|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ ગાંધીધામ કિડાણાની મંગલ તુલસી સોસાયટીમાં સોમ-મંગળની રાતે ચાર તસ્કરોએ પાંચ મકાનના તાળાં તોડી કરેલી સામૂહિક ઘરફોડનો ફફડાટ હજુ શમ્યો નથી ત્યાં અંજારના ખંભરામાં તસ્કરોએ બે બંધ મકાનમાં ૭.૧૯ લાખની ચોરી કર્યાનો બનાવ બન્યો છે. ખંભરાના શાંતિનગરમાં રહેતા અને સિલાઈ કામ કરતા વીરેન્દ્રભાઈ કાન્તિલાલ વેગડ ગત સોમવારે ઘરને તાળું મારીને ઉત્તરાયણ મનાવવા અમદાવાદમાં ભાઈના ઘેર નીકળ્યાં હતા. ગુરુવારે સવારે પરિચિતે જાણ કરેલી કે ઘરના દરવાજા ખુલ્લાં છે, ચોરી થઈ હોવાનું જણાય છે. વીરેન્દ્રભાઈ તત્કાળ અમદાવાદથી ઘરે દોડી આવેલાં. તસ્કરોએ ઘરમાં રાખેલાં ૨.૧૫ લાખ રોકડાં રૂપિયા ઉપરાંત ૨.૫૨ લાખનું દોઢ તોલાનું સોનાનું મંગળસૂત્ર, ૬૮ હજાર ૭૫૨ના મૂલ્યની ૧ તોલા સોનાની લગડી, સોનાની બે વીંટી, ચાંદીના ૬૦૦ ગ્રામના ચાર સિક્કા વગેરે મળી ૫ લાખ ૯૯ હજાર ૭૫૨ રૂપિયાની માલમતાની ચોરી કરી હતી.
ફરિયાદીના પરિચિતના ઘરમાં પણ મોટી તસ્કરી
નજીકમાં રહેતા ફરિયાદીના કૌટુંબિક મામા ગજાનંદભાઈ ટાંકના ઘરનું તાળું તોડીને તસ્કરોએ ૬૦ હજાર કિંમતની ૬ તોલા સોનાની ૪ ચેઈન, ૨૫ હજારની અઢી તોલો સોનાની બંગડી, ૧૦ હજાર કિંમતની ૧ તોલા સોનાની ત્રણ વીંટી, ૧૦ હજારની ૧ તોલા સોનાની પોંચી, ચાંદીના સાંકળા, પાંચ હજાર રોકડાં રૂપિયા મળી ૧.૨૦ લાખના મૂલ્યના ઘરેણાંની ચોરી કરી હતી. બંને ઘરમાંથી કુલ ૭ લાખ ૧૯ હજાર ૭૫૨ રૂપિયાની માલમતા ગઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
સોનાના ઘરેણાંના બિલના આધારે પોલીસ તેની કિંમત લખતી હોય છે પરંતુ સોના ચાંદીના વર્તમાન દરને જોતાં ચોરાયેલાં ઘરેણાંની વર્તમાન વાસ્તવિક કિંમત ક્યાંય ઊંચી છે.
બંધ ઘરોને નિશાન બનાવીને થતી સામૂહિક ચોરીના ઉપરાછાપરી બે બનાવો બનતાં આમજનતાનો ફફડાટ ગહન બન્યો છે.
Share it on
|