click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Gandhidham -> Liquor Den Janta Raid Leads to FIR Against AAP Female Leader in Gandhidham
Monday, 09-Mar-2026 - Gandhidham 32341 views
દેશી દારૂના અડ્ડા પર ‘જનતા રેઈડ’ ભારે પડી! ‘આપ’ના મહિલા પ્રમુખ સામે FIR નોંધાઈ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ ગાંધીધામના ગણેશનગરમાં વલીડાડા પાર્ક પાસે ઓરડીમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર જનતા રેઈડ કરવી આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખને ‘ભારે’ પડી ગઈ છે. ‘આપ’ના મહિલા પ્રમુખ અને કોસ્મેટિક ડર્મેટોલોજીસ્ટ ડૉ. કાયનાત આથા અન્સારી તથા રેઈડમાં સામેલ અન્ય બે શખ્સો પર મહિલાએ બળજબરીથી ઘરમાં ઘૂસી જઈને જાતિ અપમાનિત કરવા બદલ એટ્રોસિટી સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે!
ત્રણ દિવસ અગાઉ દેશી દારૂના અડ્ડા પર રેઈડ કરેલી

ડૉ. કાયનાત અન્સારી, તેમના સાથી કાર્યકર દિગુભા દરબાર અને અન્ય એક અજાણ્યા માણસે ૬ઠ્ઠી માર્ચે ૮ વાગ્યાના અરસામાં લાઈવ જનતા રેઈડ કરેલી. તે સમયે બૂટલેગર સ્થળ પરથી નાસી ગયેલો. સમગ્ર ઘટનાનું તેમણે વીડિયો રેકોર્ડિંગ કરેલું અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલું.

પોલીસે ૭ લીટર દેશી દારૂ, પેટીએમ સ્કેનર જપ્ત કરેલું

જનતા રેઈડના પગલે ગાંધીધામ બી ડિવિઝનનો પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી આવેલો. પોલીસે ઓરડીમાં રહેલી ડોલ અને ડબ્બામાંથી ૧૪૦૦ રૂપિયાની કિંમતનો ૭ લીટર દેશી દારૂ જપ્ત કરેલો. દારૂ પીવા આવતાં લોકો માટે બૂટલેગરે રોકડ રકમ ના હોય તો ઓનલાઈન પેમેન્ટ માટે પેટીએમ સ્કેનર રાખેલું તે સ્કેનર તથા ઓરડીમાં રહેલો એક મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. પોલીસે આ અંગે ઓરડીના અજ્ઞાત કબજેદાર વિરુધ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ (એ) (એ) હેઠળ ફરિયાદ દાખલ કરી હતી.

ત્રણ દિવસ બાદ કાયનાત અન્સારી, કાર્યકરો પર FIR

આ બૂટલેગર કોણ હતો અને તેને પકડ્યો કે નહીં તે અંગે પોલીસે હજુ કશી વિગતો જાહેર કરી નથી પરંતુ ત્રણ દિવસ બાદ સોનબાઈ ધુવા નામની મહિલાએ કાયનાત અન્સારી સહિતના ત્રણ જણે પોતાના ઘરમાં ઘૂસી આવીને, પુત્ર જોડે ધાક ધમકી કરતાં તે ડરીને નાસી ગયો હોવાની તથા વૃધ્ધ સાસુને જાતિ અપમાનિત કર્યા અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

આધોઈમાં જનતા રેઈડ બાદ પોલીસે પરેશાન કરેલાં

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૦૧-૦૧-૨૦૨૫ના રોજ કાયનાત અન્સારી અને તેમની ટીમે ભચાઉના આધોઈમાં આ જ રીતે એક નિર્જન ખંડરમાં દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડેલો. બૂટલેગર ભાગી ગયેલો અને પોલીસને વારંવાર જાણ કરવા છતાં પોલીસ સ્થળ પર ના આવતાં તેઓ દારૂ સહિતનો મુદ્દામાલ લઈને ફરિયાદ નોંધાવવા સામખિયાળી પોલીસ સ્ટેશન પહોંચેલાં. પોલીસે તે સમયે ફરિયાદ તો દાખલ કરેલી પરંતુ પાછળ પોલીસે કાયનાત અને તેમના કાર્યકરોને વારંવાર સમન્સ પાઠવી, પોલીસ સ્ટેશન બોલાવીને હેરાન પરેશાન કરવા પ્રયાસ કરેલો તેવો તેમણે આરોપ કરેલો.

અવાજ ઉઠાવવો જ જોઈએ પણ આટલું ધ્યાન રાખીને 

ગુજરાતમાં પોલીસની નિષ્ક્રિયતા, બેદરકારી કે મિલિભગતથી દારૂ, જુગાર સહિતની જાહેરમાં કોઈપણ ગુનાહિત ગેરપ્રવૃત્તિ ચાલતી હોય, પત્રકારો, સમાજ સેવકો કે વિપક્ષી પાર્ટીના લોકો તેનો પર્દાફાશ કરે ત્યારે તેમને કોઈને કોઈ રીતે ગમે તે ગુનામાં ફીટ કરાયાં છે તેવું અગાઉના અનેક કિસ્સાઓમાં જોવા મળેલું છે.

જો કોઈની માલિકી કે કબજા ભોગવટાની મિલકતની અંદર ગેરપ્રવૃત્તિ ચાલતી હોય તો જાગૃત નાગરિકોએ તેમાં સીધા પ્રવેશીને જડતી લેવાના બદલે પોલીસને બોલાવી, પોલીસ સાથે રહીને પોલીસ પાસે જ કાર્યવાહી કરાવવી જોઈએ, જેથી ગુનેગાર તત્વો ગમે તેવા આરોપ લગાડી પોલીસના જ ઈશારે ખોટી ફરિયાદમાં ફીટ ના કરી શકે.

એક જાગૃત નાગરિક તરીકે સમાજનો કોઈપણ નાગરિક કાયદાનો ભંગ કરતી કોઈ પણ બાબત/ ઘટના અંગે અવાજ ઉઠાવી શકે છે, ઉઠાવવો જ જોઈએ.

ઈન્ડિયા ધેટ ઈઝ ભારતનું શાસનતંત્ર બંધારણ આધારીત છે. ભારત એક લોકશાહી રાષ્ટ્ર છે, કોઈના બાપની કે રાજા મહારાજાની જાગીર નથી કે નથી કોઈ ‘પોલીસ સ્ટેટ’

આ પ્રકરણ બાદ ‘આપ’ના વરિષ્ઠ નેતા ગોપાલ ઈટાલિયા હવે નકલી ઈડીની રેઈડ વખતે તેમના પર જે ફંડિંગ મેળવ્યાનો પોલીસે આરોપ લગાડેલો તે મામલે ‘મની ટ્રેઈલ’નો હિસાબ માગવા ફરી ગાંધીધામમાં દેખાવો કરે તો નવાઈ નહીં.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો