|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સેકન્ડ હેન્ડ ટ્રક ખરીદવા ઈચ્છતા અંજારના ટ્રાન્સપોર્ટર પાસેથી ટ્રકનો સોદો કરવાના નામે એડવાન્સમાં દસ લાખ રૂપિયા લઈ ઠગાઈ કરાઈ હોવાનો બનાવ બહાર આવ્યો છે. પોલીસે નવીન વેલજી ડાંગર નામના ટ્રાન્સપોર્ટરે આપેલી ફરિયાદના આધારે એમપી અને યુપીના બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદી ટ્રાન્સપોર્ટ સાથે ભાગીદારીમાં જૂની ટ્રકોની લે-વેચનો પણ બિઝનેસ કરે છે. મધ્યપ્રદેશના જબલપુરનો જગવીરસિંહ લખવિન્દરસિંહ પદમ પણ જૂની ટ્રકોની લે-વેચના ધંધામાં એજન્ટ તરીકે કામ કરતો હોઈ છેલ્લાં ત્રણ વર્ષથી ફરિયાદી તેના પરિચયમાં હતો અને દસેક જેટલી ટ્રકોના સોદા પણ કરેલાં.
ડિસેમ્બર ૨૦૨૫માં ફરિયાદીને ધંધા માટે ટ્રકની જરૂર હોઈ જગવીરસિંહને વાત કરતાં તેણે હરિયાણા પાસિંગની એક ટ્રકની વિગતો મોકલેલી. ફરિયાદીએ ૨૬ લાખમાં ટ્રક ખરીદવાનો સોદો નક્કી કરેલો.
જગવીરસિંહને એડવાન્સ ટોકન પેટે ઓનલાઈન એક લાખ રૂપિયા મોકલી આપેલાં. ત્યારબાદ જગવીરે ટ્રકમાલિકના એજન્ટ આરિફ મોહબ્બતના પુત્ર સહજાદના બેન્ક ખાતાંની ચેકબૂકના મોકલેલાં ફોટોના આધારે તેના બેન્ક ખાતામાં RTGS મારફતે વધુ નવ લાખ જમા કરાવેલાં. ૧૦ લાખ મોકલ્યાં બાદ ગાડીની ડિલિવરી મળી નહોતી.
ફરિયાદીએ જગવીરસિંહને પૂછતાં તેણે જવાબ આપેલો કે ટ્રક યુપીમાં પડી છે અને આરિફ મારો ફોન ઉપાડતો નથી. ફરિયાદીએ આરિફનો નંબર લઈ ફોન જોડતાં તેનો ફોન બંધ હતો.
ત્યારબાદ જગવીર પાસેથી ફરિયાદીએ ટ્રક માલિક અફસર સાજિદનો મોબાઈલ નંબર મેળવીને વાત કરતાં ટ્રક માલિકે પોતાને ટ્રકના સોદા પેટે કોઈ રૂપિયા મળ્યાં નથી તેમ કહીને ફોન કટ કરી દીધો હતો.
આઠ મહિના વીત્યાં પરંતુ ફરિયાદીને ના ટ્રક મળી છે ના રૂપિયા પરત મળ્યાં છે.
જે-તે સમયે જગવીરસિંહે ફરિયાદીને ટ્રક માલિક અને તેની વચ્ચે ટ્રકના સોદા માટે કરેલા લખાણનો ફોટો વોટસએપ કર્યો હતો. અંજાર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
Share it on
|