click here to go to advertiser's link
Visitors :  
17-Apr-2026, Friday
Home -> Kutch -> Youth to spend 20 years in jail for attempt of rape on minor Read more
Saturday, 28-Feb-2026 - Bhachau 26607 views
૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બદલ ૪૦ વર્ષના યુવકને ૨૦ વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પાણી ભરેલું ડબલું લઈને કુદરતી હાજતે જતી ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવાના ગુનાના આરોપીને ભચાઉ સેશન્સ કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદ સાથે ૧૫ હજારનો દંડ ફટકાર્યો છે. આઠ મહિના અગાઉ બાલાસર પોલીસ મથકે નોંધાયેલા ગુના અંગે પોલીસે ફક્ત ૪૩ દિવસમાં તપાસ કરીને આરોપી પ્રભુ ઊર્ફે હગો નિલાભાઈ કોલી (ઉ.વ. ૪૦, રહે. શિરાનીવાંઢ, રાપર) વિરુધ્ધ કૉર્ટમાં તહોમતનામું પેશ કર્યું હતું.

૨૯ જૂન ૨૦૨૫ની સવારે ગુનાનો ભોગ બનનારી બાળકી સવારે સાડા નવના અરસામાં ઘરેથી ડબલું ભરીને કુદરતી હાજતે જવા નીકળેલી. નિર્જન વિસ્તારમાં આરોપી અચાનક પાછળથી ધસી આવેલો. બાળકીનું મોઢું દબાવીને, હાથ પકડીને કાંટાળી ઝાડીમાં ખેંચીને લઈ જઈ, તેને નિર્વસ્ત્ર કરી, થૂંક લગાડીને સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરવા પ્રયાસ કરેલો.

બાળકીએ રાડારાડ કરી મૂકતાં ગભરાઈને તે નાસી ગયેલો. દીકરીએ ઘરે રડતાં રડતાં આવીને પરિવારજનોને વાત કરેલી.

ગુનાનો ભોગ બનનાર બાળકી આરોપીને નામથી ઓળખતી નહોતી. તેને ગાંડો ગણાવેલો. રડતી દીકરીને લઈને માવતર ગામમાં આરોપીને શોધવા નીકળેલાં.

ઘરની નજીક દુકાન પર હગો બેઠો હતો તેને જોઈ દીકરીએ તેના તરફ આંગળી ચીંધેલી. દીકરીનો બાપ હગાને સ્થળ પર જ ત્રણથી ચાર તમાચા જડી, પકડીને બાલાસર પોલીસ મથકે લઈ આવ્યો હતો.

બાલાસરના તત્કાલિન પીએસઆઈ એસ.વી. ચૌધરીએ હગા સામે પોક્સો અને બીએનએસ એક્ટની કલમો તળે ગુનો નોંધ્યો હતો.

પોલીસે ૪૩ દિવસમાં તપાસ પૂરી કરી ચાર્જશીટ કરેલી

ગુનાની તપાસ ખડીરના પીઆઈ મુકેશભાઈ એન. દવેને સોંપાઈ હતી. ગુનાની ગંભીરતા તથા એસપી સાગર બાગમાર અને રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અન્વયે પીઆઈ દવેએ ઝડપી તપાસ કરીને હગા વિરુધ્ધના જરૂરી પૂરાવાઓ એકત્ર કરીને ફક્ત ૪૩ દિવસમાં ચાર્જશીટ ફાઈલ કરી હતી. સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરી હતી.

૨૦ વર્ષની જેલ સાથે બાળકીને પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ

પોલીસે રજૂ કરેલાં ૮ સાક્ષી અને ૨૫ દસ્તાવેજી આધારો, કાયદાકીય જોગવાઈઓને અનુલક્ષીને ભચાઉની વિશેષ પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ અંદલીપ તિવારીએ આજે હગા કોલીને બીએનએસ કલમ ૬૫ (૨), પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ વીસ વીસ વર્ષના સખ્ત કારાવાસની લઘુત્તમ સજા સાથે પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે ગુનાનો ભોગ બનનાર બાળાને પાંચ લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઑથોરિટીને હુકમ કર્યો છે.

જાણો, બચાવ પક્ષની દલીલ અને કૉર્ટનું તારણ

કેસમાં બચાવ પક્ષે રજૂઆત કરેલી કે આરોપી સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ નથી. પોલીસે આરોપીની આઈડેન્ટિફિકેશન પરેડ (ઓળખ પરેડ) કરાવેલી નથી. કોઈ પેનિટ્રેટિવ સેક્સ્યુઅલ ઓફેન્સ બન્યો નથી. આરોપીના થૂંક-લાળના પુરાવા મેળવાયાં નથી.

ભોગ બનનાર બાળકીની ઊંમર ૧૨ વર્ષથી નીચી હોવાનું અને મેડિકલ રીપોર્ટ, બાળકીના નિવેદન પરથી હગાએ અપકૃત્ય આચર્યું હોવાનું પૂરવાર થતું હોવાનું નોંધીને કૉર્ટે જણાવેલું કે આરોપીએ પેનિટ્રેશનનો પ્રયાસ કરેલો છે અને કાયદાકીય જોગવાઈ મુજબ તે દોષી ઠરે છે.

આરોપી ‘ગાંડો’ હોવાના બયાનના આધારે માનસિક આરોગ્યના નિષ્ણાત પાસે તપાસ કરાવાયેલી. તબીબે તે ‘દારૂડિયો (Alcoholic Substratum) હોવાનું જણાવેલું. કૉર્ટે તેનાથી ગુનાની ગંભીરતા ઓછી થતી ના હોવાનું જણાવેલું.

Share it on
   

Recent News  
૧૯૮૭થી આજ સુધી ભુજ કૉર્ટ પાંચ પાક. આતંકી સહિત ૭ જણને ફાંસીની સજા ફટકારી ચૂકી છે
 
ભુજના લોડાઈ ગામે પાણીપૂરી ખાધાં બાદ ૩૬ જણને ફૂડ પોઈઝનીંગઃ આરોગ્ય તંત્રમાં દોડધામ
 
વૃધ્ધ મહિલાના અપહરણ, રેપ વીથ મર્ડર કેસમાં ભુજ કૉર્ટે યુવકને ફાંસીની સજા ફટકારી