|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ભારતનગરના સોનલ નગરમાં ભાડાના મકાનમાં એકલી રહીને જ્વેલરી શોરૂમમાં નોકરી કરતી ૨૪ વર્ષની મીનાક્ષી લાલસિંહ પરિહારની દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને હત્યા કરી નખાઈ હોવાનું બહાર આવ્યું છે. બનાવ બાદ મધ્યપ્રદેશથી દોડી આવેલા મીનાક્ષીના પિતાએ દીકરીની હત્યા બદલ ગૌરવ નામના મીનાક્ષીના બોયફ્રેન્ડ વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી લાલસિંહે કહ્યું કે તે મધ્યપ્રદેશના સિવની જિલ્લાના બરઘાટ તાલુકાના આષ્ટા ગામમાં રહીને મજૂરીકામ કરે છે. સંતાનમાં ૪ દીકરી અને ૧ દીકરો છે જેમાં મીનાક્ષી ચોથા નંબરની સંતાન હતી. અગાઉ ચારે મોટી બહેન ગાંધીધામમાં જ રહીને કંડલા ફ્રી ટ્રેડ ઝોનની કંપનીમાં નોકરી કરતી હતી. મીનાક્ષીથી મોટી ત્રણે બહેનોના લગ્ન થતાં તબક્કાવાર તે વતન મધ્યપ્રદેશના સાસરિયે રહેવા આવી ગયેલી.
મીનાક્ષી અગાઉ બહેનો સાથે ઝોનની ફેક્ટરીમાં નોકરી કરતી હતી. બાદમાં રિલાયન્સ ટ્રેન્ડમાં નોકરીએ લાગેલી. આ નોકરી છોડીને પહેલી ઑગસ્ટથી તનિષ્કના શૉરૂમમાં નોકરી લાગેલી.
સોનલનગરમાં તે ત્રણ હજારના ભાડાના મકાનમાં એકલી રહેતી હતી. છેલ્લે ૧૫ ઑગસ્ટની રાત્રે તેણે પિતાને વીડિયો કૉલ કરીને વાત કરેલી. ત્યારબાદ તેનો ફોન આવ્યો નહોતો.
ઘરમાં સાથે રહેતા ગૌરવને કૌટુંબિક ભાઈ ગણાવેલો
૧૭ ઑગસ્ટના ઘરે આવ્યાં બાદ મીનાક્ષી કોઈને દેખાઈ નહોતી. તેની જોડે ગૌરવ નામનો એક છોકરો જોવા મળેલો. ગૌરવ પોતાનો કૌટુંબિક ભાઈ હોવાનું તેણે જણાવેલું. મંગળવાર સુધી ગૌરવ સોનલનગરમાં જોવા મળેલો અને પછી ગાયબ થઈ ગયેલો.
દુપટ્ટાથી ગળેટૂંપો આપી હત્યા કરી બૉયફ્રેન્ડ ફરાર
મીનાક્ષીના રૂમ બહાર તાળું લટકતું હતું અને અંદરથી તીવ્ર વાસ મારતી હતી. પોલીસે રૂમ ખોલ્યો ત્યારે અંદર ફર્શ પર કોહવાઈ ગયેલી અને ફૂલી ગયેલી લાશ પડેલી. લાશ પર ચાદર ઓઢાડેલી હતી. ગળામાં દુપટ્ટો વીંટળાયેલો જોવા મળેલો. જામનગરમાં ફોરેન્સિક ઑટોપ્સી કરનાર તબીબોએ ગળેટૂંપો આપવાથી મૃત્યુ થયું હોવાનું પોલીસ અને પિતાને પ્રાથમિક કારણ જણાવ્યાં બાદ પિતાએ ગૌરવ સામે મર્ડરની કલમો હેઠળ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગૌરવ એમપીમાં પોતાના ગામથી થોડેક દૂર આવેલાં ગામ પાસે રહેતો હોવાનું લાલસિંહે જણાવ્યું છે. પીઆઈ એમ.જે. રાઠોડ અને પીએસઆઈ વી.એચ. ઝાલાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|