click here to go to advertiser's link
Visitors :  
06-Oct-2026, Tuesday
Home -> Other -> Rs 4.45 Crore Fraud in Ahmedabad Arrest of BJP Leaders Son and In-Laws Causes Sensation
Friday, 21-Aug-2026 - Ahmedabad 64744 views
અ’વાદમાં ૪.૪૫ કરોડની ઠગાઈમાં ભાજપ આગેવાનના પુત્ર સાથે વેવાઈ પરિવારની ધરપકડ
કચ્છખબરડૉટકોમ, અમદાવાદ/ મુંદરાઃ અમદાવાદના સોનીઓ સાથે ૪.૪૫ કરોડની ઠગાઈ આચરવાના ગુનામાં કચ્છ અને ગુજરાત ભાજપના મહિલા આગેવાનના પુત્ર સહિત ચાર જણની ધરપકડ થતાં કચ્છમાં પણ આ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બન્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઑફેન્સ વિંગે ચીટીંગના વિવિધ ગુનાના રીઢા આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી સાથે તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં છે.

શિવમ ગઢવી મુંદરા રહેતા પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તથા જિલ્લા ભાજપ મંત્રી છાયાબેન ગઢવીનો પુત્ર છે. શિવમના પિતા એડવોકેટ વિશ્રામ ગઢવી પણ મુંદરાના તાલુકા ભાજપ પ્રમુખપદે રહી ચૂક્યાં છે. આ ગુનામાં શિવમની પત્ની રાજવી પણ આરોપી છે અને હાલ તે ફરાર છે.

આ રીતે જ્વેલર્સ સાથે કરાઈ કરોડોની ઠગાઈ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી એમ.એન. ચાવડાએ જણાવ્યું કે આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી પર સુરત સહિત વિવિધ પોલીસ મથકોમાં અગાઉ કરોડો રૂપિયાની ઠગાઈના ગુના નોંધાયેલાં છે. અમદાવાદમાં થલતેજમાં રહેતા અનિલની અગાઉ ઠગાઈના એક ગુનામાં ધરપકડ થયાં બાદ તેનો ભોગ બનનાર અમદાવાદ શહેરના ચાર સોનીએ ૪.૪૫ કરોડના ઘરેણાંની ઠગાઈની ફરિયાદ આપેલી. આ ગુનામાં અનિલ સાથે તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત, જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી છે. 

અનિલ પોતે મોટો રિયલ એસ્ટેટ બ્રોકર અને ગોલ્ડ બ્રોકર હોવાના દાવા કરી, પરિવાર સાથે જ્વેલરી શૉરૂમમાં જઈ કિંમતી ઘરેણાં ખરીદીને પોતે બહુ ધનાઢ્ય હોવાના દેખાડા કરીને વાકચાતુર્યથી જ્વેલર્સનો વિશ્વાસ સંપાદિત કરતો.

ત્યારબાદ ઉધારીમાં ઘરેણાં ખરીદીને પાછળથી વિવિધ બહાના કરી ના રૂપિયા ચૂકવતો કે ના ઘરેણાં પાછાં આપતો. આ રીતે અનિલ અને તેના પરિવારે ફેબ્રુઆરી ૨૦૨૫માં અભિષેક ઝવેરીના શૉરૂમમાંથી ૧.૬૯ કરોડની ડાયમંડ અને ગોલ્ડ જ્વેલરી ખરીદેલી. એ જ રીતે મે ૨૦૨૩માં અન્ય એક સોની હરુભાઈ ઝવેરી પાસેથી ૨૬.૩૩ લાખની જ્વેલરી ખરીદેલી. ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન અમદાવાદની ઝવેરી એન્ડ કંપની પાસેથી ૪૩.૯૫ લાખની જ્વેલરી ખરીદેલી. મેથી જૂન ૨૦૨૩ દરમિયાન એસ.આર. ગોલ્ડન જ્વેલર્સ પાસેથી ૨ કરોડ ૫ લાખ ૯૯ હજારની જ્વેલરી ખરીદેલી.

કચ્છખબર સાથે વાત કરતાં એસીપી ચાવડાએ જણાવ્યું કે આરોપીઓ સહકુટુંબ જ્વેલર્સને ત્યાં ખરીદી કરવા જઈને ઠગાઈકાંડ આચરતાં. શિવમ ગઢવીની પણ તેમાં સક્રિય સંડોવણી છે.

અનિલ વિભાણીએ સામે ફ્રોડના ૧૧ જેટલાં ગુના નોંધાયેલાં છે. અગાઉ અમદાવાદના જ એક બિઝનેસમેન જલ્પીન ભીમાણીએ અનિલ અને તેની પુત્રી રાજવી સામે સામે ૨૩.૩૭ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવેલી. પોતાના ઉચ્ચ અધિકારીઓ સહિત હાઈ પ્રોફાઈલ હસ્તીઓ સાથે સારા સંબંધો હોવાના દાવા કરીને અનિલે આ બિઝનેસમેનના ફસાયેલાં ૪૨ કરોડ રૂપિયા કઢાવી આપવાના નામે ચીટીંગ કર્યાનું જણાવાયું હતું. અનિલ સામે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પણ ૫.૩૫ લાખની ઠગાઈનો ગુનો નોંધાયેલો છે.

જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની નોરતાં નગરીની ગરબા ઈવેન્ટ માટે મજબૂત સ્પોન્સર શોધી આપવાના બહાને અનિલે ૪.૭૫ કરોડની ઠગાઈ કર્યાની સરખેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયેલી.

ફ્રોડની ફરિયાદો સંદર્ભે અગાઉ પોલીસે અનિલ પાસે રહેલી મર્સિડિઝ, રેન્જ રોવર સહિતની કાર, બેન્ક લોકર્સમાં રહેલું કરોડોનું સોનું જપ્ત કર્યું હતું. વર્ષો અગાઉ અનિલ પર તેની પહેલી પત્ની સોનલની ધારિયું મારીને ઘાતકી હત્યા કર્યાનો પણ કેસ નોંધાયેલો. અખબારી અહેવાલો મુજબ એક ટ્રક ડ્રાઈવર તરીકે જીવનની શરૂઆત કરનાર અનિલ વિભાણી ૨૦૧૦થી ગુનાખોરીના રવાડે ચઢી ગયો હતો.

ખોટી રીતે ફીટ કરાયાં છેઃ વિશ્રામભાઈનો બચાવ

શિવમે રાજવી સાથે થોડાંક મહિના અગાઉ પ્રેમલગ્ન કર્યાં હતા. પિતા વિશ્રામભાઈએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે શિવમ મારી જોડે મુંદરામાં જ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. ગુનામાં તેને અને વેવાઈના પરિવારને ખોટી રીતે જોડી દેવાયો છે. આર્થિક વ્યવહારના વિખવાદને ફોજદારી રૂપ અપાયું છે. અમે ન્યાયની અદાલતનો આશરો લેશું.

Share it on
   

Recent News  
અંજારઃ ફૂલસ્પીડે દારુ ભરેલી કાર લઈને જતાં કાર નાળામાં ખાબકી, બૂટલેગરનું મોત
 
માધાપર બસ સ્ટેન્ડ સામે શોપિંંગ કોમ્પ્લેક્સમાં ફરી ‘સુરતી’ જુગાર ક્લબ ધમધમી ઉઠી!!
 
આવતીકાલથી કચ્છ સહિત ગુજરાતના તમામ વકીલોની અનિશ્ચિત મુદ્દતની હડતાળ