કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં સર્જાયેલાં એક પ્રાણઘાતક વાહન અકસ્માતના બનાવમાં પોલીસે પકડેલાં આરોપીને કૉર્ટે નિયમિત જામીન પર છોડી મૂક્યો છે. આ ગુનામાં પોલીસે આરોપી સામે દુર્ઘટનાના ૧૯ દિવસ બાદ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૫ (સાપરાધ મનુષ્ય વધ)નો ઉમેરો કર્યો હતો. બનાવની વિગત એવી છે કે ૨૦મી જૂનની રાત્રે સવા ૧૧ વાગ્યાના અરસામાં શહેરના હિલ ગાર્ડન ત્રણ રસ્તા નજીક રીજેન્ટા હોટેલ સામે ગણેશનગર પાસે સ્કોર્પિયો કારની અડફેટે ૩૫ વર્ષના મનોજગીરી ચમનગીરી ગુંસાઈનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક એક્સેસ ગાડી લઈ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે કારે તેને ટક્કર મારી હતી.
એક્સિડેન્ટના બે દિવસ બાદ ૨૨ જૂનના રોજ ભુજ એ ડિવિઝન પોલીસે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારીને યુવકને ટક્કર મારી મૃત્યુ નીપજાવવા સબબની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરેલો. ઘટનાના ૧૯ દિવસ બાદ ૦૯-૦૭-૨૦૨૫ના રોજ પોલીસે એફઆઈઆરમાં સાપરાધ મનુષ્ય વધના બિનજામીનપાત્ર ગુનાની કલમ ઉમેરીને કારચાલક મેઘરાજ રાજેશ ગઢવી (ઉ.વ. ૩૦, રહે. મારુતિનગર, મુંદરા)ની ધરપકડ કરી હતી.
કૉર્ટમાં બંને પક્ષે કરી જોરદાર દલીલો
આરોપીએ સેશન્સ કૉર્ટ સમક્ષ નિયમિત જામીન અરજી દાખલ કરતાં પોલીસે તેને જામીન પર ના છોડવા એમ કહીને રજૂઆત કરેલી કે આરોપીએ જાહેર રોડ પર ટ્રાફિક હોવાનું જાણવા છતાં બેદરકારીથી પૂરઝડપે કાર હંકારીને નિર્દોષ વાહનચાલકનો ભોગ લીધો હતો.
બચાવ પક્ષના વકીલ આર.એસ. ગઢવીએ દલીલ કરેલી કે કોઈ જ સબળ પુરાવા વગર આરોપી લાંબો સમય જેલના સળિયા પાછળ રહે તે હેતુથી ૧૯ દિવસ બાદ ગંભીર કલમનો ઉમેરો કરાયો છે.
આરોપી વિરુધ્ધ ભૂતકાળમાં છ ગુના નોંધાયેલા હોઈ જામીન પર છૂટીને તે પુરાવા સાથે ચેડાં કરી શકે તેવી દલીલ થયેલી. સામા પક્ષે વકીલે રજૂઆત કરેલી કે આરોપી સામે ભૂતકાળમાં નોંધાયેલાં ગુનાઓને આ ગુના સાથે કશી લેવા-દેવા નથી. છમાંથી ત્રણ ગુનામાં તે નિર્દોષ છૂટી ગયેલો છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ આરોપી પરનો ગુનો ટ્રાયલ સમયે નક્કી થશે, જામીનના તબક્કે કૉર્ટનું કામ પુરાવાનું મૂલ્યાંકન કરવાનું નથી તેમ જણાવી આરોપીને જામીન પર મુક્ત કરી દીધો છે.
Share it on
|