કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં બંધ રહેણાકમાં નળ-ફુવારાની ચોરી કરવા ઘૂસેલાં બે ચોરને ચોકીદારે પડકારતાં ચોકીદાર પર છરીથી હુમલો કરી તેની હત્યા નીપજાવવાના ગુનામાં કૉર્ટે બેઉ જણને ૮ વર્ષની કેદની સજા ફટકારી છે. ૧૩-૦૧-૨૦૧૯ની રાત્રે અંજાર તાલુકા પંચાયત કચેરી નજીક ગોલ્ડન સેન્ડ સોસાયટીના બંધ રહેણાક નંબર ૮૬માં બનાવ બન્યો હતો. રમેશ દામજી ઊર્ફે દેવજી મહેશ્વરી (ઉ.વ. ૨૫, રહે. મેઘપર કુંભારડી, અંજાર) અને નાનજી ઊર્ફે નાનકો બાબુભાઈ કોલી (ઉ.વ. ૨૨, મૂળ રહે. પીપરાળા, સાંતલપુર, પાટણ હાલ રહે. ગાંધીધામ) ફરિયાદી પુષ્કર બાબુભાઈ પટેલના મકાનમાં ચોરી કરવા ઘૂસ્યાં હતા. તેમણે મકાનમાંથી નળ અને ફુવારા સહિતના પ્લમ્બિંગને લગતાં ૧૦ હજારની કિંમતના સાધનોની ચોરી કરી હતી.
બેઉ ચોરને જોઈ ચોકીદાર ખોડાભાઈ લાખાભાઈ રબારીએ ફરિયાદીને ફોન કરીને તત્કાળ દોડી આવવા જણાવી ઘરમાં જઈ બેઉ જણને પડકાર્યાં હતા.
ઝપાઝપી સમયે નાનજીએ છરીથી આડેધડ ઘા મારીને ખોડાભાઈની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બેઉ જણ તેમની મોટર સાયકલ સ્થળ પર જ રાખીને નાસી ગયાં હતા. ફરિયાદીએ સોસાયટીમાં દોડી આવીને ઘાયલ ચોકીદારને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ ગુનામાં અંજારના બીજા અધિક સેશન્સ જજ કમલેશ કે શુક્લએ બંને આરોપીને હત્યા (ઈપીકો કલમ ૩૦૨) નહીં પરંતુ સાપરાધ મનુષ્ય વધ (ઈપીકો કલમ ૩૦૪ (૨) હેઠળ દોષી ઠેરવ્યાં છે.
કૉર્ટે ઈપીકો કલમ ૩૦૪ (૨) સાથે ઈપીકો કલમ ૪૫૯, ૪૬૦ ત્રણે કલમો તળે ૮-૮ વર્ષની સાદી કેદ અને ૧૫-૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૪૫૦ અને ૪૫૮ હેઠળ કૉર્ટે બેઉને નિર્દોષ ગણ્યાં હતા. આ કેસમાં સરકાર તરફે મદદનીશ સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ દલીલો કરી હતી.
Share it on
|