કચ્છખબરડૉટકોમ, અંજારઃ ભાગીદારીમાં ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કર્યાં બાદ બે સગા ભાઈઓએ નવી પેઢી શરૂ કરીને ભાગીદારને અંધારામાં રાખીને ૧ કરોડ ૮ લાખ ૮૯ હજાર રૂપિયા પોતાના નવી પેઢી તથા અંગત ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લઈને ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મુંદરાના નાના કપાયા રહેતા ૪૭ વર્ષિય સમીર જે. શર્મા (રહે. મૂળ રાજસ્થાન)એ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં તેમણે વિક્રમ શેખાવત અને જયપાલ ગુર્જર એમ ત્રણે જણે ભેગાં મળી પાર્ટનરશીપમાં વરસામેડી પાસે JSL ગ્લોબલ લોજિસ્ટીક્સ નામથી પેઢી શરૂ કરેલી. ટ્રાન્સપોર્ટનો બિઝનેસ સારો ચાલતો હતો. દરમિયાન, જયપાલે તેના મોટા ભાઈ છાજુરામ ગુર્જર સાથે મળીને મુંદરામાં પ્રિન્સ લોજિસ્ટીક્સ નામથી બીજી ટ્રાન્સપોર્ટ પેઢી શરૂ કરેલી. ધીમે ધીમે ધંધો ડાઉન થવા માંડેલો. વિક્રમ શેખાવતે તપાસ કરતાં તેને જાણવા મળ્યું હતું કે જયપાલ તેમની સાથે વિશ્વાસઘાત અને ગોટાળા કરી રહ્યો છે.
જૂલાઈ ૨૦૨૨માં બધા પાર્ટનરોએ મિટીંગ બોલાવી હતી. તે સમયે છાજુરામ ગુર્જરે જણાવેલું કે બેઉ પેઢી સરખી જ છે, આ પેઢીનો જે નફો થાય તેમાંથી પણ તમને હિસ્સો મળતો રહેશે.
જો કે, વિક્રમ શેખાવત પોતાને નીકળતો ૧૬ લાખ રૂપિયાનો હિસ્સો લઈને પાર્ટનરશીપમાંથી છૂટો થઈ ગયેલો. ફરિયાદી સમીર શર્માએ પણ ભાગીદારીમાંથી નીકળી જવાનું અને કંપની બંધ કરી દેવાનું કહીને પોતાનો હિસાબ કરી લેવા જણાવેલું પરંતુ બેઉ ભાઈએ મીઠી મીઠી વાતો કરીને, વિશ્વાસમાં લઈને બંને કંપનીમાંથી પચાસ પચાસ ટકા ભાગ મળતો રહેશે તેમ જણાવતાં ફરિયાદીએ ભાગીદારી ચાલું રાખેલી. વિક્રમને રૂપિયા આપતા પેઢી પાસે બેલેન્સ ખૂટી ગયેલું અને જયપાલના કહેવાથી ફરિયાદીએ રોકડાં ૧૦ લાખ આપેલાં.
પેઢીના પૈસે ઑફિસ ખરીદી અંગત નામે કરાવી
મિટીંગ પછીના મહિને ફરિયાદીની તબિયત નાદુરસ્ત થઈ જતા તે વતન રાજસ્થાન જતો રહેલો. ત્યાંથી તે અવારનવાર ટેલિફોનિક સંપર્ક કરીને જયપાલ પાસે હિસાબ અને લેવાના નીકળતાં નાણાંની માંગણી કરતો રહેતો હતો. જયપાલે પણ ટુકડે ટુકડે દોઢ લાખ રૂપિયા આપેલા. નવેમ્બર ૨૦૨૩માં ફરિયાદીએ રૂબરૂ મુંદરા આવીને જયપાલ પાસે ધંધાનો હિસાબ કિતાબ માગેલો પરંતુ ‘મોટો ભાઈ આવશે ત્યારે હિસાબ આપીશ’ કહીને જયપાલે હિસાબ આપ્યો નહોતો. જાન્યુઆરી ૨૦૨૪માં જયપાલે ફરિયાદીને જણાવેલું કે JSL પેઢીની ઑફિસ ૧૦ લાખમાં ખરીદી લીધી છે અને ચેકથી તેનું પેમેન્ટ કર્યું છે. જયપાલે આ ઑફિસ તેના અંગત નામે કરાવી લીધી હતી.
બંને ભાઈ હિસાબ કિતાબ આપતાં નહોતા
જયપાલ કે તેનો ભાઈ છાજુરામ બેમાંથી કોઈ હિસાબ આપતાં નહોતા. પેઢીએ રાખેલો ગાંધીધામનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષ જોશી પણ ફરિયાદીને કશો હિસાબ કિતાબ આપતો નહોતો. ફરિયાદીએ પોતાની મેળે તપાસ કરતા જાણવા મળેલું કે બેઉ ભાઈઓએ ભેગાં મળીને JSL લોજિસ્ટીકના બેન્ક ખાતામાંથી ૭૧.૩૯ લાખ રૂપિયા પ્રિન્સ લોજિસ્ટીક્સના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા છે, જયપાલે પોતાના અંગત બેન્ક ખાતામાં ૨૯.૭૬ લાખ અને છાજુરામે પોતાના અંગત ખાતામાં ૭.૭૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે.
છેલ્લે ડાટી ફડારા પર ઉતરી આવ્યા
ફરિયાદીએ આ વિશે પૂછપરછ કરતા બેઉ ભાઈઓએ તેને ફોન પર ધમકી આપેલી કે ‘મુંદરા આવીશ તો તારા પગ ભંગાવી નાખશું, ભાડૂતી માણસો રાખી તારું પૂરું કરાવી દઈશું, તારી પત્ની છોકરાને ઉપડાવી લઈશું’ બનાવ અંગે અંજાર પોલીસે બેઉ સહોદર સામે કાવતરું ઘડીને ઠગાઈ વિશ્વાસઘાત કરી ધમકી આપવાની કલમો તળે ફરિયાદ નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
Share it on
|