કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સામત્રા ગામે પૈસા ખાતર ૬૦ વર્ષના પતિને જીવતો સળગાવી હત્યા કરનારી ૪૦ વર્ષિય પત્ની કૈલાસ D/o કનુસિંહ ચૌહાણને કૉર્ટે એક દિવસના રીમાન્ડ પર ધકેલી છે. ધનજીભાઈ ઊર્ફે ખીમજીભાઈ વિશ્રામ કેરાઈએ તેમના મરણોન્મુખ નિવેદનમાં કૈલાસે પોતાને હાથ પકડી ખેંચી જઈ, ગેરેજમાં પૂરીને કેરોસીન છાંટી સળગાવી દીધો હોવાનું જણાવ્યા બાદ માનકૂવા પોલીસે કૈલાસ સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો.
સારવાર દરમિયાન ધનજીભાઈનું મૃત્યુ નીપજતાં બનાવ હત્યામાં પલટાયો છે.
દાગીના ધનજીભાઈના લૉકરમાં હોવાનું રટણ
મરતાં અગાઉ ધનજીભાઈએ જણાવેલું કે તેમની દિવંગત પ્રથમ પત્નીના ૧૮ તોલા સોનાના ઘરેણાં કૈલાસે લઈ લીધા હતા અને પાછાં આપતી નહોતી. પ્રાથમિક પૂછપરછમાં કૈલાસે તેનો ઈન્કાર કરી જણાવ્યું છે કે તમામ દાગીના ધનજીભાઈના લૉકરમાં જ રાખેલાં છે. એ જ રીતે, ભુજમાં તેણે કયા વિસ્તારમાં મકાનમાં રાખેલું તે બાબતે પોલીસ વિશેષ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયાની શોખીન કૈલાસનું બહોળું મિત્ર વર્તુળ
કૈલાસ મૂળ મહેસાણાની વતની છે પરંતુ અગાઉ તેના પ્રથમ લગ્ન ભુજમાં રહેતા એક પટેલ શખ્સ સાથે થયાં હતા અને દસ વર્ષથી તે ભુજમાં જ સેટલ થયેલી છે. પતિ સાથે છૂટાછેડાં થયા બાદ તેને સમાધાન પેટે સાડા બાર લાખ રૂપિયા મળ્યાં હતા. કૈલાસ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને વિવિધ સોશિયલ મીડિયા પર વિવિધ નામથી તેના એકાઉન્ટ છે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ભુજમાં કૈલાસ ‘બહોળું મિત્રવર્તુળ’ ધરાવે છે. માનકૂવાના ઈન્ચાર્જ પીઆઈ પી.પી. ગોહિલે વિવિધ મુદ્દે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.
Share it on
|