click here to go to advertiser's link
Visitors :  
15-Mar-2026, Sunday
Home -> Bhachau -> Brother in law crushes man to death with car in Bhachau
Friday, 27-Feb-2026 - Bhachau 26657 views
ભચાઉઃ સાળાએ પગપાળા જતા બનેવી પર કાર ચઢાવીને કચડી નાખી હત્યા કરી
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના હિંમતપુરા ફૂલવાડી વિસ્તારમાં બુધવારે રાત્રે સવા આઠના અરસામાં પગપાળા જઈ રહેલાં યુવકના કારની ટક્કરે થયેલા મૃત્યુનો બનાવ અકસ્માતનો નહીં પણ હેતુપૂર્વકની હત્યાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે. પરિવારની મરજી વિરુધ્ધ પોતાની બહેન જોડે કરેલાં પ્રેમલગ્નની અદાવત રાખીને સાળાએ પગપાળા જઈ રહેલા બનેવી પર કાર ચઢાવી કચડી નાખ્યો હતો.

મરણ જનાર વિનોદ ઊર્ફે જીગર પ્રેમજીભાઈ ચૌહાણ (કોલી) (રહે. રેલવે સ્ટેશન પાસે, કારીયાધામ નજીક, ભચાઉ) બુધવારે રાત્રે ફૂલવાડી વિસ્તારમાં રોડની એક સાઈડમાં પગપાળા જતો હતો ત્યારે બીજલભાઈ દાફડાના ઘર સામે બોલેરો કેમ્પર ગાડીએ તેને અડફેટે લીધો હતો. ગંભીર ઈજાથી વિનોદનું મૃત્યુ નીપજ્યું હતું.

બોલેરોમાં બે જણ સવાર હતા. કાર મેહુલ લાખાભાઈ કોલી (રહે. કોલિયાસરી, ભચાઉ) હંકારતો હતો. મેહુલની બહેન શિલ્પા સાથે મરણ જનાર વિનોદે ૨૦૨૩માં પ્રેમ લગ્ન કર્યાં હતા. આ પ્રેમલગ્ન અંગે શિલ્પાના પરિવારજનો નારાજ હતા.

તેની અદાવત રાખીને મેહુલે ઈરાદાપૂર્વક વિનોદ પર ગાડી ચઢાવી હત્યા નીપજાવી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે. શિલ્પા અને વિનોદ છએક માસ અગાઉ સંતાનના માતા પિતા બન્યાં હતા. સગાં ભાઈએ બહેનના સેંથાનું સિંદૂર ભૂંસી દીધું છે. બનાવ અંગે વિનોદના ભાઈ આનંદે બેઉ સામે હત્યાની કલમ તળે ફરિયાદ નોંધાવી છે.

કારમાં મેહુલ સાથે રહેલા તેના મિત્ર હર્ષદ શૈલેષભાઈ પ્રજાપતિને પણ સહઆરોપી દર્શાવાયો છે. ગુનાની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. ઝાલાએ જણાવ્યું કે હર્ષદ કાર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.

શેઠની ગાડી લઈને તે આવેલો અને ગુનો આચરવા માટે તેણે મેહુલને કાર હંકારવા આપેલી. આરોપી મેહુલનો ભૂતકાળ ગુનાહિત છે. ૬ઠ્ઠી જૂલાઈ ૨૦૨૪ની રાત્રે નગરપાલિકાની રોડ લાઈટ શાખાના હેલ્પર અને તેના પુત્ર પર હર્ષદ પ્રજાપતિ, મેહુલ કોલી અને અન્ય બે જણે છરી, ધોકાથી હુમલો કરીને માર મારેલો. જે અંગે ભચાઉ પોલીસ મથકે ચાર સામે હિંસક હુમલાની ફરિયાદ નોંધાઈ હતી. બંને આરોપીઓ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે.

Share it on
   

Recent News