|
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારની એક દીકરી કે જે કિશોર અવસ્થામાં હતી ત્યારથી હાથ ધોઈને તેની પાછળ પડી જઈને દસ વર્ષના ગાળામાં દીકરી પર સંખ્યાબંધ વખત જુલમ ગુજારનારાં કુખ્યાત ધમાને વધુ એક ગુનામાં અંજાર કૉર્ટે ચાર વર્ષનો કારાવાસ ફટકાર્યો છે. નિવૃત્ત સરકારી અધિકારીના વંઠેલા ફરજંદ ધર્મેશ ઊર્ફે ધમો રામજીભાઈ ટાંક (રહે. નાગલપર, અંજાર) સામે પીડિતાએ ૨૦૧૪માં ઘરમાં ઘૂસીને શારીરિક છેડતી કરવાની ફરિયાદ નોંધાવેલી. ગુનાહિત માનસિક્તા ધરાવતા ધમાએ યુવતી પર સતત શારીરિક હુમલા ચાલું રાખેલાં. ચોરીઓના ગુનામાં કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોના ચોપડે આરોપી તરીકે ચિતરાયેલો ધમો જેવો જામીન પર છૂટે કે દીકરીના ઘરમાં બળજબરી ઘૂસીને તેની સાથે અડપલાં કે દુષ્કર્મનો પ્રયાસ કરતો. દીકરી સાથે તેણે બે વખત દુષ્કર્મ આચરેલું જે અંગે ફરિયાદો નોંધાયેલી છે. દીકરી તાબે ના થતાં તેને છરીના ઘા ઝીંકી મારી નાખવાનો પણ પ્રયાસ કરેલો.
૧૨ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ પીડિતાના ઘરે જઈ ધમાએ છરીની અણીએ જાહેરમાં ગાળો ભાંડીને અગાઉ કરેલા કેસો પાછાં ખેંચી લેવાનું જણાવી મારી નાખવાની ધમકી આપેલી. આ ગુનામાં અંજારના ત્રીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ એસ.ડી. ત્રિપાઠીએ ઈપીકો કલમ ૫૦૬ (૨) હેઠળ ધમાને ચાર વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
ધમાને અગાઉ આ જ પીડિતાએ ૨૦૧૪માં પોક્સો અને છેડતી કરવાની નોંધાવેલી ફરિયાદમાં વિશેષ કૉર્ટે એપ્રિલ ૨૦૨૪માં ૩ વર્ષની કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ, અંજારની મિસ્ત્રી સમાજ વાડીમાંથી ૧.૨૮ લાખના રસોઈના તાંબાના વાસણોની ચોરી કરવાના ગુનામાં કૉર્ટે તેને જાન્યુઆરી ૨૦૨૫માં બે વર્ષનો કારાવાસ ફટકાર્યો હતો. આરોપી સામે હજુ પીડિતાના દુષ્કર્મ અને હત્યાના પ્રયાસ સહિતના અન્ય અનેક ગુનાની ટ્રાયલ કૉર્ટમાં ચાલી રહી છે.
Share it on
|