click here to go to advertiser's link
Visitors :  
17-Mar-2026, Tuesday
Home -> Bhuj -> GKGH Psychiatrists help youth overcome life threatening addiction to sniffing petrol
Tuesday, 17-Mar-2026 - Bhuj 1738 views
પેટ્રોલનો જીવલેણ નશો! જી.કે. જનરલના મનોચિકિત્સકોએ યુવકની લત છોડાવી
કચ્છખબરડૉટકોમ, ભુજ (શાંતિલાલ સોની) તમાકુના મસાલા, ગુટખા, છીંકણી, દારૂ કે અફીણ યા ગાંજાના વ્યસન વિશે તો આપ વાકેફ હશો પરંતુ કેટલાંક લોકો માન્યામાં ના આવે તેવા રાસાયણિક કે ઝેરી પદાર્થ સૂંઘીને ‘કીક’ મેળવતાં હોય છે. જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સકોએ પેટ્રોલ સૂંઘીને નશો કરવાના વ્યસની થઈ ગયેલાં એક યુવકને નિર્વ્યસની બનાવ્યો છે. તાજેતરમાં અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં આ યુવાન દર્દી આવ્યો હતો.

આ યુવક છેલ્લાં ઘણાં મહિનાથી વારંવાર ઊંડા શ્વાસ ભરીને પેટ્રોલની વાસ લેતો હતો. શરૂઆતમાં ઉત્સુકતા અને મિત્રોના પ્રભાવથી આ ટેવ પડી હતી, સમય જતાં યુવકને તેનું વ્યસન થઈ ગયેલું.

દર્દીમાં આ લક્ષણો હતા, કાઉન્સેલિંગ, દવાથી સાજો થયો

મનોચિકિત્સક ડૉ. રિધ્ધિબેન ઠક્કરે જણાવ્યું કે દર્દી સારવાર માટે આવ્યો ત્યારે ચક્કર આવવા, ધ્યાનમાં ઘટાડો, ચીડીયાપણું, ઊંઘમાં ગડબડ અને પરિવાર સાથે મતભેદ જેવી સમસ્યાઓ હતી. પેટ્રોલનો નશો કરવાના લીધે તેને આ બધી સમસ્યાઓ સર્જાઈ હતી. પરિવારજનો સમજદારી દાખવી તેને મનોચિકિત્સકો પાસે લઈ આવ્યા હતા. તબીબોએ યુવકનું યોગ્ય કાઉન્સેલિંગ કર્યું. દવાઓ અને પરિવારના સહકારથી યુવક આ વ્યસનથી મુક્ત થઈ ગયો.

મનોચિકિત્સક ડૉ. નીરવ ચાનપાના જણાવ્યા પ્રમાણે હાલમાં દર્દી સંપૂર્ણ સ્વસ્થ છે અને છેલ્લા ૨-૩ મહિનાથી મનોચિકિત્સા વિભાગમાં  નિયમિત  ફૉલો અપમાં આવે છે.

જી.કે.માં દર્દીના વ્યસન, નિદાન અને તેનું  મૂલ્યાંકન કરી જરૂરિયાત મુજબ કાઉન્સેલિંગ, મનોચિકિત્સા અને દવાઓ દ્વારા સારવાર આપવાની સાથે પરિવારને પણ માર્ગદર્શન આપવામાં આવે છે.

જાણો, શું છે જીવલેણ ઈન્હેલેન્ટ યુઝ ડીસઓર્ડર

મનોવિજ્ઞાનમાં આવા પ્રકારના વ્યસનને ઈન્હેલેન્ટ યુઝ ડીસઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. આવા દર્દીઓ પેટ્રોલ, થીનર કે સોલવન્ટ જેવા પેટ્રોલિયમ પદાર્થોને સૂંઘીને નશો મેળવે છે. ઘણાં લોકો આ જ રીતે વ્હાઈટનરનો પણ નશો કરે છે. કેટલાંક આયોડેક્સ સૂંઘીને કે તેને બ્રેડ પર બટરની જેમ લગાવીને આરોગીને નશો કરે છે. થોડાંક સમય અગાઉ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક ગંભીર કિસ્સો બહાર આવેલો. કેટલાંક યુવકો કોન્ડોમને પાણીમાં ઉકાળીને તેનો નાસ લઈ નશો કરતાં હતા.

આ એક ગંભીર સમસ્યા છે જે માનસિક અને શારીરિક રીતે ખૂબ ખતરનાક છે.

મનોચિકિત્સકો ડૉ. ખુશી ગણાત્રા અને ડૉ. યેશા કલ્યાણીએ કહ્યું કે ચક્કર આવવા, માથું ભારે લાગવું, ધ્યાન અને સ્મૃતિમાં ઘટાડો, અસ્પષ્ટ બોલવું,  આંખો લાલ થવી અને નાક અથવા કપડાંમાંથી કેમિકલની ગંધ આવવી તેના લક્ષણો  હોય છે.

ડૉ.હર્ષ ગોધાણીએ ઉમેર્યું કે ઇન્હેલેન્ટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી મગજને નુકસાન, યાદશક્તિમાં ઘટાડો, ચેતાતંતુ અને જ્ઞાન તંતુઓને નુકસાન, ફેફસાં, લીવર અને કિડનીને અસર, હૃદય સંબંધિત જોખમ તેમજ અચાનક મૃત્યુનું પણ જોખમ થઈ શકે છે.

આ પ્રકારનું વ્યસન છૂપાવવા કરતાં સમયસર સારવાર લેવી અત્યંત જરૂરી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામ ભાજપના બે આગેવાનના પુત્રો સામે ૧૬ લાખના ચીટીંગની વધુ એક ફરિયાદ
 
૩૪ લાખ સામે ૪૫ લાખથી વધુ રકમ ચૂકવી છતાં વ્યાજખોરોએ ફ્લેટ કિંમતી જમીનો પડાવી લીધી
 
કેરાના અનોપે મગાવેલો ૭૮.૯૬ લાખનો શરાબ મુંદરા પહોંચે તે પહેલાં આડેસરમાં પકડાઈ ગયો