કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજાર નજીક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરતી એક જાણીતી કંપનીના હવસખોર એચ.આર. મેનેજર અને તેના અંગત મદદનીશે અનુસૂચિત જાતિના ગરીબ પરિવારની દીકરીની લાજ લૂંટવા પ્રયાસ કરતાં ભારે ચકચાર મચી ગઈ છે. મહિલા હેલ્પલાઈન ૧૮૧ની તત્કાળ મદદ મળતાં દીકરીની લાજ બચી ગઈ છે. બનાવ અંગે વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ ચાલી રહી છે. વીસ દિવસ પૂર્વે દીકરી નોકરીએ લાગેલી
મૂળ મહિસાગર જિલ્લાની ધોરણ ૧૨ પાસ દીકરીનો પરિવાર અંજાર નજીક ખેતમજૂરી કરે છે. કારમી ગરીબીમાં માવતરને મદદ કરવા દીકરી પણ કામની શોધમાં હતી. વીસેક દિવસ અગાઉ તેને ગળપાદર રોડ પર આવેલી એક જાણીતી ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. જો કે, તેને નોકરીએ રાખવા પાછળ કંપનીના એચ.આર. મેનેજરની દાનત કંઈક બીજી જ હતી.
રજાના દિવસે બોલાવી લાજ લૂંટવા પ્લાન કર્યો
ગત રવિવારે કંપનીમાં જાહેર રજા હોવા છતાં એચ.આર. મેનેજરે તેને નોકરી પર બોલાવી હતી. યુવતી નોકરીએ ગઈ ત્યારે કોઈ સ્ટાફ હાજર નહોતો. થોડીકવાર બાદ તેની એકલતાનો લાભ લઈને એચ.આર. મેનેજરનો પીએ તેની પાસે આવ્યો હતો.
પીએએ યુવતીને ફોનમાં પોર્ન વીડિયો બતાડવાનું શરૂ કરી કંપનીમાં ઝડપથી પ્રગતિ કરવી હોય તો મેનેજર સાહેબને તારું સર્વસ્વ સોંપી દે તેવા મતલબની લાલચ આપી એચ.આર. મેનેજર સાથે શારીરિક સંબંધ બાંધવા જણાવ્યું હતું.
દીકરી તુરંત આખી વાત પામી ગઈ હતી અને અંદરથી ખૂબ ડરી ગઈ હતી. થોડીકવાર બાદ એચ.આર. મેનેજરે દીકરીને ફાઈલ સરખી કરવાના બહાને તેની ચેમ્બરમાં બોલાવી હતી. દીકરી ચેમ્બરમાં ગઈ ત્યારે યુક્તિપૂર્વક એચ.આર. મેનેજરે તેને જબરદસ્તીપૂર્વક પાછળથી ઝકડી લઈ તેના સંવેદનશીલ અંગો પર હાથ ફેરવવા માંડ્યો હતો. હવસમાં અંધ બની ગયેલો એચ.આર. મેનેજર બળજબરીપૂર્વક કપડાં કાઢી દુષ્કર્મ કરવાના પ્રયાસ કરતો હતો પરંતુ દીકરી તેની ચુંગાલમાંથી માંડ છટકીને બહાર દોડી ગઈ હતી.
આપઘાત કરવા વિચારતી દીકરીને મળી મદદ
સાહેબની હરકતથી ડરી ગયેલી દીકરીને આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. ત્યાં જ તેને મહિલા હેલ્પલાઈન ૧૮૧ની યાદ આવતાં તેણે સંપર્ક કર્યો હતો. દીકરીના અવાજમાં રહેલી પીડા અને ઘટનાની ગંભીરતાને પારખીને કાઉન્સિલર નિરૂપાબેન બારડ મહિલા કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન તત્કાળ સ્થળ પર દોડી ગયાં હતાં. તેઓ પહોંચ્યાં ત્યારે ડરી ગયેલી દીકરી ખૂબ રડતી હતી. તેને આશ્વાસન આપીને આખી વાત જાણતાં જ બેઉ મહિલા કર્મચારી સ્તબ્ધ થઈ ગયાં હતાં.
હવસખોર મેનેજર વકીલને બોલાવી લાવ્યો
૧૮૧ની ટીમ સ્થળ પર દોડી આવતાં એચ.આર. મેનેજર અને તેનો પીએ બેઉ ફરાર થઈ ગયાં હતાં. નિરુપાબેને ફોન પર સંપર્ક કરતાં એચ.આર. મેનેજર અડધો કલાક બાદ તેના વકીલ સાથે હાજર થયો હતો! પોતાની હવસખોરીનો બચાવ કરી તેણે ભોગ બનનાર દીકરી જ ખોટું બોલતી હોવાનું જૂઠ્ઠાણું ચલાવ્યું હતું. દીકરીએ જણાવ્યું કે કંપનીમાં બધે જ સીસીટીવી કેમેરા લાગેલાં છે પરંતુ હવસખોર મેનેજરની ચેમ્બરમાં સીસીટીવી લાગેલાં નથી. છેડતીનો ભોગ બનનાર દીકરી હજુ કિશોર વયની જણાય છે. ૧૮૧ની ટીમ દીકરીનું જાતિ પ્રમાણપત્ર અને જન્મનો દાખલો મેળવીને મેનેજર વિરુધ્ધ સખ્ત કલમો હેઠળ ફરિયાદ નોંધાવવા નિશ્ચયી બની છે.
Share it on
|