|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના વરસામેડીમાં એટીએમમાંથી નાણાં કઢાવી જતાં યુવકને છરી બતાડી ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરનાર કિશોર વયના આરોપીએ નોકરી મેળવવા માટે સંબંધી યુવક પાસેથી ધોરણ ૧૦ અને ૧૨ની ત્રણ નકલી માર્કશીટ બનાવડાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સરકાર તરફે બે જણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગત ગુરુવારે અંજાર પોલીસ મથકે લૂંટની બે ફરિયાદ દાખલ થઈ હતી. વરસામેડીમાં વેલસ્પન કંપનીના W ગેટ સામે આવેલા એટીએમમાંથી ફીટુ શેખ નામનો યુવક ત્રણ હજાર રૂપિયા કઢાવી જતો હતો. તે સમયે બુકાનીધારી યુવકે છરી બતાડી ત્રણ હજાર લૂંટી લીધા હતા. આ બનાવ ૧૨ ફેબ્રુઆરીની રાત્રે ૯ના અરસામાં બન્યો હતો. તો, આ જ સ્થળે ૧૮ ફેબ્રુઆરીની રાત્રે એટીએમમાંથી નાણાં કઢાવી જઈ રહેલાં વિજય રાજપૂત નામના યુવકને છરી બતાડી પાંચ હજાર રૂપિયા લૂંટી લેવાયાં હતાં. ફીટુ શેખને લૂંટવાના બનાવમાં અંજાર પોલીસે મેઘપર બોરીચીના સોનલનગરમાં રહેતા એક કિશોરને ઝડપ્યો હતો. તેના ઘરની જડતી સમયે પોલીસને ધોરણ ૧૦-૧૨ની ત્રણ નકલી માર્કશીટ મળી આવી હતી.
મુંદરા રહેતા સંબંધીએ નકલી માર્કશીટ આપેલી
પીઆઈ એસ.ડી. સિસોદીયાએ તપાસ કરતાં ત્રણેય માર્કશીટ નકલી હોવાનું સ્પષ્ટ થયું હતું. ઝડપાયેલાં કિશોરે જણાવ્યું કે ૧૮ વર્ષથી ઓછી ઊંમર હોઈ તથા કંપનીઓમાં નોકરી મેળવવા ધોરણ ૧૦-૧૨ના ભણતરની લાયકાત જરૂરી હોઈ તેણે તેના ઘેર આવેલા સંબંધી હર્ષિલ કુંભાભાઈ રાજપૂત (મૂળ રહે. પલાંસવા, રાપર)ને માર્કશીટનું સેટીંગ કરાવી આપવા જણાવ્યું હતું. હર્ષિલ મુંદરામાં ઝેરોક્સ અને સ્ટેશનરીની દુકાન ધરાવે છે. થોડાંક સમય બાદ હર્ષિલ તેના ઘેર રૂબરૂ આવીને ગુજરાત શિક્ષણ બોર્ડની ત્રણ નકલી માર્કશીટ આપી ગયો હતો. પોલીસે બેઉ સામે ઈપીકો કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
Share it on
|