કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારમાં છેલ્લાં પાંચ વર્ષથી ગેંગ બનાવીને ગંભીર ગુના આચરી રહેલી ગુંડા ત્રિપુટીને પોલીસે ગુજસીટોક જેવો ગંભીર ગુનો લગાડીને ‘અંદર’ કરી દીધી છે. ગત ત્રીજી જૂનની રાત્રે આ ત્રિપુટી સહિતની છ જણની ટોળકીએ રાત્રે મેઘપર બોરીચીના એક સ્પામાં જઈને, યુવતીઓ સાથે શારીરિક અડપલાં કરીને સ્પા મેનેજર યુવતી પર ઍસિડ એટેક કર્યો હતો. આ ઘટનાના પગલે વસંત રમેશ કોલી (રહે. રોટરીનગર, અંજાર), અઝહરુદ્દીન ઊર્ફે શબ્બિર નઝમુદ્દીન બાયડ (રહે. બાયડ ફળિયું, અંજાર) અને ફિરોઝ રમજુ લંઘા (રહે. ચિત્રકૂટ સર્કલ, પાણીની ટાંકી પાસે, અંજાર) નામની આ ત્રિપુટી પીઆઈ એ.આર. ગોહિલની આંખે ચઢી ગઈ હતી.
પાંચ વર્ષ દરમિયાન અનેક ગંભીર ગુના આચર્યાં
રેન્જ આઈજી ચિરાગ કોરડીયા, એસપી સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન તળે પીઆઈ ગોહિલે આ ત્રિપુટીની ‘ક્રાઈમ કુંડળી’ કઢાવતાં ત્રિપુટીએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન સિન્ડીકેટ બનાવીને ધાડ, લૂંટ, હત્યાના પ્રયાસ, હુમલો, ધાક-ધમકી આપવી, હુલ્લડ મચાવવું, એટ્રોસીટી, દારુબંધી સહિતના સંખ્યાબંધ ગંભીર ઓર્ગેનાઈઝ્ડ ગુનાઓ આચર્યાં હોવાનું સ્પષ્ટ થયું હતું. જેના પગલે અંજાર પોલીસે ત્રણેને ગુજસીટોક (ગુજરાત કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ) એક્ટ તળે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.
જાણો, ત્રણેની ક્રાઈમ કુંડળી
પોલીસે જણાવ્યું કે વસંત કોલી સામે ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન હત્યાનો પ્રયાસ, હુમલો, ધાડ, લૂંટ, એટ્રોસીટી, ધાક ધમકી કરવી સહિતના ૨૦ ગુનાઓ નોંધાયેલાં છે. દારૂબંધી હેઠળ ૧૦ ગુના નોંધાયેલાં છે. એ જ રીતે, અઝહરુદ્દીન સામે ૨૦૨૦થી ૨૦૨૫ દરમિયાન વિવિધ ૪ ગંભીર ગુના તથા પ્રોહિબિશનના ૧૫ ગુના રજિસ્ટર થયેલાં છે. તો, ફિરોઝ લંઘા સામે ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન ૪ ગુના નોંધાયેલાં છે. વ્યાજખોર ગોસ્વામી બહેન બંધુની ત્રિપુટી સામે અંજાર પોલીસ મથકે સપ્ટેમ્બર ૨૦૨૪માં નોંધાયેલા ગુજસીટોકના પ્રથમ ગુના બાદ આ બીજો ગુનો દાખલ થયો છે.
જાહેર સુલેહ શાંતિનો ભંગ કરીને વારંવાર સમાજવિરોધી ગંભીર ગુના આચરતાં માથાભારે અને ગુંડા તત્વોને ગુજસીટોકમાં ફીટ કરી દેવાની પૂર્વ કચ્છ પોલીસ દળની ઝીરો ટોલરન્સની નીતિથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
Share it on
|