click here to go to advertiser's link
Visitors :  
28-Feb-2026, Saturday
Home -> Vishesh -> Kutch Police Hunt Down Two Mundra Robbers in Agra Read More
Friday, 27-Feb-2026 - Bhuj 775 views
नहले पर दहला! મુંદરા કેસના બે લૂંટારાને કચ્છ પોલીસે આગ્રામાં ઘરમાં ઘૂસી પકડ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરામાં ગત ૯ ફેબ્રુઆરીએ ભરબપોરે લોકોની અવરજવરથી ધમધમતાં બારોઈ રોડ પર દેશી તમંચાના નાળચે રૂદ્રાક્ષ જ્વેલર્સમાં લૂંટનો પ્રયાસ કરી નાસી છૂટેલી  ત્રિપુટી પૈકી બે આરોપીને પોલીસે ઝડપી પાડ્યાં છે. સોની પિતા પુત્રએ પ્રતિકાર કરી લૂંટનો થેલો લઈ નાસી રહેલાં એમપીના પંકજ શર્માને સ્થળ પર રંગેહાથ ઝડપી પાડેલો. પંકજની પૂછપરછમાં ભુજમાં વીસ વર્ષથી સ્થાયી થયેલાં રાજસ્થાનના ધોલપુરના કેટરીંગ કોન્ટ્રાક્ટર ગીતમસિંહ ઠાકુરનું નામ ખૂલેલું.

પોલીસે પંકજ અને ગીતમની વિશિષ્ઠ ઢબે પૂછપરછ કરતાં ગુનો આચરીને નાસી છૂટેલાં સતિષ શિકરવાર (મુરૈના, એમપી), રાજેશ ઊર્ફે મોન્ટુ નરેશ પટેલ (ધોલપુર) અને બચ્ચાં નામના ત્રણ આરોપીની સંડોવણી સ્પષ્ટ થયેલી.

લૂંટનો પ્રયાસ નિષ્ફળ ગયાં બાદ આ ત્રિપુટી સ્થળ પરથી બાઈક પર નાઠેલી.

ત્યારબાદ વેશપલટો કરીને એક ઑટો રીક્ષામાં બેસીને ગાંધીધામ જતી બસમાં બેસેલી. ગાંધીધામ રેલવે સ્ટેશન પર ઉતરીને આ ત્રિપુટી ટ્રેનના જુદાં જુદાં લોકલ ડબ્બામાં બેસીને કચ્છ બહાર નાસી છૂટી હતી.

LCB SOGની ટીમ ત્રણ રાજ્યોમાં ફરતી રહી

ત્રિપુટીને ઝડપી લેવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપની જુદી જુદી ટીમ ઉત્તર પ્રદેશના આગ્રા, અલીગઢ, મથુરા, વૃંદાવન તથા મધ્યપ્રદેશના મુરૈના, ચંબલની ઘાટીઓ તથા રાજસ્થાનના ધોલપુર, ભરતપુર, બાડી-બસેડીમાં ૧૪ દિવસ સુધી ફરતી રહી હતી.

લૂંટારાઓને ટ્રેસ કરવા પોલીસ વેશપલટો કરીને ફરતી રહી

ખૂંખાર અપરાધીઓને પોલીસની હાજરીની ગંધ ના આવી જાય તે માટે પોલીસ ક્યારેક વેશપલટો કરીને રીક્ષાચાલક તરીકે તો ક્યારેક શાકભાજી વેચનારાં ફેરિયાં તરીકે ફરતી રહેલી. મોન્ટુ ગુર્જર સમાજનો હોવાનું જાણીને પોલીસે ગુર્જર સમાજની પણ વેશભૂષા ધારણ કરી તેને શોધવા પ્રયાસ કરેલો.

કચ્છના એસપી વિકાસ સુંડાએ ધોલપુરના એસપી વિકાસ સાંગવાન કે જે તેમના બેચમેટ છે તેમને વાત કરી આરોપીઓને પકડવા માટે જરૂરી સહકાર મેળવ્યો હતો.  

ત્રિપુટી પૈકી સતિષ શિકરવાર અને મોન્ટુ બેઉ જણે આગ્રાના ફતેહાબાદમાં યુસુફ ઊર્ફે ટલ્લે શરીફખાનના ઘેર આશરો મેળવ્યો હોવાનું પોલીસની રેકીમાં સ્પષ્ટ થયેલું. પોલીસે ધાવો બોલાવીને બેઉને યુસુફના ઘરમાંથી ઝડપી પાડ્યાં હતા. ગંભીર ગુનાના આરોપીઓને આશરો આપવાના આરોપસર પોલીસ યુસુફને પણ પકડી લાવી છે.

હજુ ત્રીજો આરોપી પકડાયો નથી, શિકરવાર રીઢો આરોપી

હજુ આ ગુનાનો ત્રીજો આરોપી બચ્ચાં ઝડપાયો નથી. ઝડપાયેલો સતિષ શિકરવાર લૂંટ અને ધાડનો રીઢો અપરાધી છે. રાજકોટમાં જ્વેલર્સની દુકાનમાં થયેલી સાડા ત્રણ કરોડની લૂંટ કેસ સહિતના બે ગુના ઉપરાંત સુરત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં તેના ઉપર લૂંટ, ધાડ, આર્મ્સ એક્ટ સહિતના ૧૪ ગુના નોંધાયેલાં છે. 

લૂંટના પ્રયાસની તરત જ જાણ થયાં બાદ પોલીસે ચોતરફ નાકાબંધી કરેલી છતાં ત્રિપુટી પોલીસને થાપ આપીને નાસી છૂટેલી.

જો કે, ગહન ઓપરેશન બાદ વધુ બે આરોપી ઝડપાઈ ગયાં તેનો પોલીસને સંતોષ છે. સમગ્ર ઓપરેશનમાં એલસીબીના પીઆઈ એ.એમ. મકવાણા, પીએસઆઈ મહિપાલસિંહ શિણોલ, એસઓજીના પીઆઈ એ.ડી. પરમાર તથા સ્ટાફ જોડાયો હતો.

Share it on
   

Recent News  
ભચાઉઃ સાળાએ પગપાળા જતા બનેવી પર કાર ચઢાવીને કચડી નાખી હત્યા કરી
 
રાપરના ભીમાસરથી બોર્ડર રેન્જ પોલીસે ૬ ટનથી વધુ ૯.૪૧ કરોડના અફીણ છોડ જપ્ત કર્યાં
 
ઘાતક હુમલાના દોઢ દાયકા જૂના કેસમાં પાંચ જણને પાંચ પાંચ વર્ષનો સખ્ત કારાવાસ