click here to go to advertiser's link
Visitors :  
27-Jun-2026, Saturday
Home -> Anjar -> Revenge for Divorce Ex Husband Stabs Wifes Lover to Death in Anjar
Friday, 17-Apr-2026 - Anjar 49200 views
અંજારઃ જેના લીધે પત્નીને તલાક આપવા પડ્યાં તે પ્રેમીને પૂર્વ પતિએ પતાવી દીધો
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના ગંગાનાકે આવેલા બી.એમ. પેટ્રોલ પંપ પર છરી મારીને મુસ્તાક મન્સુરી નામના યુવકની કરાયેલી હત્યામાં લગ્નેતર સંબંધની અદાવત કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. એટલું જ નહીં, હત્યામાં મુખ્ય આરોપી સહિત ત્રણ જણાંની સંડોવણીની સપાટી પર આવી છે. અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં બે જણની ધરપકડ કરી લીધી છે.

મરણ જનાર મુસ્તાક જુમા મન્સુરી (રહે. નવાનગર, હનુમાન મંદિર પાસે, અંજાર) પરિણીત હતો અને સંતાનમાં એક દીકરી છે.

બોલેરો પીકઅપથી ફેરાં મારીને પેટિયું રળતા મુસ્તાકને ભચાઉ રહેતી સાઈના બાયડ જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ પ્રેમ સંબંધે સાઈનાના લગ્નજીવનમાં ભારે વંટોળ આણ્યો હતો. સાઈના અને તેના પતિ અસ્લમ ઊર્ફે અબો મામદ સમા (મૂળ રહે. સુવઈ, રાપર) વચ્ચે આડા સંબંધને લઈ ખૂબ ઝઘડા વિખવાદ સર્જાયેલાં. અંતે અસ્લમે સાઈનાને તલાક આપેલા અને તે અંજાર રહેવા જતી રહેલી.

મુસ્તાકની હત્યા માટે બે જણની મદદ લીધી

મુસ્તાકના લીધે પોતાના લગ્નજીવનમાં પલીતો ચંપાયો હોવાનો ખાર રાખીને અસ્લમે તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. મુસ્તાકને પતાવી દેવા માટે તેણે મેઘપર બોરીચીમાં રહેતા ભાઈ શબ્બિર અબ્દુલ કરીમ બાયડ અને ભચાઉના લલિયાણામાં રહેતા મિત્ર મહેશ લખુભાઈ કેરાસીયાની મદદ મેળવેલી.

છરી મારનાર અસ્લમને મુસ્તાકના મિત્રો ઓળખી ગયેલાં

મુસ્તાકની ગંગા નાકા પાસે બેઠક હતી. ગઈકાલે સાંજે તે ત્રણ મિત્રો જોડે ચાની હોટેલ પર બેઠો હતો ત્યારે અચાનક તેને કોઈનો ફોન આવેલો. ફોન પર વાતો કરતાં કરતાં તે પેટ્રોલ પંપ પર પહોંચેલો. ત્યાં પાછળથી બાઈક પર અસ્લમ સમા અને મહેશ કેરાસીયા આવેલાં. બાઈક મહેશ હંકારતો હતો. અસ્લમે બાઈક પરથી ઉતરીને મુસ્તાકની પીઠ અને ગળા બાજુ છરીના બે ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ બાઈક પર બેસી બેઉ જણ નાસી ગયેલાં. હોટેલ પર ચા પીવા બેઠેલાં મુસ્તાકના મિત્રો અસ્લમને ઓળખી ગયેલાં.

LCB અંજાર પોલીસે રાતોરાત બેે જણને ઝડપી લીધાં

ચૂંટણીઓ ટાણે ભરબજારે થયેલાં મર્ડરના બનાવને ગંભીરતાથી લઈ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તુરંત હરકતમાં આવી ગયેલાં. અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી અને અન્ય ટેકનિકલ સર્વેલન્સ સાથે બાતમીદારોને કામે લગાડી દેવાયેલાં. પોલીસે ગણતરીના કલાકોમાં મહેશ કેરાસીયા અને શબ્બિરને દબોચી લીધાં છે. જો કે, મુખ્ય આરોપી અસ્લમ હાથમાં આવ્યો નથી.

શબ્બિરે મુસ્તાકની હાજરીની રેકી કરી જાણ કરેલી

પૂછપરછમાં બહાર આવ્યું કે બનાવ પૂર્વે શબ્બિરે સ્થળ પર મુસ્તાકની હાજરીની વૉચ રાખેલી અને મુસ્તાક ગંગાનાકે હાજર હોવાની અસ્લમને જાણ કરેલી. શબ્બિર અને અસ્લમ બેઉ મામા-ફોઈના સંતાનો છે. અંજારના પીઆઈ હકુમતસિંહ અનોપસિંહ જાડેજાએ ઝડપાયેલાં બે મદદગારોને રીમાન્ડ પર લઈ સઘન પૂછપરછ હાથ ધરવા તજવીજ હાથ ધરી છે. અસ્લમે અગાઉ થોડોક સમય કોઈ લોકલ યુટ્યુબ ન્યૂઝ ચેનલમાં કામ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

Share it on
   

Recent News  
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
 
બરંદામાં ભેદી સંજોગોમાં મૃત્યુ બાદ યુવકને દફન કરી દેવાયોઃ પોલીસે આદરી તપાસ
 
બે ચોરના થેલામાંથી વિદેશી પિસ્ટલ સાથે ૨૬ કારતૂસ મળતાં આદિપુર પોલીસ ચોંકી ઉઠી!