|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં માર્ગ અકસ્માતના સર્જાયેલાં જુદાં જુદાં ત્રણ બનાવોમાં ત્રણ માનવ જીવનનો અકાળે અંત આવી ગયો છે. સામખિયાળી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની માલ સામાનની લોડીંગ સાઈટ પર સર્જાયેલો અકસ્માત ખૂબ કરૂણ છે. મૂળ રાજસ્થાનનો વતની ભવાનીસિંહ ઈન્દ્રસિંહ રાઠોડ મીઠાની કંપની યુગ એન્ટરપ્રાઈઝમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. ઑફ્ફ સીઝન ખૂલતાં લાંબુ વેકેશન માણીને ભવાની હજુ ત્રણ દિવસ અગાઉ પરત નોકરી પર ચઢ્યો હતો. રેલવે રેકમાં મીઠાના લોડીંગની કામગીરી પર નજર રાખતો ભવાની ગત રાત્રે સામખિયાળી રેલવે સ્ટેશનના પરિસરમાં પ્લેટફોર્મ નંબર 7 પર લોડીંગ સાઈટ સામે આવેલી ટ્રેડર્સ ઑફિસ સામે ખુલ્લી જમીન પર પ્લાસ્ટિક શીટની પથારી કરીને બ્લેન્કેટ ઓઝીને સૂતો હતો.
મધરાતે લોડરનો ચાલક લોડર પાર્ક કરવા ત્યાં આવેલો અને કશું જોયા સમજ્યાં વગર લોડરનું ભારેખમ બકેટ નીચે ઢાળી દીધેલું.
વજનદાર બકેટ નીચે ભવાનીસિંહનું પેટ અને માથું દબાઈ જતાં આંતરિક અંગોમાં ઈજા થયેલી. ગંભીર હાલતમાં તેને તરત હોસ્પિટલમાં લઈ જવાયેલો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે આજે ભવાનીસિંહના મોટાભાઈએ ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશને લોડરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
તુણામાં પૂરપાટ જતી ટ્રકે બાઈકચાલકને ઉડાવ્યો
અંજારના તુણા ગામે રહેતા ૪૫ વર્ષિય શંભુભાઈ અરજણભાઈ જેર તેમની મોટર સાયકલ લઈને વાડીએ જતા હતા તે સમયે કંડલા પોર્ટથી પૂરઝડપે આવી રહેલી GJ-39 TB-9197 નંબરની ટક્કરે પાછળથી બાઈકને ટક્કર મારતાં ગંભીર ઈજાથી તેમનું મોત નીપજ્યું હતું. શનિવારે સાંજે છ વાગ્યે તુણા ગામ પાસે બેન્ક ઑફ બરોડા સામે દુર્ઘટના ઘટી હતી. બનાવ અંગે કંડલા મરીન પોલીસ મથકે મૃતકના લઘુબંધુ વાલજીએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
રોડ વચ્ચે રોપાંને પાણી સિંચતું ટેન્કર જીવલેણ બન્યું
અંજાર ભુજ રોડ પર ચુબડક ગામના સીમાડે નિંગાળ ચોકડીએ સર્જાયેલી અન્ય એક દુર્ઘટનામાં કર્ણાટકના બીજાપુરના વતની ૨૬ વર્ષિય પ્રવિણ ભીમારાય તાંબેનું મૃત્યુ નીપજ્યું છે. શનિવારે બપોરે પોણા ચારના અરસામાં દુર્ઘટના ઘટી હતી. હાઈવે પર રોડ વચ્ચેના કોરિડોરમાં ઉગાડેલાં રોપાઓને ટેન્કરચાલક કોઈ જ ચેતવણીદર્શક પાટિયું કે લાઈટ ચાલું કર્યાં વગર ટેન્કર ઊભું રાખીને પાણી પીવડાવતો હતો. ઓપન ટ્રક લઈને સામખિયાળીથી માંડવી જવા નીકળેલો પ્રવિણની ટ્રક ટેન્કર પાછળ ઘૂસી જતાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
Share it on
|