કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક ભારાપર ગામની સીમમાં સર્વે નંબર ૩૩૯/૨૧ની જંગલ ખાતાની ૧૦ એકરની લગડી જેવી જમીન પર થયેલા ગેરકાયદે દબાણ અંગે તંત્ર કોઈ કાર્યવાહી કરતું ના હોવાનો કોંગ્રેસે આરોપ લગાડ્યો છે. જગદીશ ઠક્કર નામના શખ્સે આ જમીન પર ગેરકાયદે દિવાલ ચણીને આંબાની વાડી બનાવી દીધી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું છે કે આ જમીનની વર્તમાન બજાર કિંમત અંદાજે ૩ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ જમીન પરના દબાણ અંગે વન તંત્રના રેન્જ ફોરેસ્ટ ઑફિસરે કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કર્યાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં તે અંગે કલેક્ટરે કોઈ નિર્ણય નથી લીધો.
હુંબલે જણાવ્યું કે વન તંત્રની જમીન પર પાણીના બોર માટે બે ગુંઠા જમીન પણ મહેસુલ વિભાગે મંજૂર કરેલી છે.
ખરેખર વન વિભાગની જમીન પર જો બોર બનાવવાની મહેસુલ વિભાગે મંજૂરી આપી હોય તો જેની પણ જવાબદારી થતી હોય તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ.
ગરીબોના ઝૂંપડા તોડવામાં તંત્રને શૂરાતન ચડે છે પરંતુ આવા માલેતુજારોના દબાણો હટાવવામાં તંત્ર લાજ કાઢતું હોય તેમ જણાય છે.
વન વિભાગની અરજી સંદર્ભે જંગલ ખાતાની જમીન ખુલ્લી કરવામાં આવે તેવી માગ સાથે હુંબલે કલેક્ટર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહેસુલ સચિવને લેખિત રજૂઆત કરી છે.
૧૫ કેસમાં લેન્ડગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાવવા આદેશ
બીજી તરફ, કચ્છ કલેક્ટરે સાંજે એક પ્રેસ વિજ્ઞપ્તિ જારી કરીને માહિતી આપી છે કે તેમની સમિતિ સમક્ષ આવેલા ૧૫ કેસમાં તપાસ હાથ ધરાઈને અરજદારોને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા હુકમ કરાયા છે.
૧૫ કેસ પૈકી સરકારી જમીન પર ગેરકાયદે દબાણવાળો એક કેસ છે, બાકીના તમામ ૧૪ કેસ ખાનગી જમીન પરના દબાણ અંગેના છે.
૧૫ કેસમાં ૩૭ લોકોએ લેન્ડ ગ્રેબિંગ કર્યું હોવાનું જણાય છે. ગેરકાયદે બળજબરીપૂર્વક દબાણો કરતા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કડક કાર્યવાહી કરાશે તેવી તાકીદ કલેક્ટર કમ લેન્ડ ગ્રેબિંગ કમિટિના અધ્યક્ષ આનંદ પટેલે કરી છે.
નિયમ મુજબ ત્રણથી છ માસમાં નિવેડો આવે તે અપેક્ષિત
સરકારી અને ખાનગી જમીનો પર ગેરકાયદે દબાણ કરતા લોકો પર કડક કાર્યવાહી કરવા હેતુ ગુજરાતમાં ૨૦૨૦થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી બનાવાયો છે. અરજદાર આધાર પુરાવા સાથે કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ સમક્ષ રજૂઆત કરે, ત્રણથી છ મહિનામાં સુનાવણી પૂરી થઈ જાય અને ગેરકાયદે દબાણ સ્પષ્ટ થાય તો અરજદારને દબાણકાર સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરાય.
આ કાયદો ખૂબ અસરકારક અને પ્રભાવી બની રહ્યો છે. જો કે, અનેક કિસ્સાઓમાં વગદાર દબાણકારો સામે આ કાયદા હેઠળ થતી અરજીઓનો કડૂસલો થઈ રહ્યો હોવાની ચર્ચા છે.
નિયમ મુજબ ત્રણથી છ મહિનામાં અરજીઓની સુનાવણી તપાસ કરીને અંતિમ નિર્ણય આપી દેવાનો હોય છે. ત્યારે, જો એક વર્ષ વીતવા છતાં કોઈ નિવેડો ના આવતો હોય તો અંતે કાયદાનો હેતુ જ નિરર્થક થઈ જશે.
Share it on
|