|
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ અશ્વિનભાઈ ત્રિપાઠી (ઉ.વ. ૪૦, રહે. વૉર્ડ 2-બી, જનતા હાઉસ પાસે, આદિપુર)એ ગુરુવારે બપોરે ગળેફાંસો ખાઈને કરેલા આપઘાતના બનાવમાં નવો વળાંક આવ્યો છે. દિપેશની પત્ની દિપાએ તેમને ધંધામાં હેરાન પરેશાન કરી દેવાના બોજમાં ધકેલનાર ચાર લોકો અને ૧૪ વ્યાજખોરો સહિત કુલ ૧૮ લોકો સામે પતિને મરવા મજબૂર કરવા સહિતની વિવિધ ગંભીર કલમો તળે આદિપુરમાં ફરિયાદ નોંધાવી છે. મરતાં પૂર્વે દિપેશે લખેલી સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડીંગના પુરાવાના આધારે ફરિયાદ દાખલ થઈ છે.
મરણ જનાર દિપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સ કંપનીની એજન્સી હતી. કંપનીએ નિયુક્ત કરેલ કટારિયા એન્ટરપ્રાઈઝમાં માલનો ઓર્ડર આપી RTGSથી એડવાન્સમાં ડિપોઝીટ પેટે નાણાં જમા કરાવે ત્યારબાદ કટારિયા એન્ટરપ્રાઈઝમાંથી માલ સપ્લાય થતો. આ માલ કંપનીએ ગાંધીધામમાં નિયત કરી આપેલાં રૂટના રીટેઈલ દુકાનદારોને સપ્લાય કરવાનો રહેતો. બિઝનેસ બરાબર ચાલતો હતો પરંતુ ગમે તે કારણોસર કટારિયા એન્ટરપ્રાઈઝના વિપુલ એસ.આર. (મુંદરાવાળા) નામના માણસને દિપેશ જોડે વાંકુ પડ્યું હતું.
વિપુલના લીધે બિઝનેસ ખોરવાઈ ગયેલો
કટારિયા વતી માલ સપ્લાય કરવાનું કામ વિપુલ સંભાળતો હતો. વિપુલે કટારિયા એન્ટરપ્રાઈઝના માલિક રૂપેશભાઈ, કલ્પેશભાઈ અને અંકિતા મેડમની દિપેશ વિરુધ્ધ કાનભંભેરણી શરૂ કરેલી. ઓર્ડર મુજબ વિપુલ નિયમિત અને સમયસર માલ સપ્લાય કરતો નહીં.
વિપુલની ચડામણીના લીધે રૂપેશભાઈ, કલ્પેશભાઈ અને અંકિતા મેડમ દિપેશની ફરિયાદની અવગણના કરતાં.
દિપેશની એજન્સી હોવા છતાં વિપુલે તેના મળતિયાને દિપેશના નિયત રૂટ પર માલ સપ્લાય કરવાની એજન્સી અપાવેલી. એટલું જ નહીં, દિપેશના ગોડાઉનની બાજુમાં મળતિયાને પણ ગોડાઉન રખાવી આપેલું. પરિણામે, દિપેશના બિઝનેસને માઠી અસર થયેલી. ધંધો ઠપ્પ થવા આવેલો અને મોટું નુકસાન થતું હતું.
ગુરુવારે પણ માલ ના મળતાં જીવન ટૂંકાવી લીધું
છેલ્લે દિપેશે ઓર્ડર આપીને RTGSથી એડવાન્સમાં ડિપોઝીટ ભરેલી. બીજી માર્ચે માલ મળવાનો હતો પરંતુ હોળીના બહાને માલ સપ્લાય થયો નહોતો અને પાંચમી માર્ચે માલ આવશે તેમ કહેવાયેલું. ગુરુવારે પાંચમી માર્ચે માલ ના મળતાં દિપેશે કટારિયા એન્ટરપ્રાઈઝમાં ફોન કરેલો. આજે પણ માલ નહીં આવે તેવો જવાબ મળતાં દિપેશ હતાશ થઈ આપઘાત કરવા પ્રેરાયો હતો.
૧૪ વ્યાજખોરોનો અતિશય ત્રાસ હતો
ઘણાં સમયથી ધંધો ઠપ્પ થઈ ગયો હોઈ દિપેશ નાણાંભીડમાં આવી ગયેલો. ધીમે ધીમે તે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ગયેલો. આવા ૧૪ વ્યાજખોરો પણ સતત પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી કરતાં રહેતા હતાં. આ ૧૪ વ્યાજખોરો સામે પણ દિપાએ વગર લાયસન્સે ગેરકાયદે નાણાં ધીરધાર, અતિશય ઊંચા વ્યાજે નાણાં ધીરવા, પઠાણી ઉઘરાણી કરી નાણાં પડાવવા, જાનથી મારી નાખવાની અને મિલકત ઘરેણાં પડાવી લેવાની ધમકી આપવા સબબ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમો તળે ફરિયાદ નોંધાવી છે.
♦દિપેશે પત્નીના સોનના બે મંગળસૂત્ર, ચેઈન, ત્રણ સેટ, માળા, ચાર બુટ્ટી વગેરે ઘરેણાં કરણ ડાયાલાલ આહીર નામના વ્યાજખોર પાસે ગીરવે મૂકીને ઊંચા વ્યાજે નાણાં મેળવેલાં.
દિપેશે મૂડી કરતાં વધુ વ્યાજ ચૂકવી આપેલું છતાં કરણ દાગીના પાછાં આપતો નહોતો અને વધુ ને વધુ રૂપિયાની ઉઘરાણી કરતો હતો.
દિપેશ એકવાર દાગીના પાછાં મેળવવા કરણની ઑફિસે ગયેલો ત્યારે કરણ, તેના પિતા ડાયાલાલ અને આનંદ નામનો શખ્સ હાજર હતા. કરણ અને આનંદે પૂરાં રૂપિયા આપીશ તો જ દાગીના પાછાં આપીશું તેમ કહીને મારી નાખવાની ધમકી આપેલી.
♦આર્થિક સંકડામણમાં ફસાયેલા દિપેશને વ્યાજે રૂપિયા લેવા માટે તેના મામા દિનેશ શાંતિલાલ ભટ્ટે તેમના મકાનના અસલ દસ્તાવેજની ફાઈલ આપેલી. મકાન ગીરવે રાખીને ભચાઉના નટુભા સોઢાએ દિપેશને રૂપિયા આપેલાં. નટુએ પણ મૂડી કરતાં વધુ વ્યાજ વસૂલી લીધું હોવા છતાં મકાનના દસ્તાવેજની ફાઈલ દિપેશને આપતો નહોતો અને પઠાણી ઉઘરાણી કર્યા કરતો હતો.
♦આદિપુરના ડીસી ફાઈવમાં રહેતા કલ્પેશ મુળજીભાઈ ઠક્કરને દિપેશે અન્ય એક એજન્સી અપાવેલી. છતાં તેણે દિપેશને કંઈ આપ્યું નહોતું અને વ્યાજે આપેલા નાણાંની સતત પઠાણી ઉઘરાણી કર્યાં કરતો હતો. એ જ રીતે, દર્શન બળવંત ઠક્કર પણ સતત પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો.
કલ્પેશ અને દર્શન બેઉ ગાંધીધામ ભાજપના સ્થાનિક નેતાઓના પરિવાર સાથે જોડાયેલાં હોવાનું ચર્ચાય છે.
♦ભુજની વ્યાજખોર રોશની આનંદ ભટ્ટ છેલ્લાં આઠ વર્ષથી દિપેશને હેરાન પરેશાન કરતી હતી. તેણે પણ મૂડી કરતાં અનેકગણું વ્યાજ વસૂલેલું છતાં પઠાણી ઉઘરાણી ચાલું રહી હતી.
♦મુકેશ મિરાણી અને તેના ભાઈ હરેશ મિરાણી (ગણેશ એજન્સીવાળા) પણ સતત પઠાણી ઉઘરાણી કરતાં હતા. કટારિયામાં દિપેશ કોઈ ઓર્ડર નોંધાવો તો આ બેઉ વ્યાજખોર મિરાણી બંધુઓને દિપેશે કેટલાં રૂપિયાનો ઓર્ડર નોંધાવ્યો છે અને કયા માલનો ઓર્ડર આપ્યો છે તેની તેમને તુરંત બાતમી મળી જતી હતી.
♦હિતેશ રાજકોટીયા નામનો વ્યાજખોર દિપેશે આપેલો ચેક બાઉન્સ કરાવી જેલમાં નખાવી દેવાની ધમકી આપતો હતો. દિપેશે આપઘાત કર્યો તે દિવસે પણ હિતેશ પઠાણી ઉઘરાણી કરવા તેના ઘરે પહોંચ્યો હતો!
♦આદિપુરના પ્રકાશ મોદી નામના લોન એજન્ટે પણ દિપેશને આર્થિક રીતે ફોલી ખાધો હતો. પ્રકાશ દિપેશના નામે લોન મંજૂર કરાવી આપતો અને કમિશનના નામે લોનની અડધી રકમ પોતે લઈ લેતો હતો
♦ધર્મેન્દ્રસિંહ ભાટી (ધમો), ક્રિપાલસિંહ, ભીખુભાઈ, ચંદ્રસિંહ બાપુ (ઝોનવાળો) નામના અન્ય વ્યાજખોરો પણ સતત પઠાણી ઉઘરાણી કરી દિપેશને ત્રાસ આપતા હતા.
આદિપુર પોલીસે તમામ લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૩૦૮ (૫), ૨૯૬ બી, ૩૫૧ (૨) તથા ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ ૪૦, ૪૨ (એ) અને (ડી) હેઠળ ફરિયાદ દાખલ કરી છે. પીઆઈ એમ.સી. વાળાએ તપાસ હાથ ધરી છે.
Share it on
|