કચ્છખબરડૉટકોમ, ભુજઃ આજથી એક સપ્તાહ અગાઉ ગયા શુક્રવારે ભુજમાં મૃત્યુ પામેલા રીક્ષાચાલક આધેડના મોત મામલે નવો વળાંક આવ્યો છે. જેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું મનાતું હતું તે આધેડને ખરેખર તો તેની પત્ની, પુત્ર અને પુત્રવધૂએ મુઢ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હોવાની મૃતકની માતાએ અરજી આપતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ભુજના ભીડ ગેટ અંદર પટ્ટાવારી મસ્જિદ પાસે રહેતા ૭૫ વર્ષિય શકીનાબેન ફકીરમામદ કુંભારે ગુરુવારે આપેલી અરજીને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ દોડતી થઈ ગઈ છે.
મારા દીકરાને તેની પત્ની, પુત્ર, પુત્રવધૂએ મારી નાખ્યો છે
શકીનાબેને કહ્યું કે ૬ દીકરીઓ વચ્ચે તેમના એકના એક પુત્ર અબ્દુલ્લાનું મોત કુદરતી નહીં પણ અકુદરતી છે. અબ્દુલ્લાની પત્ની આઈસુબેન, પુત્ર અફતાજ અને અફતાજની પત્ની રહેમતે તેને છાતી અને મૂત્રમાર્ગ પર મુક્કા લાતોનો મુઢ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો.
લાઈટ બિલ ભરવા બાબતે પિતા પુત્રની બબાલ થયેલી
પોલીસને આપેલી અરજીમાં શકીનાબેને આરોપ કર્યો છે કે ગયા શુક્રવારે ઘરમાં અબ્દુલ્લાની તેના દીકરા અફ્તાજ સાથે બબાલ થયેલી. અબ્દુલ્લાએ પુત્રને ‘હવે પછી ઘરનું લાઈટ બિલ તું ભરજે’ તેમ કહેતાં અફ્તાજે બિલ ભરવાનો ઈન્કાર કરતાં ઝઘડો થયેલો. અફ્તાજ ગુસ્સે થઈને તેના રૂમમાં જતો રહેલો તો અબ્દુલ્લા કુહાડી લઈને તેને મારવા પાછળ પાછળ ગયેલો.
પુત્રવધૂએ છાતીમાં મુક્કા મારતાં સસરો ઢળી પડેલો
અબ્દુલ્લાની પત્ની રહેમતે સસરાના હાથમાંથી કુહાડી છીનવી લીધેલી અને તેમને છાતીમાં મુક્કા મારવા માંડેલી. અબ્દુલ્લા નીચે ઢળી પડેલો. અફ્તાજ પણ રૂમમાંથી બહાર નીકળેલો અને તેણે પિતાના મૂત્રમાર્ગ સહિતના અંગો પર લાતો મારેલી. બબાલના પગલે પડોશમાં રહેતા ઈમ્તિયાઝ જત દોડી આવેલા અને તેમણે અફ્તાજના હાથમાંથી કુહાડી છીનવીને અબ્દુલ્લાની પત્ની આઈસુબાઈને આપેલી. આઈસુબાઈ કુહાડી લઈને જતી રહેલી.
હોસ્પિટલમાં લઈ ગયાં ને લાશ લઈને પાછાં ફરેલાં
ઘરમાં પડેલાં પુત્રની દવા કરાવવા માટે માતા શકીના ડૉક્ટરને શોધવા બહાર નીકળેલાં. પરત ફર્યાં ત્યારે ઘરે કોઈ નહોતું. અબ્દુલ્લાને તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ હોસ્પિટલે લઈ ગયાં હતા. દરમિયાન, ઘરે દોડી આવેલી દીકરી રોશન અને સુગરાબાઈએ ‘ભાઈ તો જતો રહ્યો’ કહીને અબ્દુલ્લાના મૃત્યુ અંગે જાણ કરેલી. પુત્રના મોત બદલ તેમણે તેની પત્ની, પુત્ર, પુત્રવધૂ પર હત્યાનો આરોપ લગાડતી અરજી પોલીસને આપી છે.
લાશને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે મોકલાશેઃ પોલીસ
ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલે જણાવ્યું કે મૃતકને જ્યારે હોસ્પિટલે લવાયા ત્યારે પ્રાથમિક તબક્કે તબીબે હૃદય બંધ પડી જતાં મૃત્યુ થયું હોવાનું જણાવેલું. પરિવાર મૃતદેહને લઈને પરત જતો રહેલો. લાશની દફનવિધિ સમયે ઈજાના કોઈ નિશાન હોવાનું કોઈએ જોયું નહોતું. છતાં, અરજી ગંભીર છે અને આવતીકાલે પ્રોટોકોલ મુજબ દફન કરાયેલો મૃતદેહ બહાર કાઢીને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવશે. પીએમનો રીપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
Share it on
|