કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામમાં બુધવારે ભરબપોરે ચાર શખ્સોએ આંગડિયા પેઢીના સંચાલકના કરેલા અપહરણના ગુનામાં પોલીસે તપાસના ઘોડા ચોમેર દોડાવ્યાં છે. જેનું અપહરણ થયું હતું તે કેતન મોહનલાલ કાકરેચાએ ફરિયાદ અનુસંધાને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સમક્ષ આપેલા વિસ્તૃત નિવેદનમાં નવો ઘટસ્ફોટ કર્યો છે. અપહરણકારોએ પોતાની પાસે રહેલો ૧.૧૦ લાખનો આઈ ફોન, ૧.૫૦ લાખની રાડો ઘડિયાળ, ૨.૨૫ લાખની સોનાની ચેઈન અને ૨૦થી ૨૫ હજાર રોકડાં રૂપિયા મળી પાંચ લાખથી વધુની માલમતા લૂંટી લીધી હોવાનો કેતને ઘટસ્ફોટ કર્યો છે. જેના પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ફરિયાદમાં લૂંટની કલમ ઉમેરવા માટે તજવીજ હાથ ધરી છે.
ખંડણીના હેતુથી રાજસ્થાની ગેંગે અપહરણ કર્યાની શંકા
કેતનનું અપહરણ કરાયું તેની તુરંત જાણ થઈ જતાં પોલીસે ભચાઉ સામખિયાળી પાસે નાકાબંધી કરાવેલી. પોલીસથી બચવા અપહરણકારો કાર લઈને જંગી તરફ ગયેલાં. કાર વોકળામાં ફસાતાં તેઓ કેતનને સ્થળ પર મૂકીને નાસી ગયેલાં. જો કે, એક આરોપી ઝડપાઈ ગયો હતો. આ આરોપીની પૂછતાછમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચને કેટલીક મહત્વની કડીઓ મળી છે. કેતન મોટી પાર્ટી હોવાનું, હવાલાનો મોટો કારોબાર હોવાનું માનીને મોટી રકમની ખંડણી વસૂલવા રાજસ્થાની ગેંગે અપહરણનું કાવતરું રચ્યું હોવાનું પોલીસ માની રહી છે.
પાંચ દિવસથી રેકી થતી હતી, જાણભેદુએ આપી ટીપ?
ઝડપાયેલાં આરોપીની ગહન પૂછપરછ અને ટેકનિકલ સર્વેલન્સમાં સ્પષ્ટ થયું છે કે આરોપીઓ પાંચેક દિવસથી કેતન કાકચેરાની રેકી કરતા હતા. આરોપીઓ પાંચ દિવસથી રેકી કરતા હતા ત્યારે તેઓ ક્યાં રોકાયાં હતા તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. કેતન કાકરેચા મોટી પાર્ટી હોવાની કોઈ જાણભેદુએ આ ગેંગને ટીપ આપી હોય તેવી પણ શક્યતા છે.
કારની નંબર પ્લેટ બોગસ નીકળી
સફેદ રંગની જે મારુતિ સ્વિફ્ટ કારમાં કેતનનું અપહરણ થયેલું તે કાર પર કચ્છ પાસિંગની નંબર પ્લેટ હતી. જો કે, આ નંબર પ્લેટ બોગસ નીકળી છે. ત્યારે, એન્જિનના ચેસિસ નંબર પરથી કાર કોની માલિકીની છે તે મામલે પોલીસ તપાસ કરી રહી છે. આરોપીઓએ આ નકલી નંબર પ્લેટ ક્યાં બનાવડાવેલી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરાયાં
પોલીસ કચ્છથી રાજસ્થાન જતા માર્ગ પરના ટોલનાકાના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહી છે. આ ફૂટેજથી પોલીસે રૂટ ટ્રેસ કર્યો છે. આરોપીઓ વોટસએપ કૉલિંગ પર વાતો કરતાં હોઈ મોબાઈલના સીડીઆર ખાસ ઉપયોગી બને તેવી ઓછી શક્યતા છે.
ગેંગમાં બે ખૂંખાર અપરાધી સામેલ છે
અપહરણના આ ગુનામાં છથી વધુ લોકોની ગેંગ સામેલ હોવાનું પોલીસ માની રહી છે. ગેંગમાં રાજસ્થાનના બે ખૂંખાર અપરાધી પણ સામેલ છે. બેઉ પર વીસથી વધુ વિવિધ ગંભીર ગુના દાખલ થયેલાં છે.
એક જણો વોન્ટેડ છે અને તેના પર રાજસ્થાન પોલીસે ઈનામ પણ જાહેર કરેલું છે.
હાલ તો લોકલ ક્રાઈમ બ્રાન્ચના નેતૃત્વમાં એસઓજી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન સહિત ત્રીસેક પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમ જુદાં જુદાં એંગલ પર ગહન તપાસ કરી રહી છે. એસપી સાગર બાગમારે જણાવ્યું કે તપાસ હજુ ચાલું છે.
Share it on
|