત્રે સાડા ત્રણ વાગ્યે બન્યો હતો. મરણ જનાર ભરત હરજી રાઠોડ (જોગી) અને તેની માતા ઘરની અંદર સૂતાં હતા ત્યારે પડોશમાં રહેતો રમેશ મેઘજી રાઠોડ હાથમાં કુહાડી લઈને અંદર આવેલો અને ભરતનું ગળું કાપી નાખેલું. ભરતની મરણચીસ સાંભળીને માતા ધનબાઈ સફાળા જાગી ગયેલી અને જોયું તો દિયર મેઘજીભાઈ રાઠોડના પુત્ર રમેશે તેના દીકરાનું ખૂન કરી નાખ્યું હતું.
બનાવ અંગે જાણ થતાં પરોઢે પોણા ચાર વાગ્યે પ્રાગપર પોલીસ ઘટનાસ્થળે દોડી ગયેલી અને આરોપી રમેશની કુહાડી સાથે ધરપકડ કરી લીધી હતી.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે રમેશની પત્ની પૂજા બનાવના ચારેક વર્ષ અગાઉ રીસાઈને પિયરમાં રહેવા જતી રહેલી. રમેશને શક હતો કે તેની પત્નીને ભરત જોડે આડા સંબંધ હતો. ભરત પણ અવારનવાર પૂજા જતી રહી હોવાના મુદ્દે રમેશને મહેણાં મારતો હતો.
આ ગુનામાં ફરિયાદ પક્ષે રજૂ કરેલા ૧૧ સાક્ષી અને ૨૭ આધાર પુરાવાના આધારે આજે સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ રમેશને જનમટીપની સજા ફટકારી છે.
કૉર્ટે બીએનએસની કલમ ૧૦૩ (એ) હેઠળ સખ્ત આજીવન કારાવાસ સાથે ૧ લાખ રૂપિયાનો દંડ તથા ૩૩૨ (એ) અને (બી) હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અપરાધી જો દંડની રકમ ભરપાઈ કરે તો વળતરરૂપે ફરિયાદી ધનબાઈને ચૂકવી આપવા અને ભરપાઈ ના કરે તો વધુ દોઢ વર્ષ સુધી સજા લંબાવવા હુકમ કર્યો છે.
આ કેસની તપાસ હાલ ભુજ પોલીસ હેડ ક્વાર્ટરમાં લીવ રીઝર્વ સ્વરુપે ‘સાઈડ પોસ્ટિંગ’ ભોગવી રહેલા તત્કાલિન પ્રાગપર પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક એસ. ત્રિવેદીએ કરી હતી.
Share it on
|