કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગોવાના વિવિધ લિકર બારમાંથી ૮૫ હજાર ૮૦૦ રૂપિયાની કિંમતના ઓલ્ડ મન્ક નામના શરાબની ૬૬ બાટલીઓ ખરીદીને મુંબઈથી ટ્રેનમાં બેસી ભુજ આવી રહેલા બે યુવકો ગાંધીધામ રેલવે સ્ટેશન પર પકડાઈ ગયાં છે. બેઉ યુવક ભુજમાં છૂટક વેચાણ માટે શરાબ લઈને આવતા હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. આજે સવારે પોણા આઠના અરસામાં ગાંધીધામ રેલવે પોલીસે શૉલ્ડર બેગ અને ટ્રૉલી બેગ લઈને ઉતાવળે રેલવે સ્ટેશન બહાર જઈ રહેલા બે યુવકોને શંકાના આધારે અટકાવ્યાં હતા. તેમની બેગની તલાશી લેવા પ્રયાસ કરતા બેઉ જણ ગલ્લાતલ્લાં કરવા માંડેલા અને આખરે તેમની પાસે શરાબની બાટલીઓ હોવાનું કબૂલ્યું હતું.
પોલીસે પંચોને બોલાવી ટ્રોલી બેગ સાથે જઈ રહેલા ૪૨ વર્ષિય રોહિત જીતમલ બોહરા (જૈન)ની બેગ તપાસતાં તેમાંથી ૩૯૦૦ રૂપિયાની કિંમતના રમની ૭૫૦ એમએલની ૩૦ નંગ બાટલી મળી આવી હતી. રોહિત સાથે રહેલા મૃદંગ બિપીનકુમાર ગોરની પીઠુ બેગ ચેક કરતા તેમાંથી ૪૬ હજાર ૮૦૦ રૂપિયાના મૂલ્યની રમની ૩૬ નંગ બાટલીઓ મળી આવી હતી.
બેઉ યુવકો ભુજના એરપોર્ટ રોડ પર આવેલી વૃંદાવન ગ્રીનસીટી સોસાયટીમાં રહે છે. દિવાળી હોઈ ભુજમાં ઊંચા ભાવે છૂટક વેચાણ કરવાના હેતુથી તેઓ ગોવાથી શરાબ ખરીદીને મુંબઈ આવી ટ્રેનમાં બેઠાં હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પશ્ચિમ રેલવેના એસપી યશપાલ જગાણિયા અને ગાંધીધામ જીઆરપી પોલીસ ઈન્સ્પેક્ટર પી.આર. સોલંકીના માર્ગદર્શનમાં સમગ્ર કામગીરી કરાઈ હતી.
Share it on
|