click here to go to advertiser's link
Visitors :  
31-Aug-2025, Sunday
Home -> Other -> Abad SOG caught prime accused involved in mule accounts and transactions
Saturday, 30-Aug-2025 - Ahmedabad 1666 views
દુબઈ સેટલ થયેલો ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાની હેરફેરનો આદિપુરનો સૂત્રધાર ઝડપાયો
કચ્છખબરડૉટકોમ, અમદાવાદઃ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસે  એક વર્ષ અગાઉ વિવિધ બેન્ક ખાતાઓમાં ક્રિકેટ સટ્ટાના ૧૩.૫૫ કરોડ રૂપિયાની થયેલી ગેરકાયદે હેરફેરના રેકેટનો પર્દાફાશ કરેલો. આ રેકેટનો સૂત્રધાર કે જે લાંબા સમયથી દુબઈમાં સ્થાયી થયેલો છે તે આદિપુરના મોનુ સિંધીને અમદાવાદ SOGએ ઝડપી પાડ્યો છે. મોનુ સિંધી નામથી ઓળખાતો ૪૨ વર્ષિય દિલીપ રમેશભાઈ સંગતાણી આદિપુરના સાધુ વાસવાણીનગરનો રહેવાસી છે.

દુબઈમાં સ્થાયી થયેલો મોનુ છેલ્લાં ૮ દિવસથી દુબઈથી અમદાવાદ આવેલો અને એરપોર્ટ સર્કલ પાસે હોટેલ મહેર ઈનમાં રોકાયો હતો. આદિપુર પોલીસ મથકમાં દાખલ થયેલા ગુનામાં તે વૉન્ટેડ હોવાની બાતમી મળતાં અમદાવાદ SOGએ હોટેલમાં છાપો મારીને તેને ઝડપી લઈ આદિપુર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

ગયા વર્ષે મોનુનો ભાઈ અને સાગરીત ઝડપાયેલાં

બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમે બાતમીના આધારે ૧૯-૦૮-૨૦૨૪ના રોજ આદિપુરની ગજવાણી કોલેજ પાસે વૉચ ગોઠવીને ટોયોટા ઈટીઓસ કારમાં પસાર થઈ રહેલા મોનુ સિંધીના નાના ભાઈ નરેશ રમેશભાઈ સંગતાણી અને ભરત મુકેશભાઈ નેનવાયા નામના બે જણની અટક કરેલી. કારની તલાશી લેતા તેમાં રાખેલા કાળા થેલામાંથી પોલીસને અમદાવાદ, ઉત્તર પ્રદેશ, અંજાર, આદિપુર, ગાંધીધામ, માનકૂવા, પાટણ વગેરે વિવિધ જિલ્લા શહેરોમાં રહેતા ૪૪ સ્ત્રી પુરુષોના બેન્ક ખાતાંની પાસબૂક, એટીએમ કાર્ડ, ચેકબૂક સહિતની કીટો મળી આવી હતી.

દસ હજારનું કમિશન આપી બેન્ક ખાતાં ખોલાવતાં

પોલીસે નરેશ અને ભરતની પૂછપરછ કરતાં તેમણે કબૂલ્યું હતું કે તેઓ જરૂરિયાતમંદ લોકોને દસ હજારનું કમિશન આપવાની લાલચ આપીને તેમના નામે બેન્ક ખાતા ખોલાવતાં હતા. આ બેન્ક ખાતાઓમાં ક્રિકેટ સટ્ટાના કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા હતા. આ બેન્ક ખાતાઓમાં મુંબઈથી આવતા મોબાઈલ સીમ નંબરો લિન્ક કરવામાં આવતા.

મુંબઈનો બાબુભાઈ બાળા નામનો શખ્સ હતો સામેલ

બધી કીટો તેઓ મુંબઈ રહેતા બાબુભાઈ બાળા નામના શખ્સને મોકલતા હતા. પ્રત્યેક બેન્ક એકાઉન્ટ દીઠ નરેશ અને ભરતને ત્રીસ ત્રીસ હજાર રૂપિયાનું કમિશન મળતું. મુંબઈનો બાબુ ગૂગલ મેસેન્જર મારફતે ક્યુઆર કોડ સ્કેન કરીને બેન્ક એકાઉન્ટ ઉપયોગમાં લઈ સટ્ટાના કરોડો રૂપિયાની દુબઈમાં હેરફેર કરતો.

પોલીસે તપાસ કરતા ૪૪ ખાતાઓમાં ક્રિકેટ સટ્ટાના ૧૩.૫૫ કરોડ રૂપિયાની હેરફેર થઈ હોવાનું ખૂલેલું.

દુબઈમાં સેટલ થયેલો નરેશનો મોટો ભાઈ દિલીપ ઊર્ફે મોનુ સિંધી સૂત્રધાર હતો.

આદિપુરનો રાજ ધનવાણી પણ હતો સામેલ

આદિપુરના રાજ દીપક ધનવાણીએ નરેશ સંગતાણીની બાબુ જોડે ઓળખાણ કરાવેલી. જો કે, આ બનાવ બહાર આવ્યો તેના એકાદ સપ્તાહ પૂર્વે જ પૂર્વ કચ્છ સાયબર ક્રાઈમ પોલીસે આ રીતે લોકોને વિશ્વાસમાં લઈ નાણાંની ગેરકાયદે હેરફેર માટે બેન્ક ખાતાં ખોલાવવા બદલ રાજ ધનવાણી અને હસ્મિતા નામની મહિલા સાગરીત વિરુધ્ધ ગુનો નોંધેલો. તેમાં પણ ૨૩ બેન્ક ખાતામાં ૧૨.૨૪ કરોડના ટ્રાન્ઝેક્શન થયાનું ખૂલેલું જે અંગે સાયબર ક્રાઈમ પોલીસે  ૧૩-૦૮-૨૦૨૪ના રોજ ગુનો દાખલ કરેલો.

Share it on
   

Recent News  
૩ કરોડની સરકારી જમીન દબાવનારા સામે લેન્ડગ્રેબિંગની અરજી છતાં ૧ વર્ષથી નિર્ણય નહી
 
ભુજમાં કોલેજ કન્યાની ઘાતકી હત્યા કરનાર આરોપી મોહિત ૩ સપ્ટેમ્બર સુધી રીમાન્ડ પર
 
ભરોસાની ભેંસ પાડો જણે! ગાંધીધામની યુવતીને ના પ્રેમ મળ્યો કે ના પૈસા પરત મળ્યાં!