|
કચ્છખબરડૉટકોમ, નખત્રાણાઃ અબડાસાના ખાનાયના રીઢા વ્યાજખોર બળવંત તગજી સોઢા સહિત ચાર લોકો સામે નખત્રાણા પોલીસ મથકે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી કરી, મારકૂટ કરી જમીનો ફ્લેટ લખાવડાવી લેવાની ફરિયાદ નોંધાઈ છે. નખત્રાણાના શિવમ પાર્કમાં રહેતા ૩૦ વર્ષિય પ્રીતેશ ભીમજી હળપાણી (પટેલ)એ બળવંત ઊર્ફે બડુભા ઉપરાંત નખત્રાણાના વ્યાજખોર વિરલ ઘનશ્યામસિંહ જાડેજા અને તેમના એજન્ટ ગૌતમ શામજી ભાદાણી તથા રોહિત સોનાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. વડિલોપાર્જીત વારસાગત ૬૦ એકર જમીન પર ખેતીકામ અને હોટેલ સંચાલન કરતો પ્રીતેશ સુખેથી જીવતો હતો. ૨૦૨૧માં મોટી ખોંભડી ગામે મામાના ખેતરની બાજુનું ખેતર ૨૧ લાખમાં ખરીદવા સોદો નક્કી કરેલો.
એડવાન્સમાં પાંચ લાખ રોકડાં રૂપિયા પણ આપી દીધા હતા. પરંતુ ત્યારબાદ અચાનક પિતાને હાર્ટ એટેક આવ્યો. માતા પણ માંદગીના ખાટલે પડી. તે જ વર્ષે તેના લગ્ન થયેલાં. ખર્ચના ખાડામાં ઉતરી જતાં બાકીના ૧૬ લાખ રૂપિયા કઈ રીતે ચૂકવવા તે અંગે મૂંઝવણમાં મૂકાઈ ગયો હતો.
આ સમયે કૌટુંબિક સાળો ગૌતમ ભાદાણી તેને મળેલો. ગૌતમે રોહિત સોનાઘેલા સાથે પરિચય કરાવેલો. બેઉ જણે તેને ૧૬ લાખ પૈકી ૮ લાખનો પ્રથમ હપ્તો ચૂકવવા માટે તેમના ઓળખીતા વિરલ જાડેજા પાસેથી વ્યાજે નાણાં અપાવી દેવાનું અને સિક્યોરીટી પેટે ફરિયાદીનો ઉમિયાનગરમાં આવેલો ૨૧ લાખના ફ્લેટનો વેચાણ દસ્તાવેજ લખી આપવા જણાવેલું.
ફરિયાદીએ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ લખી આપવા ઈન્કાર કરતા નાણાં ચૂકવ્યાં બાદ ફ્લેટનો દસ્તાવેજ ફરી તેના પિતાના નામે કરી આપવા વાયદો કરાયો હતો.
ગૌતમ અને રોહિતે ફરિયાદીને વિરલ જાડેજા પાસેથી માસિક પાંચ ટકાના વ્યાજે ૮ લાખ રૂપિયા લઈ આપ્યાં હતા. ફરિયાદીએ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ લખી આપેલો. બેઉ જણે પોતાના કમિશન પેટે ફરિયાદી પાસેથી પચાસ હજાર રૂપિયા મેળવી લીધા હતા.
૨૧ લાખ સામે અડધા ભાવે ખેતર લખી આપવું પડ્યું
૨૦૨૨માં પહેલીવાર ૮ લાખ રૂપિયા વ્યાજે લીધાં બાદ ફરિયાદી વ્યાજના વિષચક્રમાં ઉતરતો રહ્યો હતો. જે ખેતર ખરીદયું તે ખેતર પવનચક્કી કંપનીએ સંપાદિત કર્યું અને વળતર મળ્યું નહીં. બીજો હપ્તો ચૂકવવા ફરિયાદીએ ફરી વિરલ જાડેજા પાસેથી આઠ લાખ રૂપિયા ત્રણ ટકે વ્યાજે મેળવેલાં. ૨૧ લાખની જમીન હોઈ વિરલે ત્રણ ટકે ૨૧ લાખ આપી સિક્યોરીટી પેટે રામપર સરવાની સાડા સાત એકર સંયુક્ત માલિકીની જમીન કે જેની બજાર કિંમત એકરે સાતથી આઠ લાખ થાય છે તેનું મૂલ્ય અડધાથી ઓછું ઠેરવી, તેનો દસ્તાવેજ ઘનશ્યામસિંહ જાડેજાના નામે લખાવી લીધો હતો. ગૌતમ અને રોહિતે કમિશન પેટે તેમના રૂપિયા લઈ લીધા હતા.
વધુ એક ખેતર અને ફ્લેટ પણ જમા લેવાઈ ગયાં
ફરિયાદી સતત વ્યાજના વિષચક્રમાં ઉતરતો ગયો. વિરલે બાકી વ્યાજની રકમ પેટે મોટી ખોંભડીનું ત્રણ એકરનું ખેતર નવ લાખમાં વજેસંગ ખેતુભા જાડેજાના નામે લખાવી દીધું હતું અને વ્યાજના એક લાખ તથા મુદ્દલ આઠ લાખ મળી નવ લાખમાં ફ્લેટ જમા લઈ લીધો હતો. ત્યારબાદ પણ વ્યાજનું ચકરડું ફરતું રહેલું.
કલાકમાં વ્યાજ જમા કરાવો નહિંતર ચક્રવૃધ્ધિ વ્યાજ લાગશે
રોહિત અને ગૌતમના કહેવાથી ફરિયાદીએ બડુભા પાસેથી માસિક ૧૦ ટકા વ્યાજે ૧૩ લાખ રૂપિયા મેળવ્યાં હતા. વ્યાજની રકમ ચૂકવવામાં વિલંબ થાય તો બડુભા ફરિયાદીના પિતાને ફોન કરીને એક કલાકમાં વ્યાજ જમા કરાવો નહિંતર ચક્રવૃધ્ધિ વ્યાજ લાગું થશે અને જેમ જેમ કલાકો વધશે તેમ તેમ વ્યાજ ચઢતું જશે તેમ કહીને ધમકીઓ આપતો. વાડી પર જઈને ફરિયાદી જોડે મારકૂટ પણ કરેલી.
બડુભાએ પોતાના ૧૩ લાખ અને વિરલના ૨૧ લાખ મળી ૩૪ લાખની મૂડી સામે વિરલ અને હું અંદરોઅંદર સમજી લેશું તેમ કહીને બડુભાએ ખોંભડીના ખેતરનો દસ્તાવેજ લખાવી લીધેલો.
ખોંભડીની જમીનનો દસ્તાવેજ કરવા ગયા ત્યારે ફરિયાદીના પિતાના બદલે જમીન માલિક તરીકે ચાંદુભા કાનજી સોઢાનું નામ જોઈને તેઓ ભડકી ગયેલાં. આમ, વિરલ અને બડુભાએ વ્યાજે આપેલા ૩૪ લાખ સામે ફરિયાદીએ ૪૫ લાખની વધુ રકમનું વ્યાજ ચૂકવ્યું હોવા છતાં બેઉ જણે કિંમતી ખેતરો અને ફ્લેટના વેચાણ દસ્તાવેજો તેમના પરિચિતોના નામે પરાણે લખાવી લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ગૌતમ અને રોહિતે પણ ફરિયાદી પાસેથી કમિશન પેટે સાડા ચાર લાખ રૂપિયા જેટલી રકમ મેળવીને બેઉ વતી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપ્યો હોવાનું લખાવાયું છે.
ઉલ્લેખનીય છે કે બળવંતની તાજેતરમાં નખત્રાણા પોલીસે વ્યાજખોરીના અન્ય ગુનામાં ધરપકડ કરેલી. બળવંત સામે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી વસૂલીની અગાઉ પાંચેક જેટલી ફરિયાદો નોંધાયેલી છે. એલસીબી પીઆઈ એ.એમ. મકવાણાએ પ્રીતેશની અરજીની તપાસ કરી ફરિયાદ નોંધાવડાવી છે.
Share it on
|