|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર નજીક આવેલા એક ગામમાં સાવકા પિતાએ હવસ સંતોષવા માટે બે વર્ષના માસૂમ આંગળિયાત પુત્રને પીંખી નાખ્યો હોવાની ચોંકાવનારો બનાવ બહાર આવ્યો છે. બાળક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સોમવાર રાત્રે સાડા અગિયારથી બાર વાગ્યા દરમિયાન બનાવ બન્યો હતો. આરોપી પુત્રને બહાર ફરાવવા લઈ જવાના બહાને બાઈક પર બેસાડીને ગામના સીમાડે નિર્જન ખેતરમાં લઈ ગયો હતો. અડધો કલાક સુધી પરત ના ફરતાં પત્નીએ ફોન કરતાં તે ઘરે પરત ફર્યો હતો. હોઠ, ગાલ અને મળમાર્ગે ઈજાથી બાળક લોહીલુહાણ
ઘરે પરત આવ્યો ત્યારે બે વર્ષના પુત્રના ગાલ અને હોઠ તથા મળમાર્ગેથી લોહી વહેતું હતું. બાળક ઈજાથી ખૂબ રડતું હતું. પત્નીએ પૂછ્યું તો રસ્તામાં એક્સિડેન્ટ થતાં પુત્રને ઈજા થઈ હોવાનું બહાનું કરેલું. જો કે, નરાધમ બાપને શરીરે કશી ઈજા નહોતી જેથી પત્નીને શંકા ગયેલી. ઘાયલ બાળકને માતા અંજારની સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ ગઈ હતી. ઈજા ગંભીર હોઈ બાળકને ત્યાંથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયું હતું.
તબીબોએ ઈજાના આધારે પોલીસને જણાવ્યું કે બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય કરાયું છે. માતાને પતિ પર પહેલાંથી જ શંકા હતી.
પોલીસે આરોપી પિતાની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે કબૂલી લીધું હતું કે તેણે જ તેના સાવકા પુત્ર સાથે દુષ્કર્મ આચર્યું છે. બે વર્ષનું બાળક બોલી પણ શકતું નથી.
પત્નીએ ગર્ભપાત કરાવતા મનમાં દાઝ રાખેલી
પોલીસે જણાવ્યું કે ૨૫ વર્ષિય મહિલાના પતિનું મૃત્યુ થતાં તેણે આરોપી સાથે બે વર્ષ અગાઉ બીજા લગ્ન કરેલાં. આગલા પતિથી થયેલાં બે સંતાનોને આંગળિયાત તરીકે સાથે લઈને આવેલી.
થોડાંક સમય અગાઉ મહિલા ગર્ભવતી થયેલી પરંતુ તેણે ત્રીજું સંતાન નથી જોઈતું કહીને પતિની મરજી વિરુધ્ધ ગર્ભપાત કરાવી લીધો હતો.
આ બાબતની અદાવત રાખીને આરોપીએ આ હિન કરતૂત આચર્યું હોવાનું પણ સપાટી પર બહાર આવ્યું છે. અંજાર પોલીસે આરોપી સામે બીએનએસ કલમ ૧૧૫ (૧), પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ તથા જૂવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની અટક કરી લીધી છે. પીઆઈ એ.આર. ગોહિલ તપાસ કરી રહ્યાં છે.
Share it on
|