click here to go to advertiser's link
Visitors :  
21-Aug-2026, Friday
Home -> Anjar -> Three Armed Youths On Bike Rob Man Of Gold Chain In Broad Daylight with Firing
Friday, 21-Aug-2026 - Anjar 1119 views
અજાપર પાસે બબ્બે પિસ્તોલ સાથે હિંદીભાષી બાઈકસવાર ત્રિપુટીએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના અજાપર ગામની સીમમાં બે રાઉન્ડ ફાયરીંગ કરીને બાઈકસવાર ત્રિપુટીએ લૂંટ ચલાવતાં પોલીસ ખાતામાં ભારે દોડધામ થઈ ગઈ છે. બનાવ અંગે અંજાર પોલીસ મથકે લૂંટ, આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ દાખલ થઈ છે. અંજારના વરસામેડીમાં શાંતિધામ-2માં રહેતા ૪૭ વર્ષિય ફરિયાદી ધનજીભાઈ રામજીભાઈ ખાટરિયા (આહીર) (રહે. મૂળ આંબાપર, અંજાર)એ પોલીસને જણાવ્યું કે તેમની દીકરી અંજારની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે.

આજે સવારે મોટર સાયકલ પર દીકરીને બેસાડીને ફરિયાદી તેને હોસ્પિટલે મૂકવા ગયેલાં. ત્યાંથી પરત ફરતાં અજાપર સીમમાં આવેલી ગૌરીશંકર ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં મિત્ર લક્ષ્મણ સુથારને મળવા જતા હતા.

બપોરે સવા બારના અરસામાં તે અજાપર પાટિયાથી થોડેક આગળ ગયા ત્યારે પુલ નજીક પાછળથી મોટર સાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા યુવકોએ તેમને આંતરીને ધક્કો મારતાં તે નીચે પડી ગયેલાં.

આ સમયે એક જણે પિસ્તોલ કાઢીને હિન્દીમાં ‘તારા પાસે જે હોય તે બહાર કાઢ નહીં તો મારી નાખીશ’ કહીને એક રાઉન્ડ હવામાં ફાયરીંગ કરેલું. બીજાએ ગળામાં પહેરેલી ૯૦ હજારની કિંમતની ૩૦ તોલાની સોનાની ચેઈન ખેંચીને કાઢી લેતાં ગળામાં ઉઝરડો થઈ ગયેલો. અન્ય બે જણે ધનજીભાઈએ ડાબા હાથની આંગળીમાં પહેરેલી સોનાની વીંટી બળજબરી કાઢવા પ્રયાસ કરેલો.

તેમણે પ્રતિકાર કરવા પ્રયાસ કરતાં એક યુવકે માથાની પાછળ અને કપાળ પર ઊંધી પિસ્તોલથી પ્રહાર કરતાં લોહી નીકળવા માંડેલું. એ જ સમયે અન્ય એક યુવકે તેની પાસે રહેલી પિસ્તોલ કાઢીને ધનજીભાઈના પેટ પર ફાયરીંગ કરેલું.

ગોળીના છરાથી ઈજા થતાં ધનજીભાઈ બૂમાબૂમ કરવા માંડતા ત્રણે જણ બાઈક સ્ટાર્ટ કરીને નાસી ગયેલાં. ઘટના બાદ ધનજીભાઈ નજીકમાં એક પ્લાયવૂડના કારખાને ગયેલાં. તેને વાત કરીને તેની મદદથી હોસ્પિટલમાં સારવાર લેવા નીકળેલાં.  

અંજાર પીઆઈ એચ.એ. જાડેજાએ જણાવ્યું કે બે જણ પાસે એક એક પિસ્તોલ હોવાનું જણાય છે. સ્થળ પરથી બે ખાલી રાઉન્ડ અને એક ખોખું મળ્યાં છે.

લૂંટારુ ત્રિપુટીને દબોચી લેવા પોલીસે ચોમેર તપાસના ઘોડાં દોડાવ્યાં છે. ધોળા દિવસે પિસ્તોલના નાળચે થયેલી લૂંટના આ બનાવે પૂર્વ કચ્છ પોલીસને દોડતી કરી દીધી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ ગળેટૂંપો આપીને મીનાક્ષીની તેના બૉયફ્રેન્ડે હત્યા કર્યાનો ઘટસ્ફોટ
 
અ’વાદમાં ૪.૪૫ કરોડની ઠગાઈમાં ભાજપ આગેવાનના પુત્ર સાથે વેવાઈ પરિવારની ધરપકડ
 
જ્વેલરી શોરૂમમાં નોકરી કરી એકલી રહેતી ૨૪ વર્ષની યુવતીની ઘરમાંથી લાશ મળી