કચ્છખબરડૉટકોમ, અંજારઃ જમીનોના ભાવ ઊંચકાતા અંજાર તાલુકામાં લાંબા સમયથી ભૂમાફિયા સક્રિય છે. આ ભૂમાફિયા જીવતાં કે મરેલાં લોકોના બોગસ આધારો અને દસ્તાવેજો બનાવીને બારોબાર જમીનોની વેચવાના કૌભાંડો આચરી રહ્યા છે. આવા જમીન કૌભાંડોની શ્રેણીમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. અંજારના વરસામેડીની સર્વે નંબર ૬૪૨ની વિવાદાસ્પદ જમીન મૃત માલિકને ચોપડા પર જીવિત દર્શાવીને બારોબાર વેચી મરાઈ છે. જમીનના મૂળ માલિક શામજીભાઈ શિવજીભાઈ ચાચાણીનું વર્ષો અગાઉ નિધન થઈ ચૂક્યું છે. છતાં, ગયા મહિને કોઈ અજાણ્યા વ્યક્તિએ શામજીભાઈ બનીને આ જમીનની પાવર ઑફ એટર્ની મહેશ શંકર ચંદ્રા નામના શખ્સને લખી આપી હતી.
મહેશે આ જમીન ધાણેટીના પચાણ સુરા રબારી નામના શખ્સને ૯૯ લાખમાં વેચતો હોવાનો વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો.
પાવર ઑફ એટર્નીમાં સાક્ષી તરીકે અઝીઝ અફીઝ સૈયદ અને રાજુ અમરશી બારોટે સહીઓ કરેલી છે જ્યારે વેચાણ દસ્તાવેજમાં સુલતાન અભુભકર ખલીફા અને દિનમામદ કાસમા રાયમા નામના બે શખ્સોએ સાક્ષી તરીકે સહીઓ કરેલી છે. પોલીસે શામજીભાઈ નામ ધારણ કરનાર શખ્સ સહિત જમીન ખરીદનાર પચાણ સુરા રબારી સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જમીનની માલિકી મુદ્દે ૨૦૦૮થી કૉર્ટમાં જંગ ખેલાઈ રહ્યો છે. પીઆઈ એ.આર. ગોહિલે તપાસ હાથ ધરી છે.
Share it on
|