click here to go to advertiser's link
Visitors :  
19-Aug-2026, Wednesday
Home -> Bhachau -> Bhachau Court Sentence Life Term to Murderer Other Four Acquitted
Tuesday, 18-Aug-2026 - Bhachau 1815 views
ભચાઉઃ પિસ્તોલની ગોળીઓ ધરબી પત્નીના પ્રેમીની હત્યા કરનાર હત્યારાને આજીવન કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સાડા ૪ વર્ષ અગાઉ ભચાઉના ખારોઈની નર્મદા કેનાલ પાસે ધોળા દિવસે સરાજાહેર ફાયરીંગ કરીને યુવકની હત્યા કરવાના ચકચારી કેસમાં ભચાઉ કૉર્ટે હત્યારાને આજીવન કેદની સજા ફટકારી છે. ગુનામાં સામેલ અન્ય ૪ આરોપીને કૉર્ટે છોડી મૂક્યાં છે. ૧૮-૦૧-૨૦૨૨ના રોજ માવજી ભુરાભાઈ વરચંદ (ઉ.વ. ૨૯, રહે. ચોબારી) મિત્ર ભરત વરચંદની બાઈક પર પાછળ બેસીને મોગલ ધામના દર્શને જતો હતો. બપોરે બારેક વાગ્યાના અરસામાં બેઉ ખારોઈની નર્મદા કેનાલના બ્રિજ પાસે પહોંચેલાં.
ફિલ્મી ઢબે સરાજાહેર ફાયરીંગ કરી મર્ડર કરાયેલું

તે સમયે અચાનક પાછળથી બાઈક લઈને આવેલા શામજી વશરામ ઊર્ફે વસાભાઈ વરચંદ (ઉ.વ. ૩૯)એ ફિલ્મી ઢબે ભરતની બાઈકને ઓવરટેક કરી આગળ જઈ પોતાની બાઈક આડી ઊભી રાખી દીધી હતી. ભરતે બાઈક ઊભી રાખતાં પાછળ બેઠેલો માવજી બાઈક પરથી નીચે ઉતરેલો. શામજીએ પિસ્તોલ કાઢીને માવજી પર બેથી ત્રણ રાઉન્ડ ફાયર કરેલાં.

ડરી ગયેલા માવજીએ જીવ બચાવવા દોટ મૂકેલી પણ થોડેક આગળ જઈને રસ્તા પર પડી ગયેલો. શામજીએ બાઈકથી ત્યાં જઈને, બાઈક પર બેઠાં બેઠાં જમીન પર પડી ગયેલાં માવજી પર વધુ ત્રણથી ચાર રાઉન્ડ ફાયર કરી બાઈક પર ભચાઉ તરફ જતો રહેલો.

ગંભીર રીતે ઘાયલ માવજીને ત્યાંથી પસાર થઈ રહેલી ખાનગી કારમાં નાખીને ભરત વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવેલો. ત્યારબાદ માવજીને ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયેલો. ગાંધીધામથી રાજકોટ ખસેડાતો હતો ત્યારે રસ્તામાં તેણે દમ તોડી દીધો હતો.

કાવતરું ઘડી પાંચ જણે હત્યા કર્યાનું ખૂલેલું

બનાવ અંગે ભરતે આપેલી ફરિયાદના આધારે ભચાઉ પોલીસે શામજી વિરુધ્ધ મર્ડર અને આર્મ્સ એક્ટની કલમો તળે ગુનો નોંધેલો. હત્યા બાદ નાસી ગયેલાં શામજીની થોડાંક દિવસો બાદ પોલીસે ધરપકડ કરીને હત્યામાં વપરાયેલી પિસ્તોલ રિકવર કરેલી.

ગુનાની ગહન તપાસમાં પૂર્વઆયોજીત કાવતરું ઘડીને હત્યાના ગુનાને અંજામ અપાયો હોવાનું અને અન્ય પાંચ જણાં પણ તેમાં સંડોવાયાં હોવાનું સ્પષ્ટ થયેલું.

જેના પગલે પોલીસે તબક્કાવાર પ્રવિણ ઊર્ફે ભાણુભા વશરામ ઢીલા (રાજાણી) (રહે. હાલ મુંબઈ, મૂળ રહે. ચોબારી), શંભુ ઊર્ફે શિવો લાલજીભાઈ ચાવડા (રહે. ચોબારી), ભંવરલાલ બાદરરામ દેવાંશી (રબારી) (રહે. મૂળ રાજસ્થાન, હાલ રહે. તમિલનાડુ) અને અનીતકુમાર રામકિશન જાટ (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.

જાણો આરોપીઓ પર શો આરોપ મૂકાયેલો

૭૨ જેટલાં વિવિધ દસ્તાવેજી આધાર અને ૩૭ સાક્ષીઓ સાથે પોલીસે તમામ આરોપીઓ સામે દાખલ કરેલા તહોમતમાં જણાવ્યું હતું કે મરણ જનાર માવજીને હત્યારા શામજીની પત્ની સાથે આડાસંબંધો હતા. શામજીએ એકવાર તેની પત્ની અને માવજીને કઢંગી હાલતમાં પકડેલાં.

આ મુદ્દે શામજીએ તેની પત્ની અને માવજી વિરુધ્ધ લૂંટ અને વ્યભિચારના આરોપ સાથે મે ૨૦૧૭માં ભચાઉ પોલીસ મથકે અરજી આપેલી. પાછળથી આ મામલે બંને પક્ષ વચ્ચે સામાજિક રાહે સમાધાન થઈ ગયેલું.

જો કે, ત્યારબાદ પણ માવજી અને શામજી વચ્ચે તણખાં ઝર્યાં કરતાં હતા. બીજી તરફ, માવજીની જે યુવતી સાથે સગાઈ થયેલી તે યુવતીનો શંભુ ઊર્ફે શિવા ચાવડા સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ થતાં માવજીએ શંભુ સાથે ઝઘડો કરેલો. આ ઝઘડા અન્વયે શંભુ અને તેના મિત્ર પ્રવિણ ઢીલાએ ભેગાં મળીને માવજીને માર પણ મારેલો.

શામજીને હત્યા કરવા ઉશ્કેરી પિસ્તોલ અપાયાનો આરોપ

પોલીસે આરોપ લગાડેલો કે મૃતક માવજીના શામજીની પત્ની જોડે આડાસંબંધો હોવાનું જાણતાં પ્રવિણ અને શંભુએ માવજીને મારી નાખવા માટે શામજીને ઉશ્કેર્યો હતો. પ્રવિણે અગાઉ ભંવરરામ પાસેથી પિસ્તોલ અને કારતૂસો ખરીદેલા હોઈ તેમણે ભંવરરામનો સંપર્ક કરેલો. ભંવરે અનીતકુમાર પાસેથી પિસ્તોલ અને કારતૂસ મેળવી ભચાઉ આવીને તેમને આપેલાં. અનીતકુમારને આ પિસ્તોલ દિલ્હીનો રાહુલ ઊર્ફે હુસેન અબ્બાસ સરદાર હુસેન આપી ગયેલો, જે આજ દિન સુધી પકડાયો નથી. 

પ્રવિણ અને શંભુ બેઉ જણે રાત્રે શામજીના ઘેર જઈ તેને પિસ્તોલ અને ગોળીઓ આપી માવજીની હત્યા કરવા માટે ઉશ્કેર્યો હતો. હત્યા બાદ નાસવામાં પ્રવિણે શામજીને મદદ કરેલી.

પ્રવિણ પોતાની બ્રેઝા કારથી અમદાવાદ ગયેલો અને ત્યાંથી શામજીને કારમાં બેસાડી રાધનપુર આબુરોડ મૂકી આવેલો.

કલમોનો ઉમેરો થયો, IO બદલાતાં રહ્યાં

પોલીસે પાછળથી આ કેસમાં તમામ આરોપીઓ સામે ઈપીકો કલમ ૧૨૦ બી અને ૩૪નો ઉમેરો કર્યો હતો. ગુનો બન્યો ત્યારે પીઆઈ એસ.એન. ગડ્ડુએ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરેલી. ત્યારબાદ તબક્કાવાર આઈઓ બદલાતાં રહ્યાં હતા અને પી.કે. ગઢવી, આર.આર. વસાવા, ડી.બી. પરમાર, એસ.એસ. દેસાઈ, એન.એન. ચુડાસમા અને ઝેડ.એન. ઘાસુરા જુદી જુદી કાર્યવાહીમાં જોડાતાં ગયેલાં.

શામજીને હત્યા બદલ આજીવન કેદની સજા

ભચાઉના અધિક ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ ભરત લાલચંદ ચૌઈથાણીએ આજે મુખ્ય આરોપી શામજી વરચંદને હત્યા બદલ દોષી ઠેરવીને ઈપીકો કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા સાથે ૫૦ હજારનો દંડ તથા આર્મ્સ એક્ટની કલમ તળે ૧ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦૦ રૂપિયા દંડ, ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ તળે ૧ માસની સખ્ત કેદની સજા ફટકારી છે.

માવજી તેના પરિવારનો આશરો હોઈ કૉર્ટે તેના ૬૨ વર્ષિય પિતા ભુરાભાઈ મેરાભાઈ વરચંદને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ હેઠળ પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે.

શંકાનો લાભ આપી અન્યોને છોડી દેવાયાં

આ ગુનામાં પોલીસે કાવતરાંનો આરોપ સાબિત કરવા આરોપીઓની એકમેક સાથે ફોન પર થયેલી વાતચીતના કૉલ ડિટેઈલ્સ રેકર્ડના દસ્તાવેજો જોડ્યાં હતા. સહઆરોપીઓ રાત્રે પિસ્તોલ અને ગોળીઓ આપવા શામજીના ઘેર ગયેલાં તે અંગે શામજીની પત્નીનું CrPC ૧૬૪ હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયેલું નિવેદન રજૂ કર્યું હતું. જો કે, ટ્રાયલ દરમિયાન આ મહિલા સાક્ષી નિવેદનમાંથી ફરી ગયેલી.

♦કૉર્ટે જણાવ્યું કે જ્યાં સુધી મુખ્ય પુરાવો રેકર્ડ પર ના આવે ત્યાં સુધી આવા નિવેદનનો ઉપયોગ કોરોબોરેશન અને કોન્ટ્રાડિક્શન માટેનો કરવાનો હોવાથી શામજીનો મોટિવ સ્પષ્ટ થવો જોઈએ.

♦કૉર્ટે જણાવ્યું કે શામજીએ અગાઉ ભચાઉ પોલીસ મથકે આપેલી અરજીમાં થયેલી સહીઓ સાથે આરોપ પુરવાર કરવા પ્રયાસ કરાયો હોત તો શામજીનો હત્યાનો મોટિવ વધુ મજબૂત રીતે પ્રસ્થાપિત થઈ શક્યો હોત. આ બધા કાગળો પોલીસ પાસે હોવા છતાં પોલીસે તેવી કોઈ તસ્દી લીધી નહોતી.

♦પોલીસે માવજીની મંગેતરને પણ સાક્ષી ના બનાવી હોવાનું કૉર્ટે નોંધ્યું હતું.

♦બનાવના લાંબા સમય બાદ મૃતકના ભાઈએ આપેલી અરજીઓને આધાર બનાવીને પોલીસે અન્યોને સહ આરોપીઓ બનાવેલાં. આ અરજીઓ કાનૂની સલાહ સૂચન લઈને આપવામાં આવી હોવાનું જણાઈ આવતું હોવાનું કહીને જજે નોંધ્યું કે જો અરજીમાં જણાવેલ તમામ હકીકતો કાયદાકીય પુરાવાથી પુરવાર થાય તો કદાચ વિલંબ પણ નજરઅંદાજ કરી શકાય પરંતુ તેમ થયું નથી.

♦પોલીસે સીડીઆર ફોર્મ રજૂ કરેલાં પરંતુ જુબાની દરમિયાન આઈઓ કયો મોબાઈલ નંબર કોનો હતો તેવી હકીકત જણાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. સીડીઆર ફોર્મ કોના નંબરના છે અને કયા સમયગાળા દરમિયાનના છે તે પણ પોલીસ સ્પષ્ટ કરી શકી નથી. સીડીઆર સાથે કલમ 65-બીનું ફોર્મ જોડાયેલું નથી. સર્વિસ પ્રોવાઈડર કંપનીને તપાસવામાં આવી નથી.

♦કૉર્ટે જણાવ્યું કે ફક્ત સીડીઆર ફોર્મ રજૂ કરી દેવાથી ફરિયાદ પક્ષની જવાબદારી પૂરવાર  થતી નથી. કાયદાકીય આધાર અને પુરાવા વગર મોબાઈલ નંબરના ધારકો વિશે અનુમાન કરી શકાય નહીં. કેવળ રૂટિન મેનરમાં દસ્તાવેજો રીફર કરી સંતોષ માની લેવાયો છે. આરોપીની કારના સીસીટીવી ફૂટેજ લેવાયાં નથી.

આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મદદનીશ જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી.

બચાવ પક્ષે હિતેન્દ્રસિંહ બી. વાઘેલા, હરેશ એચ. કાંઠેચા, નરેન્દ્રસિંહ બી. જાડેજા, અશ્વિન આર. ઢીલા, મહેન્દ્રસિંહ ડી. જાડેજા, કલ્પેશ એન. વાણિયા, મુકેશ આર. પરમાર, હરપાલસિંહ કે. જાડેજા અને મનોજ એન. દાફડા હાજર રહ્યાં હતા.

Share it on
   

Recent News  
જૂની ટ્રકનો સોદો કરવાના નામે અંજારના ટ્રાન્સપોર્ટર સાથે બે જણે ૧૦ લાખની કરી ઠગાઈ
 
ભચાઉમાં અંગત અદાવતમાં ઘાતક હથિયારો સાથે ખેલાયું ધીંગાણું: સામસામે ૩૨ સામે ફરિયાદ
 
પેટનો બળ્યો ગામ બાળે તે આને કહેવાય! ૧૫ હજારના બિલ ખાતર ૧.૧૦ કરોડનું નુકસાન કર્યુ