click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Mundra -> Cheats Swindle Rs 1.39 Crore from Bhuj Man on Pretext of Selling Land
Friday, 26-Jun-2026 - Mundra 25703 views
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ખૂન, અપહરણ, ખૂનના પ્રયાસ, એટ્રોસિટી સહિતના વિવિધ ગંભીર ગુનાની આરોપી એવી મુંદરાના પત્રી ગામની વેજીબેન વાલજી ચાડ અને વાંકી પત્રીના ખોજા પરિવારે જમીન વેચાણના નામે ૧.૩૯ કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ દાખલ થઈ છે. ભુજના પ્રમુખસ્વામીનગરમાં રહેતા જમીન દલાલ મહમદ રફીક હાજી ખોજાએ પ્રાગપર પોલીસ મથકે વેજી ચાડ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
૩૦ લાખ લઈ વેજીને સાટા કરાર લખી આપેલો

વાંકી ગામે રેવન્યૂ સર્વે નંબર ૩૬૮ની ૨૨ એકર ૪ ગુંઠા જમીન વાંકી ગામે રહેતા જોહરાબાઈ અમીરઅલી ખોજા, અમીન અમીરઅલી ખોજા, ઈરફાન અમીરઅલી ખોજા, કરિશ્મા અમીરઅલી ખોજાના નામે નોંધાયેલી છે. પત્રીની વેજીએ ખોજા પરિવારને ૩૦ લાખ રોકડાં અને ૧ લાખનો ચેક આપીને ૧૬-૦૭-૨૦૨૫ના રોજ પોતાના નામે નોટરાઈઝ્ડ સાટા કરાર કરાવ્યો હતો. આ જમીન ખરીદવામાં ફરિયાદીને રસ હોઈ તે વેજીને મળેલો. વેજીએ પોતે કહે તેને ખોજા પરિવાર જમીનના વેચાણ દસ્તાવેજ લખી આપશે તેમ કહીને જમીન વેચાણમાં રસ દર્શાવેલો.

વેજીએ ૪૦ લાખ લઈ ફરિયાદીને સાટા કરાર લખી આપ્યો

ફરિયાદી અને વેજી વચ્ચે પ્રતિ એકરની કિંમત ૧૩ લાખ પેટે ૨ કરોડ ૮૬ લાખ ૨૫ હજારમાં સોદો નક્કી થયેલો. ફરિયાદીએ વેજીને બાના પેટે ૪૦ લાખ રોકડાં આપીને સાટા કરાર લખાવી લીધેલો.

વેજીના કહ્યા મુજબ ફરિયાદીએ સોદાની બાકીની રકમ ખોજા પરિવારને ચૂકવવાની હતી. ફરિયાદીએ ખોજા પરિવારના ઈરફાન જોડે આ મામલે વાત કરેલી અને તેણે વેજીબેન ગમે તેને જમીન વેચે, તેને કોઈ વાંધો ના હોવાની અને નિયત રકમ મળ્યે વેજીબેન કહે ત્યારે વેચાણ દસ્તાવેજ લખી આપવાની ખાતરી આપેલી.

ફરિયાદીએ પોતાના મિત્ર ધીરુભા જાડેજા સાથે આ જમીન પાર્ટનરશીપમાં ખરીદવાનું નક્કી કરેલું. સોદા પેટે તેમણે ઇરફાનની માંગણી મુજબ તેને ૪.૫૦ લાખના ૪ ચેક લખી આપેલાં. ૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ દસ્તાવેજ માટે ટોકન લેવાનું નક્કી થયેલું. ઈરફાન આગલા દિવસે ભુજમાં આવીને ફરિયાદી પાસેથી રોકડાં અને ચેકમાં થોડાંક રૂપિયા લઈ ગયેલો.

ટોકનના દિવસે જ જાહેર નોટિસથી સોદામાં ઘોંચ પડી

જે દિવસે ટોકન મેળવેલો તે જ દિવસે છાપામાં છપાયેલી જાહેર નોટિસ વાંચીને ફરિયાદી ભડક્યો હતો. ઈરફાનની ફોઈ દિલશાદબેને આ જમીન વડીલોપાર્જીત હોવાનું અને તેમાં પોતાના વારસાઈના હક્કો હોવાનું જાહેર કરીને જોહરાબાઈ પોતાના હક્કો ડૂબાડીને જમીન વેચસાટ કરવાનો પ્રયાસ કરી રહી હોવાનો અને જે કોઈ જમીન અંગે વ્યવહાર કરશે તેની સામે ફોજદારી ફરિયાદ નોંધાવવાની ચીમકી અપાઈ હતી.

ખોટાં વાયદા આપીને ખોજા પરિવાર રૂપિયા મેળવતો રહ્યો

ફરિયાદીએ આ અંગે ઈરફાનને વાત કરતાં તેણે ચિંતા ના કરવા અને પોતે ફોઈ જોડે મામલો સેટલ કરી દેશે તેમ કહીને દસ્તાવેજની બીજી તારીખ મેળવવા જણાવેલું. થોડાંક દિવસો સુધી વાયદાબાજી કર્યાં બાદ ઈરફાન ફરિયાદીને ભુજમાં રૂબરૂ મળીને જમીન દસ્તાવેજ લખી આપવાની ખાતરી આપીને પાંચ લાખ લઈ ગયેલો. ફેબ્રુઆરીમાં ઈરફાને ફોઈ જોડે સમાધાન થઈ ગયું હોવાનું જણાવી, ફરિયાદીને વિશ્વાસમાં લઈને વધુ ૮.૫૦ લાખ તથા ૪૯૧ લાખ મેળવેલાં.

ફરિયાદીને ખોટાં વાયદા આપીને છેલ્લે ૪૦ લાખ રૂપિયા લઈ ગયેલો. ત્યારબાદ ‘નફામાં ભાગ આપવો હોય તો જ દસ્તાવેજ લખી આપશું’ કહીને ઈરફાને પોત પ્રકાશેલું.

સમગ્ર સોદા દરમિયાન વેજીબેન પણ ઈરફાનની જેમ ફરિયાદીને વાયદાઓ આપતી રહેલી. ફરિયાદીએ જે નાણાં ચૂકવેલાં છે તેના ચેક, રસીદો અને બેન્ક ખાતાંની વિગતોના પુરાવા પોલીસને આપ્યાં છે. પ્રાગપર પોલીસે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમો તળે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!