કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની સંસ્કાર કોલેજમાં ભણતી ૧૯ વર્ષિય સાક્ષી ખાનિયાની છરીથી ગળું કાપી હત્યા કરવાના ગુનામાં ઝડપાયેલા પડોશી મિત્ર મોહિત સિધ્ધપુરાને કૉર્ટે ચાર દિવસના રીમાન્ડ પર ધકેલ્યો છે. ગુરુવારે સાંજે મોહિતે સાક્ષી પર હુમલો કર્યો હતો. બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી સાક્ષીને તેણે ભણવાનું છોડીને પરત ગાંધીધામ આવી જવા કહેલું. સાક્ષીએ તેનો ફોન નંબર બ્લોક કરી દેતા ઉશ્કેરાઈને મોહિતે મિત્ર જયેશ ઠાકોર જોડે બાઈક પર ભુજ આવી તેના પર હુમલો કર્યો હતો. ભુજ એ ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. પટેલે આજે મોહિતને કૉર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી.
હત્યામાં વાપરેલી છરી આરોપીએ ક્યાંથી ખરીદેલી? ગુના બાદ તેણે નવા કપડાં ખરીદીને ગુના સમયે પહેરેલાં કપડાં બદલી નાખ્યા હતા ત્યારે તે કપડાં તેણે ક્યાંથી ખરીદેલા? ગુના બાદ તેને કોણે આશરો કે મદદ કરેલી અને મદદ કરનારની સંડોવણી છે કે કેમ તે બાબતોની તપાસ કરવા માટે આરોપીની પ્રત્યક્ષ હાજરીની જરૂર હોવાનું જણાવી પોલીસે રીમાન્ડની માગ કરી હતી. ગુનો આચરતા અગાઉ આરોપીએ સાક્ષીની રેકી કરેલી ત્યારે તે ક્યાં ક્યાં ફર્યો હતો તે વિસ્તારોના સીસીટીવી ફૂટેજ કબજે કરવાના બાકી હોવાનું તેમજ તેના ફોનના સીડીઆરનું તેની હાજરીમાં એનાલિસીસ કરવું જરૂરી હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
પોલીસની રજૂઆતને ધ્યાને રાખીને ભુજની ચીફ કૉર્ટે મોહિતના ૩જી સપ્ટેમ્બર સુધી ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. ગુનાનો સહઆરોપી જયેશ ઠાકોર હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઈ પોલીસે તેની ધરપકડ કરી નથી.
Share it on
|