કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના મેઘપર કુંભારડીની નેન્સી સોસાટીના એક રહેણાક મકાનમાં દરોડો પાડીને પૂર્વ કચ્છ એસઓજીએ ૧.૧૪ લાખની કિંમતનો ૧૧ કિલો ૪૦૦ ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે. રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શનમાં એસઓજીએ પાડેલી રેઈડમાં ઝડપાયેલા શખ્સે પોતે વિરમગામથી ગાંજો ખરીદીને લાવ્યો હોવાનું અને અંજારમાં ત્રણ જણને વેચતો હોવાનું કબૂલ્યું છે. બાતમીના આધારે એસઓજીએ રહેણાક મકાનમાં રેઈડ કરીને ગાંજા સાથે મહેન્દ્ર ભુપાલસિંહ ઊર્ફે ભુપતસિંહ પરમાર (ઉ.વ. ૫૦, મૂળ રહે. મુળી, સુરેન્દ્રનગર)ને પકડી પાડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મહેન્દ્રએ ગાંજાનો જથ્થો વિરમગામથી ખરીદ્યો હોવાનું કબૂલીને જેની પાસેથી ખરીદેલો તેનો મોબાઈલ નંબર લખાવ્યો છે.
અંજારમાં રહેતા વિજય ગઢવી, તેનો ભાઈ રામ ગઢવી અને દાઉદ નામના શખ્સ આ ગાંજો ખરીદતાં હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે. પોલીસે મહેન્દ્ર સહિત પાંચે આરોપી સામે એનડીપીએસની વિવિધ ધારાઓ તળે અંજાર પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરાવ્યો છે.
મહેન્દ્ર અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૮માં એનડીપીએસના ગુનામાં મુંદરા પોલીસ સ્ટેશનના ચોપડે આરોપી તરીકે ચઢી ચૂકેલો છે.
કામગીરીમાં એસઓજી પીઆઈ ડી.ડી. ઝાલા અને તેમની ટીમ જોડાઈ હતી.
Share it on
|