કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના પડાણા નજીક લૂંટના ઈરાદે યુવકની હત્યા કરનારી ત્રિપુટીને એક અઠવાડિયાની દોડધામ બાદ પકડી પોલીસ હજુ શાંતિથી પલાંઠી વાળીને બેસી નથી કે ફરી પડાણા પાસે એ જ મોડસ ઓપરેન્ડીથી ટ્રકચાલક લૂંટાતા ફરી દોડધામ શરૂ થઈ છે. પડાણાના રામદેવ પીર મંદિર નજીક બે અજાણ્યા બાઈકસવારે ગળા પર છરી રાખીને ટ્રક ચાલક પાસે રહેલા ૮ હજાર રૂપિયા લૂંટી લીધા છે. ગાંધીધામની ટ્રાન્સપોર્ટ પેઢીમાં ટ્રેલર ડ્રાઈવર તરીકે નોકરી કરતો ૨૭ વર્ષિય અરવિંદ શર્મા ગત રાત્રે મોરબીથી ટાઈલ્સ ભરીને મુંદરા તરફ જતો હતો.
સવારે સાડા આઠના અરસામાં કુદરતી હાજત લાગતા પડાણાના રામદેવ પીર મંદિર નજીક ટ્રેલર પાર્ક કરીને પડતર ખેતર જેવી જગ્યાએ હાજત કરવા બેઠો હતો. અચાનક ત્યાં બે જણાં બાઈક લઈને આવેલા.
બેઉ જણે તેની પાસે આવીને ગળા પર છરી રાખીને ખિસ્સામા રહેલો બટવો કાઢી લીધો હતો, જેમાં આઠ હજાર રૂપિયા રાખેલા હતા. બેઉ જણે તેનો મોબાઈલ ફોન ઝૂંટવવા પ્રયાસ કરેલો પરંતુ અરવિંદે ઝપાઝપી કરતા બેઉ જણ તેને ધક્કો મારી નીચે પાડી બાઈક લઈ નાસી ગયા હતા.
લૂંટારાઓને ભાગતી વખતે અરવિંદે તેમના બાઈકનો નંબર GJ-39 E-0749 નંબર જોઈ લીધો હતો.
બનાવ અંગે અરવિંદે આપેલી ફરિયાદ દાખલ કરીને ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસ.વી. ગોજીયા સહિતના સ્ટાફે આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બેઉ આરોપી પોલીસની હાથવેંતમાં છે.
Share it on
|