|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ટીએ ડીએના બિલો ખોઈ નાખતાં કંપનીમાંથી પોતાને ૧૫ હજાર રૂપિયા ના મળતાં હોવાની બાબતને લઈ કર્મચારીએ પિત્તો ગુમાવીને જે ઉત્પાત મચાવ્યો છે તે જાણીને આપ ચોંકી ઉઠશો. ગુસ્સામાં મગજની કમાન છટકતાં આ કર્મચારીએ પોતાના સિનિયરને માર મારીને વર્કશોપમાં એકલા હાથે ભયંકર તોડફોડ કરી આગ ચાંપીને કંપનીને ૧.૧૦ કરોડનું જંગી નુકસાન પહોંચાડ્યું છે. મુંદરાના વિરાણીયા ગામનો અશ્વિન મહેશ્વરી મુંદરાના મોટા કપાયા પાસે આવેલા વોલ્વો ગૃપ-આઈશર મોટર્સ લિમિટેડ (VE કૉમર્સિયલ વેહિકલ્સ લિ.)ના વર્કશોપમાં આસિસ્ટન્ટ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. થોડાંક સમય અગાઉ તાલીમ લેવા માટે કંપનીએ તેને અન્યત્ર મોકલેલો. જે પેટે થયેલાં ખર્ચના જરૂરી બિલો તેણે વર્કશોપના સર્વિસ એડવાઈઝર દીપક નાઈને આપ્યાં હતા. દીપક નાઈથી આ બિલ ખોવાઈ ગયેલાં.
TA DAના બિલ ખોવા મુદ્દે સિનિયરને લમધાર્યો
૧૫ ઑગસ્ટની રાત્રે નવેક વાગ્યાના અરસામાં અશ્વિને ‘તમે મારા ટીએ ડીએના બિલ ખોઈ નાખતાં કંપની તરફથી મને ૧૫ હજાર રૂપિયા મળતાં નથી’ કહીને દીપક નાઈ જોડે ઝઘડો કરવાનું શરૂ કરેલું. અશ્વિને ભૂંડી ગાળો ભાંડવાનું શરૂ કરતાં દીપક નાઈ ડરી જઈને વર્કશોપમાં આવેલા પોતાના રૂમમાં નાસી ગયેલો. અશ્વિને દીપકની પાછળ પાછળ જઈને રૂમનો દરવાજો ખોલવા કહેલું.
દીપકે દરવાજો ના ખોલતાં અશ્વિને લાતો મારીને ફાઈબરનો દરવાજો તોડી નાખી અંદર ઘૂસીને દીપક નાઈને મુક્કા લાતોથી ઢીબી નાખ્યો હતો. વર્કશોપમાં પડેલી દીપકની ક્વિડ ગાડીના કાચ હથોડી અને પથ્થરથી તોડી નાખ્યાં હતા.
વર્કશોપના અન્ય એક કર્મચારીએ વચ્ચે પડીને દીપકને મારથી બચાવ્યો હતો. ડરી ગયેલો દીપક અશ્વિનના ગુસ્સાથી બચવા માટે થોડેક દૂર આવેલી એક હોટેલ પર જતો રહેલો.
ગાડીઓના કાચ, કોમ્પ્યુટર, ટીવી વગેરેમાં તોડફોડ, આગચંપી
પિત્તો ગુમાવી ચૂકેલાં અશ્વિને વર્કશોપમાં પડેલી ચાર આઈશર ગાડીના કાચ તોડી નાખ્યાં હતા. જૉબકાર્ડ માટે રાખેલાં ચાર ટેબલેટ, ઑફિસમાં રહેલાં કૉમપ્યુટર, સિક્યોરીટી ઑફિસમાં રહેલું ટીવી અને અન્ય સામાન, ઑફિસમાં પ્રવેશવાનો કાચનો મુખ્ય દરવાજામાં ભારે તોડફોડ કરીને બધું રમણ ભમણ કરી નાખ્યું હતું. આટલેથી નહીં અટકીને અશ્વિને સિક્યોરીટી ગાર્ડ પાસે રહેલી સ્ટોર રૂમની ચાવી આંચકીને, સ્ટોર રૂમ ખોલી તેમાં રહેલાં કિંમતી નવા સ્પેરપાર્ટસ પર ઓઈલ છાંટીને આગ ચાંપી દીધી હતી. બનાવ અંગે જાણ થતાં કંપનીના ઉચ્ચ અધિકારીઓ આજે મુંદરા દોડી આવ્યાં હતા.
અશ્વિને મચાવેલાં ઉત્પાતના લીધે ૧.૧૦ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ કાઢીને તેની વિરુધ્ધ મુંદરા પોલીસ મથકે કંપનીના સર્વિસ એડવાઈઝર દીપક નાઈએ BNS ૧૧૫ (૨), ૨૬૯ (બી) ૩૨૪ (૫) અને ૩૨૬ (એફ) તળે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|