|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ કચ્છના બંદરો પર તથા ફેક્ટરીઓના માલની હેરફેર કરતી ટ્રકોના ડ્રાઈવરોને ‘ફોડી’ને માલ સામાનની ચોરી કરી લેવાના બનાવો અવારનવાર બહાર આવે છે. અંજાર પોલીસે આવા જ એક બનાવનો પર્દાફાશ કરી બાંધકામમાં વપરાતાં લોખંડના ટીએમટી સળિયાની ચોરી કરી લેવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. બાતમીના આધારે નાઈટ પેટ્રોલીંગમાં રહેલી અંજાર પોલીસે વરસામેડી કેનાલ પાસે એક વાડામાં દરોડો પાડી બે ટ્રકમાંથી સળિયા ચોરી કરી રહેલા સૂત્રધાર સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
મેહુલ રવિદાન ગઢવી (ઉ.વ. ૨૬, રહે. જલારામ જ્યોત કોમ્પ્લેક્સ, અંજાર એપીએમસી પાસે. મૂળ રહે. અમરેલી) તેના મિત્ર હરી ગઢવી (રહે. અંજાર) સાથે મળીને ટ્રક ડ્રાઈવરોને ફોડીને સળિયા ચોરી કરતો હોવાની બાતમીના પગલે પોલીસે તેના વાડામાં દરોડો પાડેલો.
પોલીસે દરોડો પાડ્યો ત્યારે વાડામાં રહેલી બે ટ્રકમાંથી સળિયા કાઢી લેવાતાં હતા. વાડામાંથી પોલીસે છેલ્લાં ત્રણ ચાર દિવસ દરમિયાન અલગ અલગ ટ્રકોના ડ્રાઈવરોને ફોડીને ચોરી લેવાયેલાં વિવિધ સાઈઝ અને વજનના ૪.૪૬ લાખના મૂલ્યના ૯૯૨૨ કિલોગ્રામ ૫૬૧ નંગ ટીએમટી સળિયાનો જથ્થો જપ્ત કર્યો હતો.
જપ્ત થયેલાં તમામ સળિયા ઈટી કંપનીના છે.
પોલીસે બંને ટ્રક ડ્રાઈવરો આમેદારામ ચૌધરી (રહે. મૂળ રાજસ્થાન) અને અજય શર્મા (રહે. મૂળ પઠાણકોટ, પંજાબ) સાથે મેહુલ ગઢવી વિરુધ્ધ અંગત આર્થિક ફાયદા ખાતર ગુનાહિત કાવતરું ઘડી સળિયા ચોરી લેવા સબબની કલમો હેઠળ સરકાર તરફે ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી છે. ચોથો આરોપી હરી પોલીસના હાથ આવ્યો નથી. પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ સી.એમ. ચૌધરી સહિતનો સ્ટાફ કામગીરીમાં સંકળાયો હતો.
Share it on
|