કચ્છખબરડૉટકોમ, અંજારઃ છેલ્લાં ૧૦ વર્ષથી હાથ ધોઈને અંજારની દીકરી પાછળ પડી ગયેલાં નિવૃત્ત સરકારી અધિકારીના વંઠેલા ફરજંદ ધમાને આખરે કૉર્ટે એક દાયકે એક કેસમાં દોષી ઠેરવ્યો છે. ૧૦ વર્ષના સમયગાળામાં દીકરી ધમા સામે હત્યાના પ્રયાસ, છેડતી, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ પંદરેક ફરિયાદો નોંધાવી ચૂકી છે. દરેક ગુનામાં જામીન પર છૂટ્યાં બાદ ધમો આ જ યુવતી પર અત્યાચાર ગુજારે છે પણ સમાજ, પોલીસ અને અદાલત આ દીકરીનું રક્ષણ કરવામાં સરેઆમ નિષ્ફળ રહ્યાં છે. આ નિષ્ફળતા બદલ એક સભ્ય સમાજના નાગરિક તરીકે આપણે સહુ જવાબદાર છીએ.
૧૮-૦૯-૨૦૧૪ના રોજ નાગલપર (મોટી) ગામના ધર્મેશ ઊર્ફે ધમો રામજીભાઈ ટાંકે યુવતીના ઘરમાં ઘૂસી જઈને શારીરિક અડપલાં કરી શરીર સંબંધ બાંધવા દેવાનું કહી તાબે ના થાય તો મારી નાખવાની ધમકી આપેલી. યુવતી તે સમયે કિશોર વયની હતી. તેની રાડારાડ સાંભળીને મોટી બહેન અને અડોશપડોશના લોકો દોડી આવતાં નરાધમ ધમો ત્યાંથી જતો રહ્યો હતો.
આ ગુનામાં અંજારની વિશેષ પોક્સો કૉર્ટે ધમાને ઈપીકો કલમ ૩૫૪-એ અને પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ૩-૩ વર્ષની કેદ અને ૨ હજારના દંડની સજા ફટકારી છે.
સ્પેશિયલ જજ કમલેશ કે. શુક્લએ આ ચુકાદો સંભળાવ્યો છે. અંજારના સરકારી વકીલ આશિષ પી. પંડ્યાએ દલીલો કરી આરોપીને મહત્તમ સજા ફટકારવા રજૂઆત કરી હતી. ભારતીય ન્યાયપ્રણાલિ વિશે કહેવાય છે કે યહાં દેર હૈ પર અંધેર નહીં પરંતુ ગુનાનો ભોગ બનનારને ન્યાય થયો હોવાની પ્રતીતિ થાય તે પણ એટલું જ આવશ્યક છે.
૨૦૧૪માં આ ગુનો આચર્યાં બાદ પણ વિકૃત ધમાએ યુવતી પર સતત શારીરિક અને જાતીય હુમલા કરવાનું ચાલું રાખેલું. લાગ મળતાં તેણે યુવતી પર બે વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
ગયા વર્ષે ૦૧-૦૬-૨૦૨૩ના રોજ ધમાએ યુવતીના ઘરમાં ઘૂસી જઈને છરીની અણીએ તેના પર દુષ્કર્મ ગુજારેલું. તે અગાઉ ૧૨-૦૨-૨૦૨૩ના રોજ ધમો છરી લઈને યુવતીના ઘરે પહોંચી ગયેલો અને પીડિતાએ દરવાજો બંધ કરી દેતાં વરંડાની ગ્રીલ પર ચઢીને પોતાની સામેના કેસ પાછાં ખેંચી લેવા ધમકી આપી હતી. ૦૩-૦૯-૨૦૨૨ના રોજ ધમાએ ભરપબપોરે જાહેર રોડ પરથી પીડિતાનું અપહરણ કરવાનો પ્રયાસ કરી તેના પર છરી વડે તૂટી પડેલો. જેમાં યુવતીએ હત્યાના પ્રયાસની કલમો તળે ધમા સામે ફરિયાદ નોંધાવી હતી.
Share it on
|